તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
કરોડોના ટેક્સ છતાં શાપર-વેરાવળમાં પ્રથમ વરસાદે જ ખુલ્લી પડી તંત્રની પોલઃ દોઢ ફૂટ પાણી ભરાતા લોકો પરેશાન
સામાન્ય લોકોને હાલવા માટે રોડ જ નથી- સ્થાનિકોનો આક્ષેપ : નવા બનેલા RCC સર્વિસ રોડ પર પાણી નિકાલની વ્યવસ્થા નહીં, બાઈક-કારચાલકો અટવાયા, ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય, ગ્રામ પંચાયતથી સાંસદ સુધી ભાજપના પ્રતિનિધિઓ છતાં સમસ્યા યથાવત, સ્થાનિકોએ કાયમી ડ્રેનેજ વ્યવસ્થાની કરી માંગ

(કમલેશ વસાણી દ્વારા)શાપર-વેરાવળ, તા.,૨૭ : સૌરાષ્ટ્રના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારોમાંના એક ગણાતા અને સરકારને કરોડો રૂપિયાની ટેક્સ આવક આપતા શાપર-વેરાવળમાં પ્રથમ જ વરસાદે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
વેરાવળથી શિવ હોટલ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં અંદાજે એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. પરિણામે બાઈકચાલકો, કારચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલાં જ આરસીસી સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો. છતાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પ્રથમ જ વરસાદમાં રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે વાહનો બંધ પડી જવાની, અકસ્માત સર્જાવાની અને ટ્રાફિકજામની સ્થિતિ પણ ઉભી થઈ રહી છે.
સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, સામાન્ય લોકોને હાલવા માટે રોડ જ નથી. શાપર-વેરાવળ વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય અને સાંસદ સુધી વિવિધ સ્તરે ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોવા છતાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સવાલ છે કે કરોડો રૂપિયાની ટેક્સ આવક આપતા ઔદ્યોગિક વિસ્તારમાં જો પ્રથમ જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય, તો વિકાસના દાવા સામે પ્રશ્નો ઊભા થાય છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા કરે, જેથી આગામી વરસાદમાં લોકોને ફરીથી આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
(1:06 PM IST)










