<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી વિખ્યાત સરાઝા હોટેલમાં હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ : જુઓ વિડીયો

ડીસીપી રાકેશ દેસાઈની એલસીબી ઝોન 2 ટીમનો દરોડો: ૭૬ મહિલા, પુરૂષ પકડાયા: ઉદ્યોગપતિના પુત્રના જન્મદિનની પાર્ટીમાં બાર ખુલ્લો મુકાયો હતો: એસીપી બી.જે. ચૌધરીએ વિગતો જણાવી

રાજકોટ: કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં ઉદ્યોગપતિ ના બર્થ ડે નિમિત્તે ચાલી રહેલી હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર રાજકોટ શહેર એલસીબી દરોડો પાડી ૭૬ જેટલા સ્ત્રી-પુરુષને પકડી લેતા ચકચાર મચી ગઈ છે ઉદ્યોગપતિ ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલનો દિવાળી ઉપર બર્થ ડે આવી રહ્યો હોય તેણે એડવાન્સમાં આ પાર્ટીનું આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે.

હોટેલ સરાઝામાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે ઝોન-૨ એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. ૪૦ વર્ષના ચિરાગભાઈ એ પટેલ નામના યુવાનના જન્મદિવસની પાર્ટી નિમિત્તે યોજાયેલા આ આયોજનમાં અંદાજે ૧૫૦થી વધુ લોકો એકઠા થયા હતા. પોલીસ જ્યારે રાત્રિના ૧:૩૦ કલાક આસપાસ હોટેલના બીજા માળે આવેલા બેન્ક્વેટ હોલમાં પહોંચી, ત્યારે મોટાભાગના ટેબલ પર અતિ મોંઘા ભાવની બ્રાન્ડેડ સ્કૉચ વ્હીસ્કી, દારૂ અને બીયરના ગ્લાસ ભરીને સરેઆમ મદીરાપાન કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. 

​આ સમગ્ર આયોજન એડવાન્સ બર્થડે પાર્ટી નિમિતે કરાયું હતું. પરિવારના સભ્યો, તેમના સગા-સંબંધીઓ અને મિત્રો માટે રાખવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે દરેક યુગલને ખાસ સૂચના આપવામાં આવી હતી કે બાળકોને સાથે લાવવાના નથી. આ પાર્ટીમાં ભીડ અને રંગત વધારવા માટે નાચગાનની સાથે મોંઘીકાટ ગાડીઓ પણ હોટેલ પરિસરમાં જોવા મળી હતી તેવી પણ ચર્ચા છે.

​ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓ ઉપર દબાણ લાવવાની પણ કોશિશ કરવામાં આવી હતી, જો કે ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-૨ ના પીએસઆઈ એસ.વી. ચુડાસમા, હરપાલસિંહ જાડેજા, જવા.વી.ગોહિલ, રાજેશભાઈ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ સહિતની ટીમે તમામ દબાણને બાજુ પર રાખીને કડક કાર્યવાહી ચાલુ રાખી હતી. 

પાર્ટીમાંથી ૭૬ મહિલા પુરૂષ મળ્યા તે  લોકો નશાની હાલતમાં છે કે નહીં તેની ખાતરી કરવા માટે પોલીસે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કર્યો હતો. યુવતીઓને દારૂ પીધો કે કેમ તે જાણવા મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. રાતભર ચાલેલી કામગીરી સવાર સુધી યથાવત હતી. કાયદેસર ગુનો દાખલ કરવાની તજવીજ થઈ રહી છે.

સવારે 7:00 વાગ્યા આસપાસ તમામના બ્લડ સેમ્પલ લેવાઈ જતા માલવીયા પોલીસ ચોકી તરફ લઈ જવાય એનું જાણવા મળે છે. 

એસીપી બી.જે. ચૌધરીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે ​રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી વિખ્યાત સરાઝા હોટેલમાં ઉદ્યોગપતિ ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલના એડવાન્સ જન્મદિન નિમિત્તે યોજાયેલી એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-૨ની ટીમ દ્વારા સફળ દરોડો પાડવામાં આવ્યો છે. દિવાળીના સમયમાં જન્મદિન આવતો હોવાથી ચિરાગભાઈ પટેલ દ્વારા અગાઉથી જ આ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
​
આ મામલે એસીપી બી.જે. ચૌધરીએ વિગતો આપતાં વધુમાં જણાવ્યું હતું કે આ પાર્ટીમાં હાજરી આપવા માટે કુલ ૭૬ જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોલીસની ટીમે સ્થળ પરથી ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ સહિત કુલ ૭૬ લોકોને ઝડપી પાડ્યા છે.

​રાત્રિના સમયે હોટેલના બીજા માળે આવેલા બેન્ક્વેટ હોલમાં આ પાર્ટી ચાલી રહી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી દારૂ ભરેલા ગ્લાસ અને પેક બોટલો મળી આવી હતી. પકડાયેલા તમામ શખ્સોએ નશો કર્યો છે કે નહીં તેની ખાતરી કરવા માટે પોલીસે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કર્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ  હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં હોટેલના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(8:51 AM IST)