તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
સોમનાથ સોસાયટીમાં ડબલ મર્ડર, હત્યાની કોશિષમાં એકની અટકાયત
છરી, પાઇપ સિવાયના હથીયારનો ઉપયોગ થયાનું ખુલશે તો આર્મ્સ એકટની કલમ ઉમેરાશે

રાજકોટ તા. ૨૧: સોમનાથ સોસાયટી-૨માં બનેલી ડબલ મર્ડર અને હત્યાની કોશિષની ઘટનામાં પોલીસે સામ-સામે બે ગુના દાખલ કર્યા હતાં. બંને પક્ષે નોંધાયેલી ફરિયાદમાં હથીયારો તરીકે છરી-પાઇપનો ઉલ્લેખ હતો. જો કે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં પિસ્તોલ જેવા હથીયાર હોવાની વાત વહેતી થઇ હોઇ પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જો આવા કોઇ હથીયારનો ઉપયોગ થયાનું માલુમ પડશે તો આર્મ્સ એક્ટની કલમ ઉમેરાશે. હાલ પોલીસે હત્યાની કોશિષમાં એક આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
સોમનાથ સોસાયટી-૨માં રહેતાં રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયાના ઘર પાસે વૈશાલીનગરમાં રહેતો તેનો કુટુંબી ભત્રીજો હાર્દિક ધોળકીયા રાતે આવ્યા બાદ અગાઉની જમીનના પૈસાની લેતીદેતીના મામલે ચાલતી અદાવતમાં એક બીજા સાથે માથાકુટ થઇ હતી અને છરી-પાઇપથી હુમલા કરાયા હતાં. ફરિયાદ અનુસાર હાર્દિક પર હુમલો થયા બાદ તેણે સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇના દિકરા લાખાના હાથમાં રહેલી છરી પડાવી લઇ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં સુરેશભાઇ અને તેમના નાના ભાઇ રાજેશભાઇના ગંભીર ઇજાથી મોત થયા હતાં. આ બનાવમાં પોલીસે લાખાભાઇ સુરેશભાઇ ધોળકીયાની ફરિયાદ પરથી હાર્દિક ધોળકીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
તો બીજી તરફ હાર્દિક ધોળકીયાની ફરિયાદ પરથી મૃતક સુરેશભાઇ, રાજેશભાઇ, લાખાભાઇ અને શીવા નથુભાઇ ડોડા વિરૂધ્ધ હત્યાની કોીશષનો ગુનો દાખલ થયો હતો. આ ઘટનાના વિડીયો, સીસીટીવી ફુટેજ વાયરલ થયા છે તેમાં આરોપીઓ પાસે પિસ્તોલ, તમંચા જેવા હથીયાર હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે આ અંગે તપાસ બાદ વિશેષ કાર્યવાહી થશે. હાલ હત્યાની કોશિષના ગુનામાં લાખા સુરેશભાઇ ધોળકીયાને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરાઇ છે. તપાસમાં આર્મ્સની વિગતો ખુલશે તો કલમનો ઉમેરો કરાશે તેમ પીઆઇ સી. એન. દવેએ જણાવ્યું હતું
(3:31 PM IST)










