તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ક્રાઇમ બ્રાંચે રિક્ષાગેંગના ૪ને દબોચ્યાઃ બે મહિનામાં ૧૭ મુસાફરોને શિકાર બનાવ્યા
રાજકોટ ,મોરબી, ટંકારા, ચોટીલા, સાયલા, વડોદરા, પાવાગઢ સુધી ગુના આચર્યા ભગવતીપરાના રોહિત, વિપુલ, ઘંટેશ્વરના આકાશ અને જંગલેશ્વરના પ્રકાશ ઉર્ફે બકુલને દબોચી લેવાયાઃ ધક્કામુક્કી, ઉલ્ટી ઉબકાનું નાટક કરી પર્સ સેરવી મુસાફરને ઉતારી મુકતાં : પીઆઇ પોલીસ ઇન્સ. એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઈ એસ.એમ.રાણા અને ટીમની કામગીરીઃ હેડકોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, તુલસીભાઇ ચુડાસમા, ભાનુભાઇ ધાંધલા તથા કોન્સ્ટેબલ સંજયભાઇ ખાખરીયાની બાતમીરાજકોટ તા. ૧૪: શહેરમાં અવાર-નવાર મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્ટી ઉબકાનું કે ધક્કામુક્કીનું નાટક કરી જે તે મુસાફરના રૂપિયા પર્સ ચોરી લઇ બહાનુ કરી તેને ઉતારી મુકી ભાગી જતાં રિક્ષાગેંગના ચાર શખ્સોને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા છે. રાજકોટ ઉપરાંત મોરબી, ટંકારા, ચોટીલા, વડોદરા, પાવાગઢ સુધી આ ચારેયએ છેલ્લા બે મહિનામાં ૧૭ મુસાફરોને શિકાર બનાવી ચોરી કરી લીધાનું ખુલ્યું છે.

શહેરમાં મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા વાહન ચોરી, મોબાઈલ ચોરી અને પેસેન્જરના રોકડ રકમ સેરવી લેતા અણઉકેલાયેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલીંગમાં હતી. આ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, તુલસીભાઇ ચુડાસમા, ભાનુભાઇ ધાંધલા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ ખાખરીયા નાઓને મળેલ સંયુક્ત ચોક્કસ ખાનગી હકીકતના આધારે માધાપર ચોકડી બ્રીજ નીચે ની ચાર શખ્સો રોહિત ઇકુભાઇ કોઇડીયા (ઉ.વ.૨૦-રહે. ભગવતીપરા ત્રિમુર્તિ ચોક), વિપુલ વિનોદભાઇ ડોડા (ઉ.વ.૨૧-રહે. ભગવતીપરા પૂલ નીચે મંદિરવાળી શેરી), આકાશ કિશનભાઇ વાણોદીયા (ઉ.વ.૨૫-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા) અને પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઇ સોલંકી (ઉ.વ.૨૪-રહે. જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે)ને પકડી લઇ રૂા. ૪૦ હજાર રોકડા તથા જીજે૦૩સીવી-૦૫૮૬ નંબરની રિક્ષા ૧ લાખની કબ્જે કરી છે.આ ટોળકીએ તાજેતરમાં આચરેલો કુવાડવા પોલીસનો ગુનો ડીટેકટ થયો છે.
આ ઉપરાંત બે મહિનામાં કુલ ૧૭ ગુના આચર્યાનું કબુલ્યું છે. આરોપીઓ રિક્ષામાં ડ્રાઇવર સાથે ટોળકીના અન્ય સભ્યોને બેસાડતા અને પેસેન્જરને વચ્ચે બેસાડ્યા બાદ ઉલ્ટી કરવાનો કે ધક્કામુક્કી કરવાનું નાટક કરી તેમનું ધ્યાન ભટકાવી રૂપિયા અને પાકીટ ચોરી લેતા હતા. આરોપીઓએ રાજકોટ, બેડી ચોકડી, મોરબી, ચોટીલા, સાયલા, વડોદરા, પાવાગઢ, ટંકારા અને વાંકાનેર જેવા વિવિધ વિસ્તારોમાં ૧૭થી વધુ પેસેન્જરોને નિશાન બનાવી રૂપીયા સેવરી લીધાનું કબુલ્યું છે. પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ ગાંધીગ્રામ, માલવીયાનગર, ભક્તિનગર, મોરબી અને થોરાળા જેવા પોલીસ સ્ટેશનોમાં દારૂ, લૂંટ, ચોરી, પોક્સો અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુન્હાઓમાં ચોપડે ચડી ચુક્યા છે. રોહિત વિરૂધ્ધ દારૂ સહિત ચાર, વિપુલ વિરૂધ્ધ પોક્સો સહિત બે, આકાશ વિરૂધ્ધ રાજકોટ-મોરબીમાં ચોરી સહિતના ચાર ગુના અને પ્રકાશ વિરૂધ્ધ રાજકોટ-મોરબીમાં દારૂ સહિત પાંચ ગુના અગાઉ નોંધાઇ ચુક્યા હતાં.
આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અંતર્ગત ડીસીબી પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા, એએસઆઇ સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ્ટેબલ તુલસીભાઇ ચુડાસમા, લાલજીભાઇ હાડગડા, સુભાષભાઇ ઘોધારી, ભાનુભાઇ ધાંધલા, વિજયરાજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ સંજયભાઇ ખાખરીયા અને ધર્મેશભાઇ ખાંડેખાએ કરી હતી.
(12:03 PM IST)










