તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
બંબાટ સ્પીડથી નીકળેલો કાળી કારનો ચાલક સાઇકલને ઉલાળી ભાગ્યોઃ વૃધ્ધ નટુભાઇ રાઠોડનું કમકમાટી ભર્યુ મોત
મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે વહેલી સવારે પાંચેક વાગ્યે ‘હિટ એન્ડ રન': અકસ્માત બાદ કાર એસ્ટ્રોન ચોક તરફ ગઇ : સોરઠીયાવાડીના ૭૦ વર્ષના વૃધ્ધ દરરોજ સાઇકલ હંકારી કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરે મંગળા આરતીમાં આવતાં: કારનો આગળનો કાચ, હેડલાઇટ તૂટેલા હતાં: મૃતક બે ભાઇ, એક બહેનમાં નાના હતાં: નિવૃત જીવન જીવતાં હતાં: રાઠોડ-કડીયા પરિવારમાં ગમગીની

ઘટના સ્થળે સાઇકલ સહિત ફેîકાઇ ગયેલા વૃધ્ધ, તેમનો ફાઇલ ફોટો અને નિષ્પ્રાણ દેહ જાઇ શકાય છે
રાજકોટ તા. ૧૧: શહેરના મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિર નજીક વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં કોઠારીયા રોડ સોરઠીયાવાડીના કડીયા વૃધ્ધનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. નિત્યક્રમ મુજબ આ વૃધ્ધ સવારે સાઇકલ હંકારી કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેવા ઘરેથી નીકળ્યા હતાં. સવારે તેઓ મંદિર નજીક પહોંચ્યા ત્યારે કોટેચા ચોક તરફથી બંબાટ સ્પીડથી કાળી કાર આવી હતી અને આ વૃધ્ધને સાઇકલ સહિત ઉલાળી દેતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. નજરે જોનારા લોકોના કહેવા મુજબ અકસ્માત સર્જીને કારનો ચાલક ફુલ સ્પીડથી અન્ડર બ્રીજમાં થઇ એસ્ટ્રોન ચોક તરફ ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ સવારે પાંચેક વાગ્યે મહિલા કોલેજ અન્ડર બ્રીજ નજીક કોટેચા ચોક તરફથી આવેલી કાળા રંગની કારની ઠોકરે સાઇકલ ચડી જતાં સાઇકલસવાર વૃધ્ધ રોડ પર ફેંકાઇ ગયા હતાં અને તેમની સાઇકલ પણ દૂર સુધી ફંગોળાઇ ગઇ હતી. અકસ્માતને પગલે લોકોનો ટોળા ભેગા થઇ ગયા હતાં. પરંતું કારનો ચાલક કાર ફુલ સ્પીડથી હંકારીને ભાગ્યો હતો. લોકોએ પીછો કરતાં ચાલક મહારાણી લક્ષ્મીબાઇ સર્કલ ફરી એસ્ટ્રોન ચોક તરફ ભાગી ગયો હતો. ગંભીર-બેભાન હાલતમાં આ વૃધ્ધને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસના સ્ટાફે ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મૃત્યુ પામનારા વૃધ્ધ કોઠારીયા રોડ સોરઠીયાવાડી-૧માં રહેતાં નટવરભાઇ (નટુભાઇ) હીરાભાઇ રાઠોડ-કડીયા (ઉ.વ.૭૦) હોવાનું ખુલ્યું હતું. તેમના કુટુંબીજનો, સગા સંબંધીઓ ઘટનાની જાણ થતાં હોસ્પિટલે દોડી આવ્યા હતાં. સગાના કહેવા મુજબ નટુભાઇ રાઠોડ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. નટુભાઇ હાલ નિવૃત જીવન જીવતાં હતાં.
તેઓ દરરોજ સવારે સોરઠીયાવાડીના ઘરેથી સાઇકલ હંકારીને કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરે વહેલી સવારે મંગળા આરતીમાં દર્શન કરવા જતાં હતાં. આજે પણ સવારે ઘરેથી નીકળ્યા હતાં અને મંદિર નજીક જ તેમની સાથે આ બનાવ બની ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ કાળા રંગની હેરીયર કરા કોટેચા ચોકથી બંબાટ સ્પીડથી આવી હતી અને નટુભાઇને સાઇકલ સહિત ઉલાળી દીધા હતાં. આ કારમાં આગળનો કાચ ફુટેલો હતો, એક હેડલાઇટ પણ તૂટેલી હોઇ આગળ પણ અકસ્માત સર્જ્યો હોય તેમ જણાતું હતું. કારમાં કાચ પણ કાળા હતાં. લોકોએ પીછો કર્યો હતો પણ ચાલક એસ્ટ્રોન ચોકના રસ્તા તરફ ભાગી ગયો હતો. માલવીયાનગર પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. બેફામ સ્પીડથી સવારના પહોરમાં કાર હંકારી જીવલેણ અકસ્માત સર્જી ભાગેલા ચાલકને તાકીદે શોધી લઇ આકરી કાર્યવાહી કરવા મૃતકના સગા સંબંધીઓ, કુટુંબીજનોએ માંગણી કરી હતી.
(2:43 PM IST)










