તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
કુવાડવાના શારદાબેન અને તેના પતિ પર હુમલામાં ૪ પાડોશીઓ સામે ગુનો
ગેરકાયદે દબાણનું ડિમોલીશન કરાવ્યું હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો રામજી, વિજુબેન, પ્રીતિબેન અને કાનાએ ખાર રાખી ઘર પર પથ્થરમારો કરી આજે તો બચી ગયા હવે અરજી કરશો તો મારી નાંખશું તેવી ધમકી દીધી હતીઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૬: કુવાડવા ગામમાં આંબલીવાળી શેરીમાં જૂના અવેડા પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા શારદાબેન અશોકભાઈ રોલસિયા (ઉ.વ. ૫૦)એ પોતાના ઘરની પાછળના ભાગે જ ગેરકાયદે દબાણ થયું હોઇ હવા ઉજાસ બંધ થઇ જતાં અરજી કરી ડિમોલીશન કરાવતાં આ વાતનો ખાર રાખી ચાર પાડોશીઓએ હુમલો કરી શારદાબેન તથા તેના પતિને મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ દાખલ થઇ છે.
કુવાડવા પોલીસે શારદાબેનને ફરિયાદને આધારે તેના પાડોશી વિજુબેન બાલાભાઇ સોલંકી, રામજી બાલાલભાઇ સોલંકી, કાનો રાવળ અને પ્રીતિબેન કાનો રાવળ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદી મહિલાના પતિ છેલ્લા સાત વર્ષથી પેરેલીસીસની ગંભીર બીમારીથી પીડિત હોવાથી પથારીવશ છે. ફરિયાદની વિગત મુજબ શારદાબેનને સરકાર તરફથી પ્લોટ મળતા તેઓએ ત્યાં મકાન બનાવ્યું છે. તેમની ઘરની સામે રામજીભાઈ બાલાભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. આશરે દોઢ વર્ષ પહેલા રામજી સોલંકીએ શારદાબેનના મકાનની દીવાલને અડીને આવેલા સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર મકાનનું બાંધકામ શરૂ કર્યું હતું. તે સમયે શારદાબેનના પરિવારે મકાનની બાજુમાં નાનું નવેળુ-જગ્યા છોડવા વિનંતી કરી હતી, પરંતુ રામજીએ દાદાગીરી કરી આખી સરકારી જમીન દબાવી દીધી હતી.
પડોશી દ્વારા સરકારી જમીન પચાવી પાડીને કરવામાં આવેલા આ ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ શારદાબેને રાજકોટ તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધિવત અરજી કરી હતી. મામલતદારશ્રીએ આ કેસની સુનાવણી બાદ સરકારી જમીન પરનું દબાણ હટાવવાનો કડક હુકમ કર્યો હતો. જેના પગલે ગત તારીખ ૧૫/૦૫ના રોજ તંત્ર દ્વારા રામજી સોલંકીના ગેરકાયદેસર મકાન પર ડિમોલિશનની કડક કાર્યવાહી કરીને તેને તોડી પાડવામાં આવ્યું હતું.
પોતાનું ગેરકાયદેસર મકાન તૂટી જતાં રામજી સોલંકી અને તેનો પરિવાર શારદાબેન પર ખુન્નસ રાખીને બેઠો હતો. ગત ૧૭મીના રોજ રાત્રિના આશરે દસેક વાગ્યે જ્યારે શારદાબેન અને તેમના બીમાર પતિ અશોકભાઈ ઘરમાં હાજર હતા, ત્યારે સામે રહેતા વિજુબેન બાલાભાઈ સોલંકી, તેનો દીકરો રામજીભાઈ બાલાભાઈ સોલંકી તેમજ તેમના મકાનમાં ભાડે રહેતા કાનો રાવળ અને તેની પત્નિ પ્રીતિબેન એકસંપ થઈને શારદાબેનના ઘર પાસે આવ્યા હતા. આ ચારેય શખ્સોએ ડિમોલિશનનો ખાર રાખીને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. શારદાબેને ગાળો બોલવાની ના પાડતા ચારેય જણાએ ઝપાઝપી કરી મૂઢમાર માર્યો હતો. જ્યારે રામજી સોલંકીએ શારદાબેનના મકાન પર અને ઘરની અંદર છૂટા પથ્થરોના ઘા ઝીંકી પથ્થરમારો કર્યો હતો.
આ હુમલા દરમિયાન શારદાબેન અને તેમના પતિએ બુમાબુમ કરતાં આજુબાજુની શેરીમાં રહેતા કલાભાઈ ભરવાડ અને કાનાભાઈ લુહાર સહિતના લોકો દોડી આવ્યા હતા. લોકોના ટોળા એકઠા થતા જોઈને ચારેય આરોપીઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. પરંતુ જતા જતા મુખ્ય આરોપી રામજી સોલંકી અને કાના રાવળે ધમકી આપી હતી કે-આજે તો તમે બંને બચી ગયા છો, પણ જો બીજીવાર કયાંય આડું-અવળું કર્યું કે અરજી કરી તો તમને બંનેને જાનથી મારી નાખવા છે.
આ ભયાનક ઘટના બાદ ભયભીત બનેલા પરિવારે અગાઉ પોલીસ કમિશનર કચેરીએ ન્યાય માટે અરજી આપી હતી. જે સંદર્ભે કુવાડવા પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં હેડકોન્સ. એસ. આર. કુમારખાણીયાએ ઘરમાં ઘૂસી હુમલો કરવો, તોડફોડ કરવી, ગાળો આપવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(3:33 PM IST)










