તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
શિક્ષણ સમિતિ સમરસ : ભાજપના ૧૧ કોંગ્રેસના ૧ ની ઉમેદવારી
નવા ચેરમેન તરીકે કાનાણી, કાવર તથા શાહના નામ ચર્ચામાં : શિક્ષણ સમિતિ માટે ભાજપની વાજતે-ગાજતે ઉમેદવારીઃ તમામ ૧૧ ઉમેદવારોએ સાથે ફોર્મ ભર્યા

રાજકોટઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના તમામ ૧૧ ઉમેદવારોએ આજે એક સાથે ચૂંટણી અધિકારી અને મેયર નેહલ શુકલ સમક્ષ ફોર્મ રજુ કર્યા હતા. ઉપરોકત તસ્વીરમાં ફોર્મ સુપ્રત કરવા સમયે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્યો ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા, કોર્પોરેટર કેતન પટેલ, પ્રવિણભાઇ સેગલીયા, મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા સહિતના કાર્યકરો નજરે પડે છે. જયારે અંતિમ તસ્વીરમાં ભાજપના તમામ ઉમેદવારો વિજય મુદ્રામાં દ્રષ્ટીગોચર થાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૩૦: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કુલ ૧૨ બેઠકો સામે ભાજપના ૧૧ અને કોંગ્રેસના એક ઉમેદવારે જ નામાંકન કરતાં ચૂંટણી યોજવાની જરૂર નહીં પડે. આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ તમામ ૧૨ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે.
મેયર અને ચૂંટણી અધિકારી ડૉ. નેહલ શુક્લ દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર આજે ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપની મંજૂરી બાદ શહેર ભાજપે જાહેર કરેલા તમામ ૧૧ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં નામાંકન કર્યું હતું.
ભાજપના ઉમેદવારોમાં વોર્ડ નં. ૩ના કપિલ નથવાણી અને ડૉ. તળપ્તિબેન શુક્લ, વોર્ડ નં. ૮ના હર્ષિત કાવર અને દ્રુપલબેન (ડોલીબેન) ટાંક, વોર્ડ નં. ૯ના વિરેન્દ્ર ભટ્ટ, વોર્ડ નં. ૧૨ના યોગરાજસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૦ના હરેશ કાનાણી, વોર્ડ નં. ૫ના કલ્પનાબેન કિયાડા, વોર્ડ નં. ૬ના પિન્ટુ રાઠોડ, વોર્ડ નં. ૧૪ના કેયુર મશરુ અને વોર્ડ નં. ૭ના પ્રવિણ ચાવડાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે પક્ષ સાથે છેલ્લા ૩૪ વર્ષથી જોડાયેલા હાજીભાઈ ઓડિયાને શિક્ષણ સમિતિના ઉમેદવાર બનાવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાજીભાઈ ઓડિયા પક્ષની વિચારધારા અને સંગઠન માટે સતત કાર્ય કરતા નિષ્ઠાવાન પાયાના કાર્યકર છે.
આવતીકાલે ફોર્મની ચકાસણી બાદ તમામ ૧૨ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તેમનાં નામ રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થશે અને ચેરમેન તથા વાઇસ ચેરમેનની પસંદગી માટે શિક્ષણ સમિતિની બેઠક બોલાવવામાં આવશે.
શિક્ષણ સમિતિમાં સરકાર દ્વારા નિયુક્ત થતા સભ્યો માટે શહેર ભાજપ સંગઠને ડૉ. નરેન્દ્ર વિસાણી અને કુમાર શાહનાં નામની ભલામણ કરી હોવાનું જાણવા મળે છે. ગેઝેટેડ અધિકારીની બેઠક માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રાજ્ય સરકારને નામની ભલામણ કરવામાં આવશે. અધિકારીની બેઠક માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રાજય સરકારને નામની ભલામણ કરવામાં આવશે.

પાયાના કાર્યકરોનો સમાવેશ થતા રાજીપો છવાયો ભાજપે ઉમેદવારો જાહેર કરતા એક બાજુ ખુશી-બીજી બાજુ રોષ
પૂર્વ નગરસેવકોના પરિવારજનોને પણ સ્થાન અપાયું: કાર્યક્રરોમાં છાણે ખુણે ચર્ચા
રાજકોટ, તા., ૩૦ : શહેર ભાજપ દ્વારા આજે જાહેર થયેલા શિક્ષણ સમીતીના ૧૧ નામોમાં પુર્વ શહેર ભાજપ મંત્રી હરેશ કાનાણીને શિક્ષણ સમીતીમાં તક આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ ઉપકુલપતિ અને પુર્વ કોર્પોરેટર ડો.વિજય દેસાણીના પુત્રી દ્રુપલબેન ટાંક તેમજ પુર્વ કોર્પોરેટર કે.ડી.રાઠોડના પુત્ર પિન્ટુ રાઠોડ તથા અનુસુચીત જાતીના ઉમેદવાર પ્રવિણ ચાવડાના ધર્મપત્ની ગત ટર્મમાં વોર્ડ નં. ૭ ના કોર્ર્પોરેટર રહી ચુકયા છે.
ભાજપ દ્વારા આજે શિક્ષણ સમીતી માટે ૧૧ નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુના-નવા કાર્યકરોનો સમાવેશ કરવામાં આવતા પાર્ટી કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉપરાંત સરકાર નિયુકત સભ્યોમાં પાયાના કાર્યકરો હોવાથી પાર્ટીમાં રાજીપો ફેલાયો છે.
કયા ઉમેદવારની
કઇ બેઠક ઉપર દાવેદારી
ઉમેદવારનું નામ બેઠકનો પ્રકાર
કપિલભાઈ લલિતભાઈ નથવાણી સામાન્ય
હર્ષિત પ્રહલાદભાઈ કાવર સામાન્ય
વિરેન્દ્રભાઈ હર્ષદભાઈ ભટ્ટ લાયકાતવાળી અનામત
યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા સામાન્ય
હરેશભાઈ મૂળજીભાઈ કાનાણી લાયકાતવાળી અનામત
ડો. તૃપ્તિબેન ઋષિકેશ શુક્લ લાયકાતવાળી અનામત
કલ્પનાબેન રમેશભાઈ કિયાડા સામાન્ય
દ્રુપલબેન (ડોલીબેન) કબીરભાઈ ટાંક સામાન્ય
રાઠોડ પિન્ટુભાઈ કિશોરભાઈ સામાન્ય
કેયૂર રસીકલાલ મશરૂ સામાન્ય
પ્રવીણભાઈ ચાવડા અનુસુચિત જાતિ
હાજીભાઇ અબ્દુલભાઇ ઓડીયા સામાન્ય
કોંગ્રેસમાં ઉમેદવારી મુદ્દે ધમાસણ
રાજકોટ : હાજીભાઈ ઓડિયાનું નામ જાહેર થતાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નં. ૧૨માંથી મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલા કમલેશ કોઠીવાળ અને વિજયસિંહ ચાંદલીએ શહેર પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા પર ભાજપ સાથે સમજૂતી કરીને ઉમેદવાર પસંદ કરવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, આ આક્ષેપ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
(3:37 PM IST)










