તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
વિકાસ કાર્યો અધૂરા નહીં રહે, શિક્ષણ-આરોગ્ય અને સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડાશે
ચૂંટણી જીતતાની સાથે જ વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટરો એક્શન મોડમાં કોર્પોરેટરો પંકજભાઈ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, માધવીબેન બદ્રકીયા અને સોનલબેન સેલારાએ સંકલ્પ દોહરાવ્યો, ૧ જૂનથી જનસંપર્ક કાર્યાલય ધમધમતું થશે, સ્વામિનારાયણ ચોકમાં હાઇમાસ્ક લાઈટ અપાશે

રાજકોટ, તા. ૨૧ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ વોર્ડ નંબર ૧૩ ના નવનિર્વાચિત ચારેય કોર્પોરેટરો પ્રજાની સેવામાં સક્રિય બની ગયા છે. પરિણામોના બીજા જ દિવસથી વોર્ડના વિકાસ કાર્યો માટે કમર કસી લીધી હોવાનું જણાવી કોર્પોરેટરોએ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી છે.
વોર્ડ નંબર ૧૩ના ભાજપના કોર્પોરેટરો પંકજભાઈ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, માધવીબેન બદ્રકીયા અને સોનલબેન સેલારાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો આવ્યાના બીજા જ દિવસથી અમે લોકો વચ્ચે જઈને કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં વોર્ડના મોટાભાગના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સ્થાનિક પ્રશ્નો અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી ૧ જૂનથી વોર્ડનું જનસંપર્ક કાર્યાલય પણ પૂર્ણ વિગત સાથે ધમધમતું થઈ જશે, જેથી સ્થાનિક રહીશો પોતાના પ્રશ્નો સરળતાથી રજૂ કરી શકે.
વિકાસ કાર્યોની રૂપરેખા આપતા ચારેય કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, વોર્ડમાં અગાઉ ઘણા વિકાસકાર્યો થયા જ છે, પરંતુ જે વિસ્તારોમાં રોડ-રસ્તાના કામો બાકી રહી ગયા છે તેને વહેલી તકે પૂરા કરવામાં આવશે. ખાસ કરીને સ્વામિનારાયણ ચોકમાં હાઇમાસ્ક લાઈટ નાખવાની કામગીરી તેમજ શેરી-ગલીઓમાં બાકી રહી ગયેલા પેવિંગ બ્લોકનું કામ તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરાવી દેવામાં આવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે ચલાવવામાં આવતી સ્ટાર્ટઅપ યોજનાઓનો ઉલ્લેખ કરતા કોર્પોરેટરોએ જણાવ્યું કે, સરકાર યુવાનોને આગળ વધવા માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. અમારા વોર્ડના યુવાનો પણ આ યોજનાઓનો લાભ લઈને પ્રગતિ કરે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. આ ઉપરાંત સરકારશ્રીની તમામ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચે અને કોઈ વંચિત ન રહે તે દિશામાં સક્રિય કાર્ય કરવામાં આવશે.
આગામી દિવસોમાં વોર્ડ નંબર ૧૩ માં પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે આરોગ્ય અને શિક્ષણની સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે વિશેષ ભાર મૂકવામાં આવશે. સરકારી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓ અપગ્રેડ થાય તે અમારી પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ નં. ૧૩ના ભાજપના કોર્પોરેટરો સર્વશ્રી પંકજભાઇ લુણાગરીયા મો. ૯૮૭૯ર૬૯૬૭૦, મોહિતસિંહ જાડેજા મો. ૯પપ૮૯ર૯પ૯૧, માધવીબેન બદ્રકીયા મો. ૯પ૮૬ર૯૩૬૩૭, સોનલબેન સેલારા મો. ૯રર૭૧૬૧૦૦૧ સાથે વોર્ડ નં. ૧૩ મહામંત્રી ભરતભાઇ બોરીચા અને નીતિનભાઇ બદ્રકીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:13 PM IST)










