<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

હારેલી કોંગ્રેસ દેશના યુવાનોને ભડકાવી અરાજકતા ફેલાવી રહી છેઃ જગદીશ વિશ્વકર્મા

કોંગ્રેસ લોકતંત્ર, ચૂંટણીપંચ અને ન્‍યાયતંત્ર સામે સવાલો ઊભા કરી જનતાને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા.૨૮: લોકસભાની ચૂંટણીથી માંડીને વિવિધ રાજ્‍યોની વિધાનસભાની ચૂંટણીઓમાં પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસ હવે દેશના યુવાનોને ભડકાવી અરાજકતા ફેલાવવાનું કામ કરી રહી હોવાનો આકરો આક્ષેપ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યો હતો. રાજકોટમાં આજે ભાજપ દ્વારા યોજાયેલી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે ભાજપના આગેવાનોએ આકરા રાજકીય પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગે તો રાહુલ ગાંધીની અંદર તેમની દાદી ઇન્‍દિરા ગાંધીની કટોકટીવાળી માનસિકતા જીવંત હોવાનો કટાક્ષ કરી રાજકીય માહોલ ગરમાવ્‍યો હતો.

આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતાં જણાવ્‍યું હતું કે, દેશની જનતા હવે કોંગ્રેસની સાથે રહી નથી. વિવિધ ચૂંટણીઓમાં સતત પરાજયનો સામનો કરતી કોંગ્રેસ પાસે જનસમર્થન રહ્યું નથી. પરિણામે કોંગ્રેસ દેશના લોકતંત્ર, ચૂંટણીપંચ અને ન્‍યાયતંત્ર સામે સવાલો ઊભા કરીને લોકોમાં અવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. દેશના યુવાનોને વારંવાર ભડકાવી રાજકીય લાભ મેળવવાની કોંગ્રેસની નીતિ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આત્‍મનિર્ભર ભારત અને વિકસિત ભારતના નિર્માણ માટે દેશને આગળ લઈ જઈ રહ્યા છે. દેશના યુવાનો, ખેડૂતો, માતાઓ અને બહેનોને સન્‍માન આપવાની સાથે અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેની સામે કોંગ્રેસ વિદેશી રાજનીતિનો સહારો લઈને દેશને ભડકાવવાનું અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહી હોવાનો તેમણે આરોપ લગાવ્‍યો હતો.

(2:51 PM IST)