તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર તંત્ર સજ્જ : કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે તાકીદની બેઠક યોજી અધિકારીઓને એલર્ટ રહેવા આપ્યા આદેશ
જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ : અધિકારીઓ - કર્મચારીઓની રજા રદ : ૧૭૦ નીચાણવાળા ગામો પર નજર : SDRF તૈનાત

રાજકોટ : ડીપ ડિપ્રેશનના કારણે સમગ્ર ગુજરાત સહિત રાજકોટ જિલ્લામાં ૩૧ જુલાઈથી ૧ ઓગસ્ટની સાંજ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકારના ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના અભિગમને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ પ્લાનની ગહન સમીક્ષા કરી હતી અને જરૂરી તમામ માર્ગદર્શિકા જારી કરી હતી.
બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટના દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને નોડલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ લાયઝન અધિકારીઓ શુક્રવારે સવારે પોતપોતાના તાલુકા મથકે પહોંચી મામલતદાર, ટીડીઓ, પોલીસ તંત્ર અને સ્થાનિક વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી તૈયારીઓ સુનિશ્ચિત કરશે. સંભવિત કટોકટીને ધ્યાને રાખી જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી હેડક્વાર્ટર પર હાજર રહેવા આદેશ કરાયા છે.
વરસાદી આપત્તિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા મહત્વના પગલાં:
આશ્રયસ્થાનો અને ઇવેક્યુએશન: જિલ્લાના આશરે ૧૭૦ જેટલા નીચાણવાળા ગામોની ઓળખ કરવામાં આવી છે. જરૂર પડીએ નાગરિકોને ખસેડવા માટે શાળાઓ અને સમાજવાડીઓને આશ્રયસ્થાન તરીકે સજ્જ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં SDRFની ટીમ પણ તહેનાત કરી દેવાઈ છે.
આરોગ્ય અને સુવિધા: સગર્ભા મહિલાઓ અને ગંભીર દર્દીઓને અગાઉથી હોસ્પિટલમાં ખસેડવા આદેશ અપાયા છે. દરેક ગામમાં પ્રાથમિક હેલ્થ કિટ્સ (ORs, જરૂરી દવાઓ) ઉપલબ્ધ કરાવાઈ છે.
રસ્તા અને ટ્રાફિક સુરક્ષા: ઓવરટોપિંગ થતું હોય કે પાણી વહેતા હોય તેવા કોઝવે કે રસ્તાઓ પર વાહનવ્યવહાર ત્વરિત બંધ કરી ત્યાં પોલીસ, હોમગાર્ડ અને GRDના જવાનો ખડેપગે રખાશે. જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા અને નમી ગયેલા વૃક્ષોનું ટ્રીમિંગ કરવા સૂચના અપાઈ છે.
ખેતી અને એપીએમસી: માર્કેટ યાર્ડ ખાતે રહેલો અનાજ અને પાકનો જથ્થો પલળે નહીં તે માટે એ.પી.એમ.સી.ને યોગ્ય કવર કરવા અથવા સુરક્ષિત સ્થળે ખસેડવા જણાવાયું છે. પશુઓને બાંધી ન રાખવા અપીલ કરાઈ છે.
સ્થાનિક બંદોબસ્ત: તલાટીઓ અને સરપંચોને ગામ ન છોડવા આદેશ કરાયો છે. સ્થાનિક સ્તરે તરવૈયાઓ, સ્વયંસેવકો અને જેસીબી/ટ્રેક્ટર જેવા હેવી વાહનોની યાદી તૈયાર રખાઈ છે.
રાજકોટ જિલ્લામાં શાળા-આંગણવાડીઓમાં રજા આપવા અંગે ૩૧મી જુલાઈએ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે. નાગરિકોને આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ અને ટેલિફોન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ અગત્યની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, પ્રોબેશનરી આઈએએસ ટીના કલ્યાણ, નિવાસી અધિક કલેક્ટર જે. એચ. બારોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
(7:44 PM IST)










