News of Friday, 1st May 2026
રામ પાર્કના હરેશભાઇ વોરાનો ફોન હેક કરી સાયબર ગઠીયાઓએ ૯.૯૩ લાખ ઉસેડી લીધા
આરટીઓના ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલી ઠગાઇ કરવાની સતત બીજી ઘટના એક ચલણ મળતાં એમ-પરિવહન પર જઇ રૂા. ૨૦૦૦ દંડ ભર્યોઃ બીજા દિવસે ફરી એપીકે ફાઇલ આવીઃ જે ડાઉનલોડ કરતાં જ ફોન હેક થયો અને ચાર ટ્રાન્જેક્શનથી ગઠીયાઓએ બેંક ખાતુ ખાલી કરી નાંખ્યું: સાયબર ક્રાઇમ પીઆઇ સી. વાય. મહાલેએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧: આરટીઓના ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલી ગોવર્ધન ચોકના વેપારી યુવાનના ખાતામાંથી નવ લાખ ઉસેડી લેવાના બનાવની તપાસ હજુ શરૂ થઇ છે ત્યાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વધુ એક આવો બનાવ નોંધાયો છે. જેમાં કાલાવડ રોડ રામ પાર્કમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં વૃધ્ધને આવી ઇ-ચલણની ફાઇલ મોકલી રૂા. ૯.૯૩ લાખ ગઠીયાઓએ બેંક ખાતામાંથી ઉપાડી લીધા છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે કાલાવડ રોડ આત્મીય કોલેજ સામે ‘આયુષી', ૧-રામપાર્ક ખાતે રહેતાં હરેશભાઇ ચંદ્રકાંતભાઇ વોરા (ઉ.વ.૬૧)ની ફરિયાદ પરથી અજાણ્યા ગઠીયાઓ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં હરેશભાઇ વોરાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને હાલ નિવૃત જીવન જીવુ છું. ગત તા. ૨૪/૧ના રોજ મને ટ્રાફિક ચલણ મળતાં મેં અધિકૃત એવી એમ-પરિવહનની સાઇટ પર જઇ રૂા. ૨૦૦૦નું ચલણ ભરી દીધુ હતું. એ પછી તા. ૨૫/૧ના રોજ વ્હોટ્સએપ પર એક મોબાઇલ નંબર ઉપરથી આરટીઓ ટ્રાફિક ચલણ.એપીકે નામની એક ફાઇલ આવી હતી. આ લિંક ઓફીશીયલ લાગતાં આ ફાઇલ ઓપન કરી ડાઉનલોડ કરી હતી.
એ પછી તેમાં અપાતી સુચના મુજબ મેં પ્રોસેસ કરી હતી. અલગ અલગ પરશીન એલાઉ કરી હતી. એ સાથે જ મારો મોબાઇલ ફોન હેક થઇ ગયો હતો. ત્યારબાદ મારા અને મારા પત્નિના કોટક મહિન્દ્રા બેંકના જોઇન્ટ એકાઉન્ટમાંથી રૂા. ૧,૯૮,૦૦૩ના બે અને ૧,૯૯,૦૦૩ના બે મળી કુલ ચાર ટ્રાન્જેકશન થઇ ગયા હતાં અને રૂા. ૯,૯૩,૦૧૭ મારા ખાતામાંથી ઉપડી ગયા હતાં. આ પછી અમે પોર્ટલ અને સ્થાનિક પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે હવે ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં હરેશભાઇ વોરાએ જણાવતાં પીઆઇ સી. વાય. મહાલેએ વધુ તપાસ હાથ ધરી છે.
મોબાઈલમાં આવતી કોઈપણ અજાણી એપીકે ફાઈલ કે લિંક ખોલવી નહિ. સાયબર એક્સપર્ટના મતે, આવી ફાઈલો ડાઉનલોડ કરવાથી હેકર્સ ઓટીપી અને બેંકિંગ વિગતો ચોરી લઇ બેંક ખાતા ખાલી કરી નાંખે છે. ગઇકાલે જ એક આવી ઘટના બની હતી. ત્યાં બીજો આવો ગુનો દાખલ થતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે.
(3:28 PM IST)










