<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

રાજકોટમાં કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા : સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત

સફાઈ કર્મચારીઓની કામગીરી, હાજરી અને વિવિધ સુવિધાઓ અંગે યોગ્ય દેખરેખ રાખવા માંગ : કર્મચારીઓના હિતમાં પારદર્શક વ્યવસ્થા જળવાય તે માટે જવાબદાર અધિકારીઓ ધ્યાન આપે તેવી અપીલ

રાજકોટ, તા. ૫ : રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અને તેમની કામગીરીને લઈને કેટલીક બાબતો ચર્ચામાં આવી છે. આ અંગે વંચિત શોષિત સામાજિક સંગઠનોના અખિલ ભારતીય પરિસંઘ મહા દલિત પરિષદના યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગૌતમ ચૌહાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા સફાઈ કર્મચારીઓના હિતોનું યોગ્ય જતન થાય અને તેમને મળવાપાત્ર સુવિધાઓ અંગે કોઈ ગેરસમજ કે અસંતોષ ઊભો ન થાય તે માટે સંબંધિત તમામ પક્ષોએ સંકલન જાળવવું જરૂરી છે.

સફાઈ કર્મચારીઓની હાજરી, કામગીરીની વ્યવસ્થા અને તેમની રજૂઆતોના યોગ્ય નિરાકરણ માટે મહાનગરપાલિકાનું જવાબદાર તંત્ર સમયાંતરે જરૂરી ચકાસણી કરે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સંબંધિત સંગઠનો વચ્ચે સુમેળ જળવાઈ રહે તથા કોઈપણ પ્રકારની ગેરસમજને અવકાશ ન રહે તે માટે પારદર્શક કામગીરી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કોન્ટ્રાક્ટના કર્મચારીઓને રાજકોટ કામદાર યુનિયન દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે તેવી રજૂઆત સાથે ગંભીર આક્ષેપો પણ કર્યા છે 

શ્રી ગૌતમ ચૌહાણે મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સંબંધિત પર્યાવરણ વિભાગના અધિકારીઓ આ બાબતે યોગ્ય ધ્યાન આપી સફાઈ કર્મચારીઓના હિતમાં જરૂરી પગલાં વિચારે તેવી અપીલ કરી છે.

(1:25 PM IST)