<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

આરટીઓ પાછળ નરસિંહનગરમાં દિવ્‍યાબેન અને તેના બે પુત્રો પર દાંતરડા-છરીથી હુમલો

રાતે મહિલા ઓટલે બેઠા'તા ત્‍યારે પાડોશી કાનાએ ગાળો દીધી હોઇ પુત્ર નિખીલે ઠપકો દીધો હતોઃ ખાર રાખી સવારે કાનો અને તેનો ભાઇ જયદિપ તૂટી પડયા : વાહનોમાં પણ તોડફોડ કરી

 

રાજકોટ તા. ૨: આરટીઓ કચેરી પાછળ આવેલા નરસિંહનગરમાં એક મહિલા અને તેના બે પુત્રો પર સવારે પાડોશમાં રહેતાં બે ભાઇઓએ દાંતરડા, છરીથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે. રાતે આ મહિલાને પાડોશીએ ગાળો દીધી હોઇ તેણીના દિકરાએ આ શખ્‍સને ઠપકો દીધો હતો. ખાર રાખી સવારે આ બંનેએ ઘરે આવી હુમલો કર્યો હતો અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ નરસિંહનગર શેરી નં. ૩માં રહેતાં દિવ્‍યાબેન દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૪૮) પર સવારે પાડોશી કાનો ઉર્ફે કુલદીપ પરમાર અને તેના ભાઇ જયદિપ પરિમારે દાંતરડા-છરીથી હુમલો કરી માથા શરીરે ઇજાઓ કરતાં દેકારો મચી જતાં તેણીના બે પુત્રો નિખીલ પરમાર (ઉ.વ.૨૩) અને જય પરમાર (ઉ.વ.૨૭) વચ્‍ચે પડતાં આ બંને ઉપર પણ પાડોશી કાના અને જયદિપે હુમલો કરી તેને પણ લોહીલુહાણ કરી નાંખ્‍યા હતાં.

દેકારો મચી જતાં બીજા પરિવારજનો, આસપાસના લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. દિવ્‍યાબેને અને બંને પુત્રોને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. દિવ્‍યાબેને કહ્યું હતું કે-રાતે હું ઘર બહાર ઓટલા પર બેઠી હતી ત્‍યારે કાનો અપશબ્‍દો બોલતો હોઇ દુર જવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. બાદમાં મોડેથી મારો દિકરો નિખીલ આવતાં તેને જાણ થતાં તેને કાનાને ઠપકો દેતાં તેણે હુમલો કરતાં રાતે  પણ મારા દિકરાએ સારવાર લીધી હતી.

બાદમાં સવારે અમારી ડેલી ખખડાવી કાના અને તેના ભાઇએ મારા દિકરાને મરદનો દિકરો હોય તો બહાર આવી જા તેમ કહી હાકલા પડકારા કરતાં હું બહાર જતાં જ મારા પર દાંતરડા, છરીથી હુમલો કર્યો હતો. બાદમાં મારા બંને દિકરા વચ્‍ચે પડતાં તેના ઉપર પણ હુમલો કર્યો હતો. અમારા વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તેમ વધુમાં દિવ્‍યાબેને કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:28 PM IST)