તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
દિવ્યાંગોને ૩૫ કિલો રાશન આપવાની માંગણી સાથે દીપકુમારસિંઘની સોમનાથથી દિલ્હી સુધી સાયકલ યાત્રા
આજે રાજકોટમાં મુકામ : રૂપાલાજીને મળ્યા અને દર્શિતાબેન શાહને પણ મળી રજુઆત કરશે

રાજકોટ તા. ૨૬ : દિવ્યાંગોને મળતુ પ કિલો રાશન ખુબ ઓછુ પડતુ હોય આ મર્યાદા વધારી ૩૫ કિલોની કરી આપવાની માંગણી સાથે બિહારના દિવ્યાંગ સમાજ સેવક દીપકુમારસિંઘ સોમનાથથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાએ નિકળ્યા છે.
આજે રાજકોટ આવેલા દીપકુમારસિંઘે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે દિવ્યાંગો અનેક સમસ્યાઓનો સામનો કરીને જીવન વિતાવતા હોય છે. ત્યારે તેઓ સ્વમાનભેર ગુજરો કરી શકે તે માટે તેમને મળતુ પ કિલો રાશન ખુબ ઓછુ પડતુ હોય આ રાશન ૩૫ કિલોની મર્યાદામાં કરી આપવુ જરૂરી છે. આ માંગણી વડાપ્રધાન સુધી પહોંચાડવા મેં સોમનાથથી લઇને દિલ્હી સુધીની સાયકલયાત્રા શરૂ કરી છે.
મુળ બિહારના આરા જિલ્લાના બેહરા ગામના ૩૫ વર્ષિય દીપકુમારસિંઘ દિવ્યાંગો માટે સમાજ સેવાના કામો કરે છે. તેમના ધ્યાને આવ્યુ કે દિવ્યાંગોને આપાતુ રાશન ખુબ ઓછુ છે. એટલે તેમણે આ મુદ્દા પર સાયકલ યાત્રા દ્વારા વડાપ્રધાનને રજુઆત કરવાનું વિચાર્યુ અને ગત તા. ૮ સપ્ટેમ્બરના સોમનાથથી આ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે.
તેઓએ જણાવેલ કે દરરોજ એવરેજ ૫૦ કિ.મી. સાયકલ ચલાવુ છુ. માર્ગોમાં આવતા મોટા શહેરોમાં ધારાસભ્યો અને સાંસદોને મળી આવેદનપત્ર આપતો રહુ છુ. જેમાં સોમનાથ ખાતે બીમલભાઇ ચુડાસમા અને રાજેશભાઇ ચુડામાને પણ મળેલ. રાજકોટના રોકાણ દરમિયાન સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલાને પણ મળી લીધુ છે અને હવે ધારાસભ્ય દર્શીતાબેન સાથે મુલાકાત કરી મારો પ્રવાસ અહીંથી આગળ વધારીશ.
ગુજરાત પછી એમ.પી., રાજસ્થાન થઇને દિલ્હીમાં વડાપ્રધાનશ્રી સાથે મુલાકાત કરી દિવ્યાંગોના પ્રશ્ને રજુઆત કરવાનો મારો શેડયુલ છે. બે મહીનામાં કુલ ૩૨૦૦ કિ.મી.નો મારો સાયકલ પ્રવાસ પૂર્ણ થવાની ગણત્રી પર ચાલુ છુ.
તેઓએ જણાવેલ કે અન્ય રાજયો કરતા ગુજરાતમાં દિવ્યાંગોની સ્થિતી ખુબ નબળી છે. તેમને જે લાભો મળવા જોઇએ તે મળતા નથી. પરંતુ હું આ માટે અવાજ ઉઠાવીશ અને તેમને ન્યાય અપાવવા પુરો પ્રયાસ કરીશ.
આ યાત્રા માટે તેમને પોતાના જ ગામના સુરભાગસિંઘનો ખુબ સહયોગ મળે છે. ગુજરાતમાંથી પણ રાજય સભાના સાંસદ માનસિંહ પરમારનો ખુબ સારો સહકાર મળ્યો હોવાનો સંતોષ દિવ્યાંગ સાયકલ યાત્રી દીપકકુમારસિંઘ (મો.૯૪૩૧૮ ૪૯૫૪૯)એ વ્યકત કર્યો હતો.
તસ્વીરમાં સાયકલ યાત્રી દીપકકુમાર સિંઘ અને બાજુમાં રાજકોટના દિવ્યાંગ કિશોરભાઇ મકવાણા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:16 PM IST)










