News of Sunday, 26th April 2026
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં લોકશાહીનો ઉત્સાહ : સાંજે 5 સુધીમાં સરેરાશ 52.11 ટકા જેટલું મહત્વપૂર્ણ મતદાન નોંધાયું
કુવાડવા અને બેડલા બેઠકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી જ્યારે દડવી અને ચરખડી મોટીમાં સાપેક્ષમાં ધીમી ગતિએ મતદાન થયું

રાજકોટ:રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે યોજાયેલ મતદાનમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ, સાંજે 5 સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 52.11 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાની કુલ 9,56,575 મતદારોની જનસંખ્યા સામે 4,98,445 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં પુરુષોનું મતદાન 57.19 ટકા અને મહિલાઓનું મતદાન 46.56 ટકા જેટલું રહ્યું છે.
જિલ્લા પંચાયતની સીટ મુજબ મતદાનની વિસ્તૃત વિગતો:
જિલ્લાની તમામ 36 બેઠકો પર થયેલ મતદાનના આંકડા નીચે મુજબ છે:
સૌથી વધુ મતદાન ધરાવતી બેઠકો: કુવાડવા બેઠક પર સૌથી વધુ 66.37 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત બેડલામાં 65.23 ટકા, સરધારમાં 64.98 ટકા, લોધીકામાં 63.83 ટકા અને આણંદપરમાં 62.57 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.
સરેરાશ મતદાન ધરાવતી બેઠકો: ભાડલામાં 60.73 ટકા, કસ્તુરબાધામમાં 59.79 ટકા, પડધરીમાં 59.45 ટકા, પારડીમાં 59.98 ટકા અને બેડીમાં 59.04 ટકા મતદાન નોંધાયું છે. સરપદડમાં 58.24 ટકા, કોટડાસાંગાણીમાં 57.88 ટકા અને કમળાપુરમાં 55.21 ટકા લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા.
અન્ય બેઠકોની સ્થિતિ: શિવરાજપુરમાં 53.77 ટકા, કોલકીમાં 53.40 ટકા, મોવીયામાં 53.33 ટકા, સુપેડીમાં 51.86 ટકા, ભડલીમાં 51.05 ટકા અને ડુમીયાણીમાં પણ 51.05 ટકા મતદાન થયું છે. વિરપુરમાં 50.16 ટકા, વેરાવળમાં 49.83 ટકા, પાનેલી મોટીમાં 49.47 ટકા, પેઢલામાં 48.92 ટકા, જામકંડોરણામાં 47.85 ટકા અને વિછીયામાં 47.61 ટકા મતદાન નોંધાયું છે.
ધીમું મતદાન ધરાવતી બેઠકો: આટકોટમાં 46.83 ટકા, કોલીથડમાં 46.23 ટકા, મોટીમારડમાં 46.12 ટકા, દેરડીમાં 45.48 ટકા, પીપરડીમાં 45.47 ટકા, થાણા ગાલોળમાં 45.06 ટકા, સાણથલીમાં 44.86 ટકા, શીવરાજગઢમાં 42.83 ટકા, ચરખડી મોટીમાં 42.51 ટકા અને બોરડી સમઢીયાળામાં 42.01 ટકા મતદાન થયું છે. દડવી બેઠક પર સૌથી ઓછું 39.58 ટકા મતદાન નોંધાયું છે.
સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન શીવરાજગઢ બેઠક પર કાયદો અને વ્યવસ્થાનો 1 પ્રશ્ન ઉપસ્થિત થયો હોવાનું પત્રકમાં દર્શાવવામાં આવ્યું છે. ટેકનિકલ ખામીને કારણે બેડી અને બેડલા બેઠક પર એક-એક મળી કુલ 2 C.U. (ઈ.વી.એમ.) બદલવાની ફરજ પડી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી.
(6:06 PM IST)










