તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
દોઢ મહિના પહેલા લગ્ન કરનારી દિપાલીને પતિ મિલન મુકીને જતો રહેતાં ફિનાઇલ પીધું
જેતપુરના ખારચીયા ગામે માવતર ધરાવતી યુવતિ છુટાછેડા બાદ રાજકોટ રહી પેટ્રોલ પંપમાં નોકરી કરે છે હંસરાજનગમાં સાસુ, નણંદ, પતિ માથાકુટ કરતાં હોઇ પતિ-પત્નિ કેનાલ રોડ પર ભાડે રહેવા ગયાઃ અહિ એકલી મુકીને જતો રહેલો પતિ ફોન પણ ઉપાડતો ન હોઇ પગલુ ભરી લીધું: ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૮: શહેરના કેનાલ રોડ પર લલુડી વોકળી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય પરિણીતાએ લગ્નના ટૂંકા ગાળામાં જ સાસરિયાંઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લેતા ચકચાર મચી જવા પામી છે. ભક્તિનગર પોલીસે આ મામલે પતિ, સાસુ અને નણંદ વિરૂધ્ધ ત્રાસ આપવાનો ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં પોલીસે લલુડી વોંકળી વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતી દિપાલીબેન મિલન દાવડા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી હંસરાજનગરમાં રહેતાં તેણીના પતિ મિલન રાજેન્દ્રભાઇ દાવડા, સાસુ ચંદ્રીકાબેન અને નણંદ બીનાબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. દિપાલીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હાલ હું ભાડાના મકાનમાં પતિ સાથે રહુ છું. મારા પતિ છોકરાઓને વિદેશમાં બીઝનેસ માટે મોકલવાનું કામ કરે છે. મારા માવતર જેતપુરના ખારચીયા ગામે રહે છે. પિતાનું નામ ભીખુભાઇ નારણભાઇ ચાવડા અને માતાનું નામ મીનાબેન છે. મારે હાલમાં માતા-પિતા સાથે વ્યવહાર નથી. મારે પ્રથમ લગ્ન થયા હતાં ત્યાં છુટાછેડા થઇ ગયા છે. હું સાડા ત્રણેક વર્ષથી રાજકોટમાં રહુ છું અને કોઠારીયા રોડ પર પેટ્રોલ પંપમાં નોકરી કરુ છું. છએક મહિના પહેલા મારી બહેનપણી ચાંદની મારફત હું મિલન દાવડાના પરિચયમાં આવી હતી. ત્યારે ચાંદનીએ કહેલું કેઅ ા મારા માસીનો દિકરો છે અને તે સારો છોકરો છે તારે તેની સાથે લગ્ન કરવા છે?
જેથી મેં હા પાડી હતી. બાદમાં મિલનના માતા ચંદ્રીકાબેને અને તેણે બનાવેલી દિકરી બીનાબેન મારા ઘરે આવ્યા હતાં અને મને તેના ઘરે હંસરાજનગર-૩માં તેડી ગયા હતાં. ત્યાં મિલન પણ હોઇ અમે એકબીજાને પસંદ કર્યા હતાંઉ બાદ તા. ૨૩/૩/૨૬ના રોજ નાગપુર (કાલાવડ) ખાતે અમે પ્રેમલગ્ન કર્યા હતાં. એ વખતે મિલનના મમ્મી, તેના મિત્રો સહિતના હાજર હતાં. લગ્ન બાદ મિલન મને તેના ઘરે લઇ ગયો હતો. પરંતુ થોડા દિવસ બાદ સાસુ ચંદ્રીકાબેન અને નણંદ કોમલબેને માથાકુટ ચાલુ કરી હતી. તને રાંધતા આવડતું નથી, તું કામ સરખુ કરતી નથી તેમ કહી મેણાટોણા મારવાનું ચાલુ કર્યુ હતું. એક દિવસ તો નણંદ અને પતિ મિલને મારી સાથે ઝપાજપી કરી લીધી હતી. બાદમાં પતિએ જુદા રહેવાની વાત કરી હતી અને અમે બંને લલુડી વોંકળી પાસે ભાડે રહેવા આવી ગયા હતાં.
બાદમાં અહિ બે-ત્રણ દિવસ પતિ મિલન મારી સાથે સરખી રીતે રહ્યો હતો. એ પછી તે મને મુકીને જતો રહ્યો હતો. હું તેને ફોન કરતી તો ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. પછી મેં મારી બહેનપણી દીશાને મારા ઘરે રહેવા બોલાવી હતી. મારો પતિ ફોન ઉપાડતો ન હોઇ અને ઘરે આવતો ન હોઇ જેથી મને માઠુ લાગી જતાં મેં ફિનાઇલ પી લેતાં બહેનપણીએ મને હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં મેં પોલીસ સમક્ષ નિવેદન લખાવ્યું હતું. સારવાર બાદ હવે પતિ, સાસુ, નણંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં દિપાલીબેને જણાવતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ એચ. કે. ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:50 PM IST)










