તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
આજી-૧ અને ન્યારી-૧ માટે ૪ હજાર એમસીએફટી પાણીની માંગ
રાજકોટના જળાશયોમાં પાણીની ઘટતી સપાટીથી તંત્રવાહકો ચિંતીત : ઓગસ્ટ મહિનામાં મેયર ડો. નેહલ શુકલએ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રીને પત્ર પાઠવી આજી-૧માં ૨૧૦૦ અને ન્યારી-૧માં ૧૯૦૦ એમસીએફટી પાણી ‘સૌની યોજના' મારફત તાત્કાલિક ઠાલવવા કરી રજૂઆત

રાજકોટ,તા.૧૧: શહેરમાં આગામી ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાએ આગોતરું આયોજન હાથ ધર્યું છે. શહેરને પાણી પૂરું પાડતા મહત્વના આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ચાલુ ચોમાસા દરમિયાન અપેક્ષા મુજબ પાણીની આવક નહીં થતાં મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ નર્મદાના નીરની માંગ કરી છે. આ માટે ઓગસ્ટ મહિનામાં મેયર ડો. નેહલ શુક્લાએ રાજ્ય સરકારને પત્ર પાઠવી બંને જળાશયોમાં કુલ ૪ હજાર MCFT પાણી ‘સૌની યોજના' મારફત ઠાલવવા રજૂઆત કરી હતી.
મહાનગરપાલિકાના આંકડા મુજબ આજી-૧ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા ૬૧૮ MCFT છે, જ્યારે પત્ર લખાયો ત્યારે તેમાં ૪૪૬ MCFT જેટલો જળજથ્થો ઉપલબ્ધ હતો. ન્યારી-૧ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૧૨૪૮ MCFT સામે તેમાં ૪૧૯ MCFT જેટલો જળજથ્થો ઉપલબ્ધ હતો. આજી-૧માંથી દૈનિક આશરે ૧૫૦ MLD અને ન્યારી-૧માંથી ૧૫૫ MLD પાણીનો ઉપાડ થતો હોવાથી ઉપલબ્ધ જળજથ્થા પર સતત ભાર રહે છે.
શહેરમાં દૈનિક આશરે ૪૮૫ MLD પાણી વિતરણ માટે જરૂરી છે. તે પૈકી આશરે ૧૩૫ MLD પાણી GWIL મારફત નર્મદા પાઇપલાઇન યોજના દ્વારા મેળવવામાં આવે છે, જ્યારે બાકીનો મોટો જથ્થો સ્થાનિક જળાશયોમાંથી મેળવવામાં આવે છે. પરિણામે આજી-૧ અને ન્યારી-૧ જેવા મુખ્ય જળાશયોમાં પૂરતો જળજથ્થો જળવાઈ રહે તે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા માટે અત્યંત જરૂરી બન્યું છે.
ચાલુ ચોમાસામાં આજી-૧ તેમજ ન્યારી-૧ ડેમમાં વરસાદી પાણીની સંતોષકારક આવક થઈ નથી. બીજી તરફ ભાદર-૧ ડેમમાં પણ વરસાદી પાણીની નિヘતિ આવક અંગે અનિヘતિતા રહેતા આગામી મહિનાઓમાં પાણીની સ્થિતિ પર વિપરીત અસર ન પડે તે માટે મહાનગરપાલીકાએ સમયસર સરકારનું ધ્યાન દોર્યું હતું. મેયર દ્વારા પાઠવાયેલા પત્રમાં આજી-૧ જળાશયમાં તબક્કાવાર ૨૧૦૦ MCFT અને ન્યારી-૧ જળાશયમાં તબક્કાવાર ૧૯૦૦ MCFT, એમ કુલ ૪૦૦૦ MCFT નર્મદાનું પાણી સૌની યોજના મારફત તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સંબંધિત વિભાગને સૂચના આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.આ રજૂઆત પાછળનો મુખ્ય હેતુ શહેરના લાખો નાગરિકોને આગામી ઉનાળા અને નવા ચોમાસા સુધી પીવાના પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને રાજકોટની દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા કોઈ અવરોધ વગર જળવાઈ રહે તેવો છે.(૨.૧૫)
(2:46 PM IST)










