<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રાજકોટમાં વૃધ્‍ધ મહિલા તબિબને ડિજીટલ એરેસ્‍ટ કરી અડધો કરોડ પડાવાયાઃ પોલીસે ૨૧ાા લાખ બચાવ્‍યા

જાગનાથ વિસ્‍તારના વૃધ્‍ધા ડિજીટલ એરેસ્‍ટનો ભોગ બન્‍યાની સાયબર ક્રાઇમ કોન્‍સ. વિશાલ દેશાણીને બાતમી મળતાં જ ટીમ પહોંચી : સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પીઆઇ પી. આર. ડોબરીયા, પીઆઇ એમ. ડી. ગઢવી, પીએસઆઇ ભાયાણી, એએસઆઇ કૃપાલસિંહ અને ટીમે વૃધ્‍ધાનું કાઉન્‍સેલીંગ કરી સાચી વિગતો જણાવી

રાજકોટ તા. ૧: શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની ટીમે વધુ એક વખત મહત્‍વપૂર્ણ અને સરાહનીય કામગીરી કરીને ડિજિટલ એરેસ્‍ટનો ભોગ બનેલા એક વળદ્ધ મહિલા તબિબને માનસિક ભયમાંથી મુક્‍ત કરાવ્‍યા છે અને તેમના વધારાના રૂ. ૨૧,૫૦,૦૦૦  ટ્રાન્‍સફર થતા અટકાવી દીધા છે. જો કે સાયબર ક્રાઇમ પોલીસને જાણ થઇ એ પહેલા તેઓ ૫૮ લાખ ૫૦ હજાર જેવી માતબર રકમ સાયબર ગઠીયાઓને કહ્યું એ ખાતાઓમાં ટ્રાન્‍સફર કરી ચુક્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ શહેરના જાગનાથ પ્‍લોટ વિસ્‍તારમાં આવેલા રાજ દર્શન એપાર્ટમેન્‍ટ ખાતે રહેતા એક વળદ્ધ મહિલા ડોક્‍ટર છેલ્લા ચાર દિવસથી સાયબર ઠગોની જાળમાં ફસાઈને ડિજિટલ એરેસ્‍ટ હેઠળ હતા. સાયબર ઠગોએ ભય બતાવીને તેમની પાસેથી ઘણી રકમ પડાવી લીધાની બાતમી સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલભાઈ એ. દેશાણીને મળી હતી. બાતમીના આધારે સાયબર ક્રાઇમની ટીમે તાત્‍કાલિક ધોરણે આ વૃધ્‍ધ મહિલા તબિબનો સંપર્ક કર્યો હતો અને તેમના ઘરે પહોંચીને તેમને ડિજિટલ એરેસ્‍ટના માનસિક ભયમાંથી મુક્‍ત કરાવ્‍યા હતા. પોલીસની ટીમ પહોંચી ત્‍યારે પણ તેઓ વિડીયો કોલમાં સાયબર ગઠીયા સાથે વાતચીત પર હતાં. પોલીસે તુરત વિડીયો કોલ કટ કર્યો હતો અને સાચી ઘટનાની સમજ આપી હતી.

જો કે તેમણે જણાવ્‍યું હતું કે અગાઉ કુલ રૂ. ૫૮,૫૦,૦૦૦ જેટલી મોટી રકમ  ટ્રાન્‍સફર કરી ચુક્‍યા છે અને વધુ રૂ. ૨૧,૫૦,૦૦૦ ટ્રાન્‍સફર કરાવાની તૈયારીમાં હતાં. સાયબર ક્રાઇમ પોલીસ પહોંચી જતાં આ વધુ રકમ ગઠીયા સુધી જતી બચી હતી. પોલીસે મહિલા ડોક્‍ટરનું યોગ્‍ય કાઉન્‍સિલિંગ કરી, તેમને ડિજિટલ એરેસ્‍ટ અંગેની સંપુર્ણ સત્‍ય માહિતી આપી જાગળત કર્યા હતા. આ સમયસરની કામગીરીના કારણે મહિલા તેમના વધારાના રૂ. ૨૧,૫૦,૦૦૦ બચી ગયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ઇન્‍ચાર્જ ભરત બી. બસીયાના માર્ગદર્શન અને સુચના હેઠળ આ કામગીરી પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પીઆઇ પી. આર. ડોબરીયા, પીઆઇ એમ. ડી. ગઢવી, પીએસઆઇ એસ. વી. ભાયાણી, એએસઆઇ ક્રુપાલસિંહ ઝાલા, હેડકોન્‍સ. હર્ષરાજસિંહ જાડેજા, કોન્‍સ. વિશાલભાઇ દેશાણી અને લોકરક્ષક સાગર સાગઠીયાએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)

ડિજીટલ એરેસ્‍ટ જેવો કોઇ કાયદો નથીઃ ડરામણા ફોન કોલ, વિડીયો કોલ આવે તો તુરત ૧૯૩૦ ઉપર જાણ કરો

રાજકોટઃ સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક વખત લોકોને જાગૃત કરવા જણાવ્‍યું છે કે આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે, જેમાં હાલમાં ડિજિટલ એરેસ્‍ટના તુક્કાથી ઠગાઇ કરવાનો ગ્રાફ ખૂબ જ વધી રહ્યો છે. પણ લોકોએ જાણી લેવુ જરૂરી છે કે ભારતીય કાયદા કે કોઈ પણ સરકારી એજન્‍સીના નિયમોમાં ડિજિટલ એરેસ્‍ટ જેવો કોઈ શબ્‍દ કે જોગવાઈ અસ્‍તિત્‍વ ધરાવતાં નથી. સામાન્‍ય નાગરિકોને ડરાવીને લાખો રૂપિયા પડાવવાનું એક મોટું ષડયંત્ર છે. સાયબર ગુનેગારો સામાન્‍ય રીતે પોલીસ, સીબીઆઈ, ઈડી, કસ્‍ટમ્‍સ અથવા ટ્રાઈના નકલી અધિકારીઓ બનીને લોકોને ફોન અથવા વીડિયો કોલ કરે છે. તેઓ ભોગ બનનારને ડરાવે છે કે તેમના આધાર કાર્ડ અથવા સિમ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ગેરકાયદેસર પ્રવળત્તિ કે મની લોન્‍ડરિંગ થયું છે. ત્‍યારબાદ, ધરપકડની ધમકી આપીને સ્‍કાઈપ કે અન્‍ય વીડિયો કોલિંગ એપ પર કલાકો કે દિવસો સુધી નજર કેદ એટલે કે ડિજિટલ એરેસ્‍ટ રાખે છે અને કેસ રફા-દફા કરવાના બહાને લાખો રૂપિયા બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવી લે છે.

જો તમને પણ આવો કોઈ અજાણ્‍યો કે ધમકીભર્યો વીડિયો કોલ આવે, તો ગભરાવાને બદલે સાવચેતી રાખો. અજાણ્‍યા નંબર પરથી આવતા આવા ડરામણા કોલનો જવાબ ન આપો અને વાતચીત બંધ કરો. કોઈ પણ સરકારી અધિકારી કયારેય ફોન પર નાણાંની માંગણી કે બેંક ખાતાની વિગતો માંગતા નથી. જો કોઈ એજન્‍સીનું નામ લેવામાં આવે, તો સત્તાવાર વેબસાઈટ પર જઈને તેમના હેલ્‍પલાઈન નંબર પર વેરિફિકેશન કરો. જો તમે આવી કોઈ જાળમાં ફસાઈ જાઓ, તો સમય બગાડ્‍યા વિના સાયબર હેલ્‍પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરો. જેથી આવા ફ્રોડનો શિકાર થતાં સાયબર ક્રાઇમ પોલીસ તમને બચાવી શકશે. (૧૪

(2:43 PM IST)