તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
સાયબર ગઠીયાઓએ ગાંધીગ્રામના સિક્યુરીટી ગાર્ડને ડિજીટલ એરેસ્ટ કરી ૧૫ લાખના શેર ખોટમાં વેંચાવી ૯ લાખ ખંખેર્યા!
હું કોલબા પોલીસ સ્ટેશન મુંબઇથી સંદિપ બોલુ છું, તમારા બેંક ખાતાનો મની લોન્ડ્રીંગમાં ઉપયોગ થયો છે, નરેશ ગોહિલ નામના નામીચા ગુનેગાર સાથે તમે સંડોવાયેલા છો કહી ડરાવી પછી કોલબા પી-એસ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરી રાજેશ સર સાથે વાત કરાવી : નાઇટ શિફટ પુરી કરીને પ્રકાશભાઇ ઘરે આવે ત્યાં જ ગઠીયા વિડીયોકોલ કરતાં અને ડરાવતાં: ૧૭ દિવસ હેરાન કરી તેના માતાને મારી નાખવાની, મકાન સિલ કરવાની ધમકી આપી શેર વેંચાવી ૮ લાખ પડાવ્યાઃ પછી જામીન કરાવવાના નામે ફરી ૧ લાખ લઇ લીધાઃ અંતે મિત્રને વાત કરતાં પ્રકાશભાઇને ફ્રોડની ખબર પડી : ૧૭ દિવસ ડિજીટલ એરેસ્ટ રાખી માનસિક રીતે પણ પરેશાન કરી દીધાઃ પીઆઇ સી. વાય. મહાલેએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૭: શહેરમાં સાયબર અપરાધીઓએ હવે સામાન્ય શ્રમિક વર્ગને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને એચડીએફસી બેંકમાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષીય પ્રોૈઢને મુંબઈ પોલીસની ખોટી ઓળખ આપી, ડિજીટલ એરેસ્ટ કરી કુલ તેની પાસેથી ૯,૦૦,૦૦૦ પડાવી લેતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પોલીસે પોલીસે ગાંધીગ્રામ લાખના બંગલા નજીક ન્યુ મહાવીરનગર-૩માં રહેતાં પ્રકાશભાઇ ચંદુભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી વ્હોટ્સએપ નંબરના ધારક તથા કેનેરા અને પંજાબ બેંકમાં એકાઉન્ટ ધરાવતાં બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં પ્રકાશભાઇએ જણાવ્યું છે કે ગત ૧ ફેબ્રુઆરીના રોજ તેમના પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાનું નામ સંદિપ આપ્યું હતું અને પોતે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનથી બોલે છે તેવી ઓળખ આપી હતી. બાદ તેણે કહ્યું હતું ક-તમારા નામે કેનેરા બેંકમાં એક ખાતું છે જેનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે અને તમે નરેશ ગોહિલ નામના નામચીન ગુનેગાર સાથે સંડોવાયેલા છો. આ પછી તેણે તપાસના બહાને આધાર કાર્ડનો ફોટો માંગ્યો હતો, જે તેણે વ્હોટ્સએપ નંબર પર મોકલી દીધો હતો.
ત્યારબાદ પ્રકાશભાઈને ડરાવવા માટે રાજેશ સર નામના વ્યક્તિ સાથે વિડીયો કોલ પર વાત કરાવી હતી અને કોલબા પી/એસ' નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. બાદમાં પ્રકાશભાઇ જ્યારે પોતાની નાઈટ શિફ્ટ પુરી કરીને ઘરે આવે ત્યારે તરત જ તેને વિડીયો કોલ કરીને નજર રાખવામાં આવતી હતી. આરોપીઓએ એવી ધમકી આપી હતી કે જો તેઓ આ વાત કોઈને કરશે તો તેમને અને તેમના માતાને જાનથી મારી નાખવામાં આવશે અને તેમના મકાનને સીલ કરી દેવામાં આવશે.
ત્યારબાદ સાયબર ગઠિયાઓએ પ્રકાશભાઈને ફરીથી ફોન કરીને પુછ્યું હતું કે તમારી પાસે કુલ કેટલી રકમની બચત છે. જેથી પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે તેમની પાસે ૧૫ લાખના શેર છે, ત્યારે ઠગોએ તે તાત્કાલિક વેચી નાખવા દબાણ કર્યું હતું. શેર વેચતા પ્રકાશભાઈને ૬ લાખનું નુકસાન ગયું હતું. શેર વેંચતા ૯ લાખ આવ્યા તેમાંથી ૧ લાખનું તેણે પોતાનું અંગત દેણુ ચુકવ્યું હતું. આ પછી ગઠીયાઓએ ભલે નુકસાન ગયું તમને બાકીના પૈસા ‘મોદી સબસીડી'માંથી મળી જશે તેમ કહી આ રકમ ફ્રોડની છે કે કેમ તે ચેક કરવાના બહાને બે અલગ-અલગ ટ્રાન્જેકશન કરાવ્યા હતાં. જેમાં પ્રથમ ટ્રાન્ઝેક્શનના રૂા. ૮,૦૦,૦૦૦ કેનેરા બેંકના ખાતામાં આરટીજીએસથી જમા થયા હતાં.
બાદમાં ફરીથી ગઠીયાઓએ વ્હોટ્સએપ કોલ કરી તમારા કેસમાં તમારે બેલ (જામીન) મેળવવા હોય તો રૂા. ૫ લાખ ભરવા પડશે તેમ કહી આ રકમ માંગતા પ્રકાશભાઇએ આટલી રકમ પોતાની પાસે નથી તેવું જણાવતાં છેલ્લે ગઠીયાઓએ તો ૧ લાખ ભરવા જ પડશે તેમ જણાવતાં પ્રકાશભાઇને મિત્ર પાસેથી ૧ લાખ લઇ પંજાબ બેંકના ખાતામાં જમા કરાવ્યા હતાં.
કુલ નવ લાખ રૂપિયા આ રીતે આપી દીધા પછી સતત માનસિક દબાણ હેઠળ રહેલા પ્રકાશભાઈએ જ્યારે આ સમગ્ર હકીકત તેમના મિત્ર છોટુભાઈ વ્યાસને જણાવી, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમણે તુરંત ૧૯૩૦ હેલ્પલાઈન પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી. હાલમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મોબાઈલ નંબર ૯૮૩૧૫ ૮૪૩૨૮, ૯૮૩૦૦ ૧૪૮૨૩ અને બેંક ખાતાધારકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કોઈપણ પોલીસ અધિકારી કયારેય વિડીયો કોલ પર તમને ડિજિટલ અરેસ્ટ કરી શકતા નથી કે પૈસાની માંગણી કરતા નથી. આવા શંકાસ્પદ કોલ આવે તો ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. તેમ સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું છે. આ બનાવમાં પીએસઆઇ કે. બી. વરીયાએ ગુનો નોંધતાં પીઆઇ સી. વાય. મહાલેએ વધુ તપાસ શરૂ કરી છે.
(2:33 PM IST)










