<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

રણછોડનગરના પ્રીમાબેન સાથે વર્ક ફ્રોમ હોમ-ટાસ્‍કના નામે રૂા. ૫.૧૧ લાખનું સાયબર ફ્રોડ

ઇન્‍સ્‍ટાગ્રામમાં મિન્‍ત્રાના સિમ્‍બોલવાળી જાહેરાત જોઇ ક્‍લિક કરતાં એપ ડાઉનલોડ કરાવી ટાસ્‍ક અપાયા : શરૂઆતમાં ૧૦૦ રૂપિયાના ટાસ્‍ક સામે ૨૮૭નો નફો બતાવતાં વિશ્વાસ બેઠોઃ પછી ૫૪ ટાસ્‍કની રકમ ટ્રાન્‍સફર કરી તેની સામે ૧૩.૫૨ લાખ નફો બતાવ્‍યોઃ પણ વીડ્રો કરવા જતાં ગઠીયાઓએ એકાઉન્‍ટ ફ્રીઝ થયુ઼ છે, વીસ ટકા રકમ ભરવી પડશે કહેતાં છેતરાયાની ખબર પડીઃ સાયબર ક્રાઇમ પીઆઇ એમ. ડી. ગઢવીએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૪: સાયબર ગઠીયાઓએ  વધુ એક ઠગાઇ વખત ઘરે બેઠા ટાસ્‍ક પુરા કરવાના નામે છેતરપીંડી કરી છે. શહેરના સામા કાંઠે રણછોડનગરમાં રહેતાં ચાંદીના વેપારીના પત્‍નિ ઇન્‍સ્‍ટાગ્રામ પર મીન્‍ત્રાના લોગોવાળી વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઇ એપ્‍લીકેશન ડાઉનલોડ કરી ટાસ્‍ક પુરા કરી પ્રોફીટ કમાવવા જતાં રૂા. ૫,૧૧,૮૩૬ની ઠગાઇ થઇ છે. સાયબર ગઠીયાઓએ કટકે કટકે આ રકમ પડાવી લીધી છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે રણછોડનગર સોસાયટી-૮ કુવાડવા રોડ પર રહેતાં પ્રીમાબેન અભિષેકભાઇ રામાણી (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી એરટેલ પેમેન્‍ટ બેંકના ખાતાધાર, કેનેરા બેંકના ખાતા ધારક, આસામ ગ્રામીણ વિકાસ બેંકના ખાતા ધારક, પંજાબ નેશનલ બેંકના ખાતાધારક, ઇન્‍ડિયન ઓવરસીઝ બેંકના ખાતાધારક, એસબીઆઇના ખાતાધારક, ફીનો પેમેન્‍ટ બેંક, સ્‍લાઇસ સ્‍મોલ બેંક, કરૂર વૈય બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્‍ટ્ર, એનએસડીએલ પેમેન્‍ટ બેંક, યુપીઆઇ આઇડીના બે ધારકો મળી કુલ ૧૬ અજાણ્‍યા સામે ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

પ્રીમાબેન ગૃહિણી છે અને તેના પતિ ચાંદીકામ કરે છે. ફરિયાદની વધુ વિગત મુજબ ગત તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ પ્રીમાબેન ઇન્‍સ્‍ટાગ્રામ વાપરી રહ્યા હતા ત્‍યારે તેમને ‘મિન્‍ત્રા' ના હેડિંગ હેઠળ એક જાહેરાત જોવા મળી હતી, જેમાં ઓર્ડરના ટાસ્‍ક પૂરા કરવાના બદલામાં ઘરે બેઠા કમાણી કરવાની લાલચ આપવામાં આવી હતી. આ જાહેરાતમાં આપેલી લિંક પર ક્‍લિક કરતા તેઓ ટેલિગ્રામ ચેનલ પર પહોંચ્‍યા હતા, જ્‍યાં એટધરેઅન્‍યાકર-૩૦  યુઝરનેમવાળા શખ્‍સે તેમનો સંપર્ક કર્યો હતો. ત્‍યારબાદ તેમને એક લિંક મોકલીને મિન્‍ત્રા જેવી જ દેખાતી એક નકલી એપ્‍લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. પ્રીમાબેનને જે તે વખતે આ અસલી મીન્‍ત્રાની એપ જ હોવાનું લાગ્‍યું હતું.

સોૈ પહેલા તેમને એપ્‍લિકેશનમાં આઈ.ડી. બનાવવા અને પ્રથમ ઓર્ડરના ટાસ્‍ક માટે રૂપિયા ૧૦૦  ટ્રાન્‍સફર કરવાનું કહેવાતાં પ્રીમાબેને પોતાના એચડીએફસી ખાતામાંથી આ રકમ ટ્રાન્‍સફર કરી દીધી હતી.આ ટાસ્‍ક પુરો થતાં તેમને એપ્‍લિકેશનમાં નફા સહિત કુલ રૂા.૨૮૭ બતાવવામાં આવ્‍યા હતા અને તે રકમ સરળતાથી વિડ્રો પણ થઈ ગઈ હતી, જેના કારણે પ્રીમાબેનને આ એપ પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્‍યારબાદ ે તેમને ૪ ઓડર ઓર્ડરનો ટાસ્‍ક મળતાં રૂા. ૨૪૦૦ ભર્યા હતાં. તેની સામે રૂા. ૪૦૬૭નો નફો બતાવાયો હતો. જેમાંથી કમિશન બાદ કરતાં ૩૮૬૩ રૂપિયા વીડ્રો કરી શકાયા હતા. બાદમાં પ્રીમાબેનને વધુ મોટા ટાસ્‍ક આપવાનું શરૂ કર્યું હતું. પ્રોફિટની લાલચ આપીને અલગ-અલગ તારીખો ૨૦/૦૮/૨૦૨૬થી તા. ૨૨/૦૮/૨૦૨૬ દરમિયાન એરટેલ પેમેન્‍ટ્‍સ બેંક, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા સહિતની વિવિધ૧૪ બેંકોના ખાતાઓમાં કટકે-કટકે કુલ ૧,૧૧,૮૩૬ જેવી માતબર રકમ ટ્રાન્‍સફર કરાવી લેવામાં આવી હતી.

ત્‍યારબાદ તેમને અલગ અલગ ૫૪ ઓર્ડરના ટાસ્‍ક પુરા કરવાનું કહેવાયું હતું અને તેમની પાસેથી આ ટાસ્‍કના બદલામાં બે યુપીઆઇ આઇડી અને બેંકોના ખાતામાં કુલ રૂા. ૫,૧૧,૮૩૬ મેળવી લેવાયા હતા. આ સામે તેમની એપ્‍લીકેશનમાં ૧૩,૫૨,૮૦૭નો નફો બતાવતો હતો. આથી  પ્રીમાબેને પોતાના ખાતામાંથી ૧,૩૫,૫૮૦ની પ્રોફિટ સહિતની રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્‍યારે એપ્‍લિકેશન દ્વારા મેસેજ આવ્‍યો કે તેમનું બેંક ખાતું ફ્રીઝ થઈ ગયું છે. તે ખોલવા માટે વિડ્રો રકમના ૨૦  ટકા જેટલી વધારાની રકમ ભરવી પડશે તેવી શરત મૂકવામાં આવી હતી. આથી શંકા જતાં મહિલાએ સાયબર હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦માં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ એમ. ડી. ગઢવીએ એફઆઇઆર દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે રકમો ં મેળવનાર બેંક ખાતાધારકો અને સાયબર ગઠિયાઓનું નેટવર્ક પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:30 PM IST)