તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાનું ડિઝાસ્ટર તંત્ર એલર્ટ મોડમાં : તમામ તાલુકાઓમાં નોડલ અધિકારીઓ તૈનાત
કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આગોતરી તૈયારીઓનો ધમધમાટ : નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ, તલાટીઓને ૨૪ કલાક હાજર રહેવા સૂચના : શેલ્ટર હોમ્સ તથા મેડિકલ ટીમો સજ્જ કરાઈ

રાજકોટ : રાજકોટ જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ સમગ્ર ડિઝાસ્ટર તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ તાલુકાઓમાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કલેક્ટરની કડક સૂચનાના આધારે તમામ નોડલ અધિકારીઓ પોતપોતાને ફાળવવામાં આવેલા તાલુકાઓમાં પહોંચી ગયા હતા અને મામલતદાર સહિતના તાલુકા ડિઝાસ્ટર સ્ટાફ સાથે તાકીદની સમીક્ષા બેઠકો યોજી હતી.
રાજકોટ તાલુકા, કોટડાસાંગાણી, પડધરી, જસદણ અને જામકંડોરણા સહિતના વિવિધ તાલુકાઓમાં નોડલ અધિકારીઓ દ્વારા 'તાલુકા ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ પ્લાન'ની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન આગામી દિવસોમાં મુશળધાર વરસાદના કારણે ઊભી થનારી જોખમી પરિસ્થિતિનું આગોતરું આકલન કરી, નીચાણવાળા વિસ્તારોમાંથી સંભવિત સ્થળાંતર, આશ્રયસ્થાનોની વ્યવસ્થા અને અન્ય જરૂરી તૈયારીઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓને ૨૪x૭ કલાક એલર્ટ મોડ પર રહેવા માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે.
તાલુકાના નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા અને જળબંબાકાર કે પૂર જેવી સ્થિતિ સર્જાય તો નાગરિકોને ત્વરિત સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવા માટે અધિકારીઓને જણાવાયું છે. જિલ્લાના તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને ૨૪ કલાક ફરજ પર હાજર રહેવા તેમજ સ્થાનિક ગ્રામજનોને ભારે વરસાદ અંગે જાગૃત કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવા નિર્દેશ અપાયા છે. ગામડાઓમાં આવેલા સરકારી શાળાઓ અને સમાજની વાડીઓમાં શેલ્ટર હોમની વ્યવસ્થા સુનિશ્ચિત કરી ત્યાં પીવાનું પાણી, વીજળી અને ભોજન જેવી તમામ આવશ્યક સેવાઓ તૈયાર રાખવા જણાવાયું છે.
આરોગ્યવિષયક પૂર્વતૈયારીના ભાગરૂપે દરેક ગામે જરૂરી ઈમરજન્સી મેડિકલ કિટ સાથે એક આરોગ્ય ટીમ હાજર રાખવા તેમજ એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ દરમિયાન તળાવો, નદીઓ કે ડેમ ઓવરફ્લો થાય તેવા સ્થળે લોકોની બિનજરૂરી ભીડ એકઠી ન થાય તે માટે પોલીસ વિભાગને કડક બંદોબસ્ત ગોઠવવા સૂચના આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગને ભારે પવનના કારણે પડી શકે તેવા હોર્ડિંગ્સ તાત્કાલિક દૂર કરવા, ઝાડ કે વીજપોલ ધરાશાયી થાય તો રસ્તા તુરંત ખુલ્લા કરવા જેસીબી તથા ડમ્પર તૈનાત રાખવા અને વૈકલ્પિક વાહનવ્યવહારની વ્યવસ્થા જાળવી રાખવા જણાવાયું છે.
ઈમરજન્સી સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો એસ.ટી. ડેપો અને સ્કૂલ બસોના ડ્રાઈવરો સાથે પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તથા આશ્રયસ્થાનોમાં ફૂડ પેકેટ પહોંચાડવા માટે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે. નોડલ અધિકારીઓ અને સ્થાનિક ટીમોએ વિવિધ તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને નાગરિકોને સાવધ રહેવા અને ભારે વરસાદની સ્થિતિમાં તંત્રને સહયોગ આપી સ્થળાંતર કરવા સમજૂતી આપી હતી.
(7:04 PM IST)










