તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
દિવાળી કાર્નીવલઃ રંગ-રોશની-સ્વાદનો ત્રિવેણી સંગમ
આજથી રેસકોર્ષ રીંગ રોડ લાઇટીંગથી ઝળહળશેઃ સાંજે આતશબાજી તથા ફુડ કાર્નીવલનો પ્રારંભઃ કાલે રંગોળી સ્પર્ધા અને ટેબ્લો કાર્નીવલ મેયર નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટે. ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષનેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા પ્રકાશ પર્વ માણવા નગરજનોને આમંત્રણ

રાજકોટ, તા. ૬: મહાનગરપાલિકા દ્વારા ‘રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ'નું ભવ્ય આયોજન તા.૬ થી ૮ દરમિયાન કરવામાં આવ્યું છે.
આ અંગે મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટે જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના જીવનમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહના રંગો ઉમેરવા તથા દીપોત્સવીના પર્વને યાદગાર બનાવવા માટે તા.૬ થી ૮ દરમિયાન ‘રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ' અંતર્ગત વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરની સાંસ્કળતિક ઓળખ, ઉત્સવપ્રિયતા અને નાગરિકોની સહભાગિતાને વધુ પ્રોત્સાહન આપવાના આશયથી આયોજિત આ રંગબેરંગી કાર્યક્રમોમાં આજે ધનતેરસના દિવસે સાંજે ૦૬ કલાકે રેસકોર્ષ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ બાલભવન પાસેથી સ્વિચ દબાવીને શરૂ કરવામાં આવશે.
રંગબેરંગી લાઇટિંગ અને ઉત્સવી વાતાવરણથી સજ્જ રેસકોર્સ રિંગ રોડ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. દિવાળીના પર્વ દરમિયાન શહેરની સુંદરતામાં વધારો કરવા તથા નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે ઉત્સવની યાદગાર પળો માણવાની તક પૂરી પાડવાના હેતુથી આ શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
સાંજે ૦૬:૧૫ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતેથી ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવશે. (ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે).
ઉપરાંત દિવાળીના પવિત્ર પર્વના મહત્વપૂર્ણ દિવસ આજે ધનતેરસ નિમિત્તે સાંજે ૦૭ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ધનતેરસના શુભ અવસરે આયોજિત આ કાર્યક્રમમાં આકાશમાં રંગબેરંગી આતશબાજીના નયનરમ્ય નજારા અને આધુનિક લેસર શોની આકર્ષક રજૂઆત ઉત્સવની ખુશીઓમાં વિશેષ ઉમેરો કરશે. પ્રકાશ અને રંગોની મનમોહક રજૂઆત સાથે સમગ્ર વાતાવરણ દિવાળીના ઉમંગ અને ઉત્સાહથી છલકાઈ ઊઠશે.
જયારે કાલે તા.૭ શનિવાર - કાળી ચૌદસ નિમિત્તે રંગોળી સ્પર્ધા અને છ ફલોટસ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ધાટન સાંજે ૭ કલાકે યોજાશે. (ટેબ્લો કાર્નિવલ તા.૭ અને ૮ એમ બે દિવસ સુધી યોજાશે.)
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા શહેરના નાગરિકોને આ તમામ કાર્યક્રમોમાં પરિવારજનો અને મિત્રો સાથે સહભાગી બની દિવાળીના પર્વની ખુશીઓ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
દિવાળી કાર્નિવલની હાઈલાઈટ્સ
(૧) તા.૬ શુક્રવાર - ધનતેરસના દિવસે સાંજે ૦૬ કલાકે રેસકોર્ષ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ બાલભવન પાસેથી સ્વિચ દબાવીને શરૂ કરવામાં આવશે. (૨) તા.૬ શુક્રવાર - ધનતેરસના દિવસે સાંજે ૦૬:૧૫ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતેથી ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવશે. (ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે) (૩) તા.૬ શુક્રવાર - ધનતેરસના દિવસે સાંજે ૦૭ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજી અને લેસર શો યોજાશે. (૪) તા.૭ શનિવાર - કાળી ચૌદસ નિમિત્તે રંગોળી સ્પર્ધા અને છ ફલોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ધાટન (ટેબ્લો કાર્નિવલ તા.૭ અને ૮ એમ બે દિવસ સુધી યોજાશે.)
(3:31 PM IST)










