તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ત્રંબામાં જનરક્ષક ૧૧૨ની ટીમ સાથે ડખ્ખોઃ હું રામ બાપુ, ભીમ આર્મીનો સભ્ય છું કહી ગાળાગાળી
કોલ મળતાં ગયેલી ૧૧૨ના સ્ટાફને ફોન કરનાર મહિલાએ જેની સાથે માથાકુટ થઇ હતી તે ભાગી ગયેલ છે કહેતાં ટીમ પરત ફરતી હતી ત્યારે અચાનક ધસી આવેલા પ્રોૈઢે દેકારો મચાવ્યો પોલીસની ગાડી પર હાથ પછાડયાઃ એટ્રોસીટીમાં ફસાવી દેવાની પણ ધમકી દીધીઃ આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૯: શહેર નજીક આવેલા ત્રંબા (કસ્તુરબા ધામ) ગામે ઝઘડાના કોલ પર પહોંચેલી પોલીસ ટીમ પર રોફ જમાવી, ગાળો આપી અને ફરજમાં રૂકાવટ કરવાનો બનાવ સામે બન્યો છે. આ બનાવમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં જનરક્ષક-૧૧૨ના ઇન્ચાર્જ હેડકોન્સ. અજયભાઇ જેસીંગભાઇ હુંબલની ફરિયાદ પરથી કસ્તુરબાધામ ત્રંબામાં રહેતાં રામજીભાઇ ભીખાભાઇ મકવાણા (ઉ.વ.૫૭) વિરૂધ્ધ ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરી ઉગ્ર બોલચાલી કરી શાંતી ડહોળવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદની વિગતો અનુસાર મંગળવારે તા. ૮ના રાત્રિના આશરે આઠ વાગ્યા આસપાસ જનરક્ષક-૧૧૨ના પોઈન્ટ ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજયભાઈ હુંબલ, લોકરક્ષક કળષ્ણવીરસિંહ ગોહીલ અને ડ્રાઈવર સુનીલભાઈ સોલંકી ફરજ પર હતા. તે દરમિયાન કંટ્રોલ રૂમ મારફતે ત્રંબા ગામે ચબુતરા પાસે ઝઘડો થયાનો કોલ મળતા ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં તપાસ કરતા કોલ કરનાર દિવ્યાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે તેમના પિતા સાથે એક શખ્સે ઝઘડો કર્યો હતો પરંતુ હવે તે જતો રહ્યો છે અને તેમને કોઈ કાનુની કાર્યવાહી કરવી નથી.
પોલીસ ટીમ પરત ફરવા માટે ગાડીમાં બેસી રહી હતી અને લોકરક્ષક કળષ્ણવીરસિંહ બહાર ઉભેલા ટોળાને વિખેરાઈ જવા સમજાવી રહ્યા હતા. એ સમયે એક શખ્સે પાછળથી આવીને જનરક્ષક-૧૧૨ના સરકારી વાહન પર જોરથી હાથ મારી ઠપકાર્યો હતો. ગાડી ઉભી રાખીને પોલીસ સ્ટાફ નીચે ઉતરતા આ શખ્સે લોકરક્ષક કળષ્ણવીરસિંહ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને ગાળો આપવા લાગ્યો હતો. સ્ટાફે ગાળો બોલવાની ના પાડતા તેણે ઉશ્કેરાઈને પોલીસ સ્ટાફને પણ ગાળો આપી રોફ બતાવ્યો હતો કે-હું રામ બાપુ છું, ભીમ આર્મીનો સભ્ય છું, તમારું પોલીસ ખાતુ મારું કંઇ ન કરી શકે તેમ કહ્યું હતું.
પોલીસે તેની ઓળખ પુછતા તેણે પોતાનું નામ રામજીભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૫૭, રહે. ત્રંબા ગામ, તા.જી. રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસ સ્ટાફે તેને શાંત રહેવા સમજાવ્યા હતાં. પરંતુ ં તે વધુ ઉગ્ર બનીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા માંડયા હતાં. પરિસ્થિતિ વણસતી જોઈને અજયભાઈએ ૧૧૨ કંટ્રોલ રૂમમાં ફોન કરી વધુ પોલીસ મદદ માંગી હતી. આ પછી પોલીસ સ્ટાફે માથાકુટ કરી રેહલા રામજીભાઇ મકવાણાને પકડીને ૧૧૨ની ગાડીમાં બેસાડી આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લાવી રહ્યા હતા ત્યારે પણ તેણે પોલીસ કર્મચારીઓને ધમકી આપતા કહ્યું હતું કે-હું તમારા વિરૂધ્ધ ખોટી ફરિયાદ કરીશ કે તમે ડો. બાબાસાહેબ આંબેડકરને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરેલ છે અને તમને એટ્રોસિટીના ખોટા ગુનામાં ફિટ કરી દઈશ.
આ રીતે રામજીભાઇએ જાહેરમાં ગાળો બોલી, ઉગ્ર વાતાવરણ ઊભું કરી, શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી પોલીસ કર્મચારીઓનું અપમાન કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ અશોકભાઇ કલાલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી.
(2:41 PM IST)










