News of Tuesday, 22nd September 2026
રાજકોટમાં પાણી માટે દુઃખના દિવસોઃ ૨૭ વર્ષે જળ અછતનો પ્લાન ઘડાયો
આજી-ન્યારીમાં પાણીની આવક નહીંવત બનતા મનપા માટે મોટો પ્રશ્ન ઉભો થયો : ૪ હજાર એમસીએફટી નર્મદાનીરની માંગ સામે અત્યાર સુધી માત્ર ૨૧૯ એમસીએફટી પાણી મળ્યુ પુરતુ પાણી ન મળે તો વિતરણ જાળવવાનો પડકાર

રાજકોટ,તા.૨૨: શહેરમાં અપૂરતા વરસાદ અને જળાશયોમાં પાણીની ઓછી આવકને પગલે મહાનગરપાલિકાએ પાણીની અછત સામેનો કન્ટિજન્સી પ્લાન તૈયાર કર્યો છે. વર્ષ ૧૯૯૯ના દુષ્કાળ બાદ ૨૭ વર્ષે ફરી આવી સ્થિતિ માટે આયોજન કરવાની જરૂર પડી હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના મારફતે મળતા નર્મદાનીર પર આધારિત રહેશે.
જનરલ બોર્ડમાં ભાજપના એક કોર્પોરેટરે અપૂરતા વરસાદને કારણે પાણી પ્રશ્ન વિકટ બને તો તંત્રનું શું આયોજન છે, તે અંગે પ્રશ્ન પૂછયો હતો. તેના લેખિત જવાબમાં મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં દરરોજ ૨૦ મિનિટ પાણી આપવામાં આવે છે. આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ ડેમ તેમજ નર્મદા પાઇપલાઇનમાંથી પાણી મેળવીને કુલ ૪૪૫ એમએલડીનું દૈનિક વિતરણ થાય છે.
તંત્રના જણાવ્યા મુજબ ભાદર-૧માં ૧,૩૪૫ એમસીએફટી, આજી-૧માં ૩૪૯ એમસીએફટી અને ન્યારી-૧માં ૪૯૦ એમસીએફટી પાણીનો જથ્થો છે. હાલના વિતરણના ધોરણે આ જથ્થો આગામી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલે તેમ છે. ચાલુ ચોમાસામાં આજી-૧ અને ન્યારી-૧માં વરસાદી પાણીની આવક થઈ નથી, જ્યારે ભાદર-૧માં પણ નહીંવત આવક થઈ છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ સૌની યોજના હેઠળ આજી-૧ માટે તબક્કાવાર ૨,૧૦૦ એમસીએફટી અને ન્યારી-૧ માટે ૧,૯૦૦ એમસીએફટી મળી કુલ ૪,૦૦૦ એમસીએફટી પાણીની માંગ કરી છે. તેના અનુસંધાને ૩૧ ઓગસ્ટથી ન્યારી-૧માં પાણી આપવાનું શરૂ થયું છે અને અત્યાર સુધી ૧૭૪ એમસીએફટી પાણી મળ્યું છે. આજી-૧માં ૧૪ સપ્ટેમ્બરથી પાણી આપવાનું શરૂ થયું છે અને અત્યાર સુધી ૪૫ એમસીએફટી પાણી મળ્યું છે.
મહાનગરપાલિકાએ જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે માંગ મુજબ નર્મદાનીર મળશે તો શહેરનું પાણી વિતરણ સુચારુ રાખી શકાશે. પૂરતો જથ્થો ન મળે તો ઉપલબ્ધ પાણી અનુસાર નિર્ણય લેવો પડશે અને તૈયાર કરાયેલા વોટર કન્ટિજન્સી પ્લાન મુજબ પગલાં લેવાશે. (૩
(2:49 PM IST)










