<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

દશેરાએ ગોંડલ રોડ મામલતદાર કચેરી પાસે વડાપ્રધાનનું પોસ્‍ટર સળગાવી ફેસબૂક લાઇવ કર્યુઃ ૪ સામાજીક આગેવાનો સામે ગુનો

માલવીયાનગર પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ કરી ગીતાનગરના જીતેન્‍દ્ર કોટેચા, દ્વારકાધીશ સોસાયટીના મગન ડરાણીયા, ગોકુલધામ ક્‍વાર્ટરના શક્‍તિસિંહ ઝાલા અને કમલેશ પારેખ સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૧: શહેરમાં ગઇકાલે દશેરાના દિવસે ગોંડલ રોડ પી. ડી. માલવીયા કોલેજ નજીક મામલતદાર કચેરી પાસે કેટલાક શખ્‍સોએ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના પોસ્‍ટરને જાહેરમાં સળગાવી આ ઘટનાને ફેસબૂકમાં લાઇવ કરતાં વિડીયો વાયરલ થતાં માલવીયાનગર પોલીસે તપાસ કરી ચાર શખ્‍સોને શોધી કાઢી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ચારેયએ પોતે સામાજીક આગેવાન હોવાનું અને મોદીજીની વિચારધારાના વિરોધી હોવાથી પોસ્‍ટર સળગાવીને ફસબૂક લાઇવ કર્યાનું રટણ કર્યુ હતું.

આ મામલે માલવીયાનગર પોલીસ સ્‍ટેશનના એએસઆઇ કેતનભાઇ બી. શેખલીયાની ફરિયાદ પરથી ગોંડલ રોડ પીએનટી કોલોની ગીતાનગર-૭ આસોપાલવ એપાર્ટમેન્‍ટ ચોથાો માળે રહેતાં જીતેન્‍દ્ર હેમેન્‍દ્રભાઇ કોટેચા, ગોંડલ રોડ દ્વારકાધીશ સોસાયટી-૧માં રહેતાં મગન ગોપાલભાઇ ડરાણીયા, ગોકુલધામ આરએમસી ક્‍વાર્ટર બ્‍લોક નં. ૪૩ રૂમ નં. ૧૮૧૧માં રહેતાં શક્‍તિસિંહ કિરીટસિંહ ઝાલા તથા ગોકુલધામ આરએમસી ક્‍વાર્ટર બ્‍લોક નં. ૧૧ રૂમ નં. ૧૪૨૦માં રહેતાં કમલેશ સુમનભાઇ પારેખ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

એએસઆઇ કેતનભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. ૨૦/૧૦/૨૦૨૬ ના રોજ સોશિયલ મીડિયા એપ્‍લિકેશન ફેસબુક પર jitubhai kotecha નામના આઈ.ડી. પરથી એક લાઈવ વીડિયો પોસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. આ વીડિયોમાં કેટલાક શખ્‍સો ભેગા મળીને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું પોસ્‍ટર જાહેરમાં સળગાવતા અને મોબાઈલ ફોનમાં વીડિયો લાઈવ કરતા જણાયા હતા. આ ઘટના ધ્‍યાને આવતા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીડિયોમાં દેખાતા ચારેય શખ્‍સોની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્‍વીકાર્યું હતું કે વિજયાદશમી દશેરા નિમિત્તે રાજકોટના ગોંડલ રોડ સ્‍થિત દક્ષિણ મામલતદારની કચેરીની દીવાલ પાસે વડાપ્રધાનશ્રીના ફોટાવાળું પોસ્‍ટર સળગાવવામાં આવ્‍યું હતું અને તેને jitubhai kotechaના આઈ.ડી. પરથી ફેસબુક લાઈવ કરીને અપલોડ કરવામાં આવ્‍યું હતું.

પકડાયેલામાં જીતેન્‍દ્રભાઇ કોટેચા અને મગનભાઇ ડાભીયા, શક્‍તિસિંહ ઝાલા અને કમલેશભાઇ પારેખ એમ ચારેય સામાજીક આગેવાન છે. પોતે માદીજીની વિચારધારાના વિરોધી હોઇ જેથી દશેરાને દિવસે તેનું પોસ્‍ટર જાહેરમાં સળગાવી લાઇવ કર્યુ હોવાનું કબુલ્‍યું હતું. રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા કોઈ પણ વ્‍યક્‍તિનું પુતળું કે આકળતિ બાળવા, સળગાવવા કે દેખાડા કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ  બહાર પાડવામાં આવેલું છે અને તે અમલમાં છે. આ જાહેરનામાનો સમાન ઈરાદાથી ભંગ કરવા બદલ તમામ ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ, એએસઆઇ કેતનભાઇ શેખલીયા, કેતનભાઇ પટેલ સહિતે ફેસબૂક લાઇવને આધારે ચારેયને શોધીને કાર્યવાહી કરી હતી.

(2:07 PM IST)