News of Friday, 1st May 2026
અંબાજી કડવા પ્લોટમાં વૃધ્ધ દંપતિ પર સળીયાથી હુમલોઃ અભિરામભાઇ નથવાણીનો પગ ભાંગી ગયો
પાડોશીને ત્યાં રીનોવેશન કામ ચાલતું હોઇ ભાવનાબેનએ રોડ પરથી રેતી-કપચી સાઇડમાં લેવાનું કહેતાં ડખ્ખો : ગેસ્ટ હાઉસના સંચાલક ૬૨ વર્ષિય વૃધ્ધની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે તેમના પાડોશી કરશનભાઇ ઝાલા, ઘનશ્યામ ઝાલા, પરેશ ઝાલા, કિરીટ ઝાલા અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ દાખલ કર્યો

રાજકોટ તા. ૧: શહેરના અંબાજી કડવા મેઇન રોડ પર પડોશીને ઘર પાસે પડેલી રેતી અને કપચીનો ઢગલો હટાવવાનું કહેવું એક ગેસ્ટહાઉસ સંચાલક અને તેમના પત્નિને ભારે પડ્યું છે. સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા પડોશી પિતા-પુત્ર સહિતના શખ્સોએ ઘરમાં ઘુસી લોખંડના સળીયા વડે હુમલો કરતા વળદ્ધને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વહેતા થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ -૧, ધર્મભક્તિ કોમ્પલેક્ષ સામે શ્રી મકાન ખાતે રહેતાં અને એસટી બસ સ્ટેશન પાછળ તેજ પેલેસ નામે ગેસ્ટ હાઉસ ચલાવતાં અભીરામભાઇ ઘનશ્યામભાઇ નથવાણી (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી તેના પાડોશી કરશનભાઇ જાદવભાઇ ઝાલા, ઘનશ્યામભાઇ જાદવભાઇ ઝાલા, પરેશ ઝાલા, કિરીટ ઝાલા અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
અભીરામભાઈ નથવાણીની ફરિયાદ મુજબ તેમના ઘરની સામે રહેતા કરશનભાઈ જાદવભાઈ ઝાલાના મકાનનું રિનોવેશન કામ ચાલતું હોઇ રોડ પર રેતી અને કપચીનો ઢગલો પડ્યો હતો. આ ઢગલાને કારણે અવર-જવરમાં મુશ્કેલી પડતી હોવાથી અભીરામભાઈના પત્નિ ભાવનાબેને અગાઉ કરશનભાઈને ઢગલો હટાવવા વિનંતી કરી હતી, પરંતુ તેઓએ ઢગલો હટાવ્યો નહોતો.
દરમિયાન બુધવારે ૨૮મીએ સવારે ફરીવાર ભાવનાબેને ઢગલો હટાવવાનું કહેતા કરશનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ દરમિયાન અભીરામભાઈ બહાર આવી પત્નિને સમજાવી ઘરમાં લઈ ગયા હતા. થોડીવારમાં જ કરશનભાઈ ઝાલા, તેનો પુત્ર ઘનશ્યામ ઝાલા, પરેશભાઈ ઝાલા, કિરીટભાઈ ઝાલા અને અન્ય અજાણ્યા શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. ઘનશ્યામ ઝાલાએ ઘરની ડેલી ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને લોખંડના સળીયા પછાડી આતંક મચાવ્યો હતો. ત્યારબાદ આ શખ્સોએ દંપતી પર તૂટી પડી આજે તો તમને પતાવી જ દેવા છે તેમ કહી લોખંડના સળીયાથી આડેધડ માર માર્યો હતો.
પોતાનો જીવ બચાવવા અભીરામભાઈ અને તેમના પત્નિએ ઘરની અંદર દોડી જઈ દરવાજો બંધ કરી દીધો હતો. હોબાળો થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને પગલે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. આ હુમલામાં અભીરામભાઈને જમણા પગમાં ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં મધુરમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબી પરીક્ષણમાં તેમના જમણા પગમાં ફ્રેક્ચર હોવાનું અને માથાના ભાગે મુંઢ ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તેમના પત્નિ ભાવનાબેનને પણ શરીરે ઇજાઓ પહોંચી છે.
ઘટના અંગે માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. એ.વી. ચાવડાએ હોસ્પિટલ પહોંચી અભીરામભાઈની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(3:39 PM IST)










