તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
બદલાતી ઋતુમાં લાંબા સમય સુધી રહેતી કફ-ઉધરસને સામાન્ય ન ગણશો : ડો.હિમાંશુ ઠક્કર
એક મહિના કરતાં વધુ ચાલતી ઉધરસ ગંભીર રોગનો સંકેત હોઈ શકે - સ્વયં દવા નહીં, યોગ્ય નિદાન જ શ્રેષ્ઠ ઉપાય

રાજકોટઃ ડો. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કર જાણીતા કાન-નાક-ગળાના સર્જન રાજકોટ કે જેઓ ENT ક્ષેત્રમાં ૨૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તેઓ જણાવે છે કે બદલાતી ઋતુ સાથે શરદી, કફ અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓ થી ઘણા એવા દર્દીઓ તપાસ માટે આવે છે, જેમને માત્ર પાંચ-દસ દિવસ નહીં પરંતુ એક મહિના, બે મહિના, કે તેથી પણ વધુ સમયથી સતત કફ અને ઉધરસની તકલીફ રહે છે. ઘણા દર્દીઓએ અનેક પ્રકારની દવાઓ લીધી હોવા છતાં રાહત મળતી નથી. કેટલાક દર્દીઓના બ્લડ રિપોર્ટ, એક્સ-રે અથવા અન્ય પ્રાથમિક તપાસ પણ સામાન્ય આવે છે, છતાં ઉધરસ ચાલુ રહે છે.
હકીકતમાં, લાંબા સમય સુધી ચાલતી ઉધરસ એ અનેક બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે.
વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ, ઋતુજન્ય એલર્જી, સાઇનસની તકલીફ, નાકમાં મસા, પોસ્ટ-નેઝલ ડ્રિપ, દમ (ખાસ કરીને Cough Variant Asthma), કાયમી એસિડિટી અથવા Acid Reflux (GERD), કેટલીક દવાઓની આડઅસર, ધૂળ-ધુમાડો, વધતું વાયુ પ્રદૂષણ અને ધુમ્રપાન તેના મુખ્ય કારણોમાં સામેલ છે.
ઘરે શું કાળજી રાખવી?
નવ શેકા ગરમ પાણીમાં નમક નાંખી ગળામાં કોગળા કરવા, પૂરતું પાણી પીવું અને શરીરને હાઇડ્રેટ રાખવું.
દિવસમાં ૨-૩ વખત વરાળ લેવી, નાકમાં સેલાઇન વોશ અથવા સેલાઇન સ્પ્રેનો ઉપયોગ કરવો, ધૂળ, ધુમાડો, પરફયુમ જેવી તીવ્ર સુગંધ અને એલર્જીકારક પદાર્થોથી દૂર રહેવું. જંક ફૂડ, વાસી ખોરાક અને વધુ ખાંડવાળા ઠંડા પીણાં ટાળવા. ધુમ્રપાન અને તમાકુથી સંપૂર્ણ દૂર રહેવું, ઉધરસ હોય ત્યારે માસ્ક પહેરવું
આ લક્ષણો હોય તો ડોક્ટરનો સંપર્ક કરો
ઉધરસ ત્રણથી આઠ અઠવાડિયા કરતાં વધુ સમય રહે. ગળામાં દુઃખાવો થવા. ઉધરસ સાથે લોહી આવે, શ્વાસ લેવામાં તકલીફ, ઘરઘરાટી અથવા છાતીમાં દુઃખાવો થાય, સતત તાવ રહે અથવા રાત્રે વધુ પરસેવો આવે. અચાનક વજન ઘટવા લાગે, વારંવાર ઉધરસને કારણે ઊંઘ અને દૈનિક જીવન પ્રભાવિત થતું હોય.
ડો. હિમાંશુ ઠક્કરની જનતાને ખાસ સલાહ
લાંબા સમય સુધી રહેતી કફ અને ઉધરસને કયારેય સામાન્ય ઋતુગત તકલીફ સમજીને અવગણશો નહીં. સ્વયં દવા કરવાને બદલે યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરની સલાહ લો. સમયસર નિદાનથી ગંભીર રોગોને શરૂઆતના તબક્કામાં ઓળખી અસરકારક સારવાર શકય બને છે. સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, સ્વચ્છતા અને યોગ્ય તબીબી માર્ગદર્શન જ સારા આરોગ્યની સાચી ચાવી છે.
ડો. ઠક્કર ENT અને ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ, ૨૦૨, લાઇફલાઇન બિલ્ડિંગ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ - ૩૬૦૦૦૧. મો-૯૧૦૬૧૧૯૦૩૮
(2:55 PM IST)










