તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપી ચોક્કસ કમિશન કાપી, નાણાં પરત કરવાના કૌભાંડ હવે ગુજરાત સુધી પહોંચ્યાં, ૪ ફરિયાદમાં ધડાકો
IT વિભાગની ફરિયાદ આધારે, વડા ડો.કે.એલ.એન.રાવના આદેશથી, તેમના સીધા માર્ગદર્શન નીચે વિવિધ ટીમો દ્વારા તપાસનો ભારે ધમધમાટ

રાજકોટઃ માત્ર કાગળ પર જ રહેલી કહેવાતી રાજકીય પાર્ટીઓને ડોનેશન આપી, તેમાંથી કમિશન પેટે ચોક્કસ રકમ લઈ, બાકીના નાણાં હવાલાથી પરત કરવાનું કૌભાંડ ગુજરાત સુધી પોહચી ગયાનું ખુદ IT ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ થયેલ ફરિયાદ અને તે ફરિયાદ અંતર્ગત CID ક્રાઈમના વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા તાકીદે ગુન્હા દાખલ કરાવી જે રીતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, તે ઉપરથી ફલિત થયા વગર રહેતું નથી.
સીઆઈડી ક્રાઈમના ગાંધીનગર-અમદાવાદ ઝોનમાં ચાર ફરિયાદો નોંધાઈ છે. તપાસમાં માત્ર કમિશનખોરી ચલાવવા માટે કાગળ પર રાજકીય પાર્ટી બનાવી કરદાતા પાસેથી દાન લઈ પોતાનું ૨ થી ૧૦ ટકા કમિશન કાઢી બોગસ શેલ કંપનીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતા હતા. ખોટા બિલો આધારે ખર્ચા બતાવી શેલ કંપનીમાંથી નાણાં કાઢી દાન આપનારા કરદાતાને કમિશન કાપી બાકીની રકમ પરત કરાતી હતી. આ રીતે ઈલેકશન કમિશનમાં ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ ૨૪એ હેઠળ રજૂ કરી સમગ્ર રેકેટ ચલાવાતું હતું.
ફરિયાદ-૧: ગાંધીનગરના મેઘમહાર કોમ્પ્લેક્સમાં આવેલી ભારતીય નેશનલ જનતા દલના પ્રમુખ સુરેન્દ્ર વિક્રલ ગજેરા, જનરલ સેક્રેટરી વિપુલ સોલંકી, રોનકસિહ ચાવડા અને સી.એ. આબિદ સૈયદ સામે ફરિયાદ. આરોપીઓએ ૨૦૧૯ થી ૨૦૨૫ દરમિયાન ૫૪૨૩ કરદાતા પાસેથી ૧૧૪૩ કરોડનું દાન લઈ ખોટા દસ્તાવેજ બનાવી સરકારી તિજોરીને ૩૪૩ કરોડનું નુકસાન પહોંચાડ્યું. દાનની રકમ કાજલ એન્ટરપ્રાઈઝ, પરમાર એસોસિએટ્સ જેવી પેઢીઓમાં ટ્રાન્સફર કરી અનાજ ખરીદના ખોટા બિલો બનાવ્યા હતા અને ૨ થી ૧૦ ટકા કમિશન લઈ બાકીની રકમ આંગડિયા/હવાલાથી પરત મોકલતા હતા.
ફરિયાદ-૨: નરોડા સૈજપુર બોઠા ખાતે આવેલી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના ટ્રસ્ટ કન્સલ્ટન્ટ મેહુલ મહેશ ખત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર નિવાસા અને સનદી હિસાબનીશ મયુરસિંહ રાઠોડ સામે ફરિયાદ. આરોપીઓએ ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન ૫૫૯ કરોડનું દાન મેળવી ખોટા બિલો બનાવી કમિશન કાઢી બાકીની રકમ હવાલાથી પરત કરી સરકારને ૧૫૫ કરોડનું નુકસાન પહોંચાડ્યું.
ફરિયાદ-૩: આણંદના યોગીપુંજ એપાર્ટમેન્ટ ખાતે આવેલી સત્યવાદી રક્ષક પાર્ટીના વિજેશ મહેતા, સ્વાતી પટેલ અને બીરેન પટેલ સામે ફરિયાદ. આરોપીઓએ ૨૦૨૨ થી ૨૦૨૫ સુધી ૪૫૫ કરોડનું દાન મેળવી ખોટા ખર્ચા બતાવી બેંકમાંથી રોકડ ઉપાડી કમિશન કાપી બાકીની રકમ મૂળ દાતાને પરત કરી સરકારને ૧૨૭.૫૦ કરોડનું નુકસાન પહોંચાડ્યું.
ફરિયાદ-૪: નાના ચિલોડા શ્રીનાથ શોપિંગ સેન્ટરમાં આવેલી ગરીબ કલ્યાણ પાર્ટીના પ્રમુખ નિરજકુમાર ક્ષત્રિય, સેક્રેટરી ધનંજયસિંહ રાજપૂત, ખજાનચી ધીરજકુમાર ક્ષત્રિય, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝીસના અભિષેક તિવારી, જલારામ એન્ટરપ્રાઈઝીસના પ્રદિપસિંહ પરિહાર, સીએ ફુલદીપદાન ટાપરિયા, અશોક શાહ, પંકજ અગ્રવાલ સહિત સામે ફરિયાદ. આરોપીઓએ ૨૦૨૨ થી ૨૦૨૬ સુધીમાં ૨૦૬ કરોડથી વધુનું દાન કાગળ પર મેળવી ખોટા બિલો બનાવી રોકડ ઉપાડી કમિશન લઈ બાકીની રકમ હવાલાથી પરત કરી સરકારને ૬૨ કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું.
(6:35 PM IST)










