<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સોની બજારમાં બાળ મજુરી કરાવતાં બે દુકાનદાર, એક ઠેકેદાર સામે ફોજદારી

સરકારી શ્રમ વિભાગ અને પોલીસની એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ દ્વારા દરોડાઃ બે બાળકોને મુક્‍ત કરાવાયા

રાજકોટ તા. ૨૧: શહેરમાં બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશ હેઠળ સરકારી શ્રમ અધિકારી અને પોલીસ વિભાગની સંયુક્‍ત ટુકડી દ્વારા સોની બજાર વિસ્‍તારમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા. આ કામગીરી દરમિયાન સોની બજારની બે અલગ-અલગ દુકાનોમાંથી ૧૩ વર્ષના બે બાળશ્રમિકોને ગેરકાયદેસર મજૂરી કામમાંથી મુક્‍ત કરાવવામાં આવ્‍યા છે અને જવાબદાર માલિકો તથા ઠેકેદાર સામે કાયદેસરની પોલીસ ફરિયાદ  નોંધાવવામાં આવી છે.

સરકારી શ્રમ અધિકારી અને બાળ મજૂર (નિયમન અને પ્રતિબંધ) અધિનિયમ-૧૯૮૬ હેઠળના નિરીક્ષક ડો. ડી. આર. કાનાણીના નેતળત્‍વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)ના પીઆઇ કે. કે. ગોહિલ, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, એએસઆઇ એસ. બી. મકરાણી, અન્‍ય ઓફિસર એસ. એસ. ગુજ્જર, સી. એસ. સાપરા તથા પોલીસ સ્‍ટાફના મહેશભાઈ પ્રસાદ અને જ્‍યોતિબેન બાબરિયા જોડાયા હતા.

આ ટીમે સોની બજાર વિસ્‍તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સોની બજારમાં કોઠારીયા નાકા પાસે સુવર્ણદીપ કોમ્‍લેક્ષમાં દુકાન નં. ૨૧૫માં બાળ મજુર મળતાં અહિ દૂકાન ધરાવતાં દિવ્‍યેશભાઇ મુકુંદરાય ફીચડીયા અને ઠેકેદાર ઝાકીર શેખ તથા બોઘાણી શેરમાં ગોલ્‍ડ હાઉસમાં પણ દુકાન નં. ૩૦૪માંથી બાળ મજુર મળતાં બ્રિજેશભાઈ જગદીશભાઈ રાણપરા સામે ગુના દાખલ કરાવાયા હતાં.  એકાદ માસથી આ બાળકો અહિ મજુરી કામ કરતાં હતાં.

દરોડા દરમિયાન શ્રમ વિભાગ અને પોલીસની ટીમે મુક્‍ત કરાવાયેલા બંને બાળકોની પૂછપરછ કરી તેમની ઉંમરની ખાતરી કરી હતી. બાદમાં બાળકોને બાળ સંરક્ષણ ગળહ રાજકોટ ખાતે સુપરત કરાયા હતાં. આ અંગે એ-ડિવીઝન પોલીસમાં બે અલગ અલગ ફરિયાદ ડો. ડી. આર. કાનાણીએ દાખલ કરાવી હતી.

(2:31 PM IST)