<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

રવિન્‍દ્ર જાડેજાને મળવા ઓરીસ્‍સાથી જામનગર સુધી સાયકલયાત્રા

સુનિલ રાઉત ૮ સપ્‍ટેમ્‍બરે ઓરીસ્‍સાથી નિકળેલ : દરરોજ ૧૨૦ કિ.મી. સાયકલ ચલાવી : કાલે જામનગરમાં ચહીતા ક્રિકેટરને મળશે

રાજકોટ તા. ૧૨ : ‘મન હોય તો માળવે જવાય' ઉક્‍તિને ઓરીસ્‍સાના સુનિલ રાઉતે ચરીતાર્થ કરી બતાવી છે. ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાને મળવા તેમણે સફળ સાયકલ યાત્રા ખેડી બતાવી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સુનિલ રાઉતે જણાવ્‍યુ હતુ કે હું ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાનો ફેન છુ. તેમને મળવાની મને ખુબ ઇચ્‍છા હતી. આ ઇચ્‍છા પુરી કરવા મેં સાયકલ યાત્રાના માધ્‍યમથી જામનગર પહોંચવા નિરધાર કર્યો હતો. ગત ૮ સપ્‍ટેમ્‍બરે સાયકલ યાત્રા શરૂ કરી હતી. જે ૩૨૦૦ કિ.મી. કાપીને જામનગર ખાતે પૂર્ણ કરેલ છે.

ઉલ્લેખનીય છે કે ૨૨ વર્ષિય સુનિલ રાઉત વ્‍યવસાયે ઇઓટી ક્રેઇન ઓપરેટર છે. સિંગુલ જિલ્લાના કુલેઇ ગામે રહે છે. નાનપણથી જ ક્રિકેટ પ્રત્‍યે ખુબ લગાવ છે.

તે જણાવે છે કે ઓરીસ્‍સાથી નિકળ્‍યા બાદ દરરોજનું હું સરેરાશ ૧૨૦ કિ.મી.નું અંતર કાપતો હતો. રસ્‍તામાં ઘણી મુશ્‍કેલીઓ આવી હતી. જેમ કે છત્તીસગઢના જંગલોમાં રસ્‍તો પસાર કરવો ખુબ જોખમી હતો. પરંતુ હું હેમખેમ પાર કરી ગયો. કયાંક સાયકલમાં ટાયર ફાટી જતુ તો ચાલીને પણ અમુક અંતર પુરુ કરવું પડતુ હતુ. રહેવા માટે મોટેભાગે પેટ્રોલ પંપ કે હોટલોનો આશરો લેવો પડતો.

મુંબઇ પહોંચ્‍યો ત્‍યારે ક્રિકેટર રોહીત શર્મા સાથે પણ મુલાકાત થઇ હતી. તેમની સાથે અક્ષર પટેલ અને જશપ્રિત બુમરાહને પણ મળવાનો મોકો મળ્‍યો હતો. હવે રવિન્‍દ્ર જાડેજાને મળવાનું છે. આ માટે રાજકોટના આર.કે.સી.ના સ્‍પોર્ટસમેન ઘનશ્‍યામસિંહ વાઢેર (મો.૬૩૫૧૭ ૭૭૨૭૨) મારી મદદે આવ્‍યા છે. સંભવતઃ આવતીકાલે આ મુલાકાત જામનગરમાં પૂર્ણ થતા હું વતન પરત ફરી જઇશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે આવી પહોંચેલ ઓરીસ્‍સાના સાયકલ યાત્રી સુનિલ રાઉત (મો.૭૮૯૪૫ ૭૬૫૪૪) અને તેમની સાથે રાજકોટના સ્‍પોર્ટસમેન ઘનશ્‍યામસિંહ વાઢેર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:10 PM IST)