<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

લોક સાંસદ વિચાર મંચ દ્વારા લોકશાહી મૂલ્‍યોને અનૂરૂપ ઘરે ઘરે અને શેરી ગલીઓમાં ધરણાઃ શાંતિપૂર્ણ વિરોધ

 

રાજકોટઃ તા.૨૫: વિદ્યાર્થીઓના ન્‍યાય માટે શાંતિપૂર્ણ વિરોધ કરવા ઉપર પણ પોલીસ તંત્ર ખરાબ વલણ અપનાવી રહી છે ત્‍યારે લોકસંસદ વિચારમંચ રાજકોટ દ્વારા ઘરે ઘરે અને શેરી ગલીઓમાં લોકશાહી મૂલ્‍યોને અનુરૂપ ધરણા કાર્યક્રમો અપાય રહ્યાનું મંચની એક યાદીમાં જણાવાયું છે.

યાદીમાં જણાવાયુ છે કે લોકસંસદ વિચાર મંચ દ્વારા ગત રવિવારે ભક્‍તિનગર સર્કલ ખાતે ધરણા અંગેની મંજૂરી મંગાયા બાદ અરજદાર ગજેન્‍દ્રસિંહ ઝાલા ધરણા શરૂ કરે તે પહેલા જ લોકો સંસદ વિચાર મંચના આઠ આગેવાનોની પોલીસે અટકાયતો કરી લીધી હતી.

પોલીસ મન ફાવે ત્‍યારે ઉપાડી લ્‍યે છે. એમા પણ બેધારી નીતિ દાખવવામાં આવે છે. કયારેક કાંઇ મંજૂરી વગર ધરણા કરે તો પણ અટકાયત કરાતી નથી. પોલીસ ધ્રુતરાષ્‍ટ્રનીતિ દાખવી બેસવા દયે છે અને કયારેક કોઇ મંજૂરી માંગીને  ધરણા કરે તો પણ તેમને અટકાવી દયે છે. એકને ગોળ અને બીજાને ખોળની પોલીસની બેધારી નીતિની લોકસંસદ વિચાર મંચ આલોચના કરે છે.

ત્‍યારે વિદ્યાર્થીઓને ન્‍યાય અપાવવા હવે લોકસાંસદ વિચાર મંચે લોકશાહીને અનુરૂપ લડત આદરી છે. જેમાં હવે શેરી ગલીઓમાં અને પોત પોતાના ઘરે ધરણા કરવા વગર મંજૂરીએ બેસવાનું નક્કી કર્યું છે. જેના પગલે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં ગજેન્‍દ્રસિંહ ઝાલા દ્વારાપોતાના નિવાસસ્‍થાને ડેલી પાસે શાંતિપુર્ણ ધરણા કરવાની જાણ પોલીસને લેખિતમાં કરી હતી. સવારે ૧૦ થી ૧૧ ધરણા કર્યા હતા.

આ ઉપરાંત લોકસાંસદ વિચાર મંચના આગેવાનોમાં વિષ્‍ણુ વિહાર સોસાયટીમાં એડવોકેટ ઇન્‍દુભા રાઓલ,રેફયુજી કોલોનીમાં દીલીપભાઇ આસવાણી, રેલનગરમાં પ્રવિણભાઇ લાખાણી, હાલ ઓસ્‍ટ્રેલીયાના સિડનીમાં ગયેલા પટેલે નાગજીભાઇ વિરાણીએ ઓસ્‍ટ્રેલીયા ખાતે તેમજ અહીંના જામનગર રોડ ઉપર જેન્‍તીભાઇ હીરપરા, કોઠારીયા સોલન્‍ટમાં કૈલાસબેન વાઘેલા, કોઠારીયા રોડ પર પી.જે.પારેખ, ૧૫૦ ફૂટરીંગ રોડ  ઉપર બાલાજી આવાસમાં જશુબા વાંક, ગોપાલનગર ખાતે પૂર્વ ફોજી નટુભા ઝાલા, કૃષ્‍ણનગર મેઇનરોડ ગોકૂલધામ પાસેની આવાસ યોજનામાં સરલાબેન પાટડીયા સહીતના આગેવાનોએ શાંતિપૂર્ણ અને લોકશાહી મૂલ્‍યોને અનૂરૂપ ધરણા કાર્યક્રમો આપ્‍યા હતા.

મંચનો સંઘર્ષ કોઇ વ્‍યક્‍તિ કે સંસ્‍થા વિરૂધ્‍ધ નહીં પરંતુ વિદ્યાર્થીઓને ન્‍યાય મળે તેમની યોગ્‍ય માંગનો સ્‍વીકાર થાય અને શિક્ષણ વ્‍યવસ્‍થા પારદર્શિ તથા સૃદ્રઢ બને તેવી માંગણી તેમજ સોનમ વાંગચૂકના સમર્થનમાં આ ઘરણા કરાયા હતા અને આગામી દીવસોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો તબક્કાવાર આપતા રહેશે. તેમ લોકસંસદ વિચાર મંચ રાજકોટ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬) ની યાદીમાં જણાવાયું છે.

(3:34 PM IST)