<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

રેલનગરના વૃધ્‍ધ હરસુખભાઇ ઝાલાનું રાજનગર ચોકમાં વાહન અકસ્‍માતમાં મોત

એસ્‍ટ્રોન ચોકના કોમ્‍પલેક્ષમાં વોચમેન તરીકે નોકરી કરતાં વૃધ્‍ધ એકલા જ રહેતાં હતાં: રાતે કામ માટે ટુવ્‍હીલર લઇ નીકળ્‍યા ને હોન્‍ડાની ઠોકરે ચડી ગયા

રાજકોટ તા. ૩૦: નાના મવા રોડ રાજનગર ચોકમાં રાત્રીના બે ટુવ્‍હીલર  વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં રેલનગરમાં રહેતાં અને એસ્‍ટ્રોન ચોકના કોમ્‍પલેક્ષમાં વોચમેન તરીકે નોકરી કરતાં વૃધ્‍ધનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતાં હરસુખભાઇ વેલજીભાઇ ઝાલા (ઉ.વ.૭૨) રાતે એક્‍સેસ હંકારીને જતાં હતાં ત્‍યારે નાના મવા રોડ ઇન્‍ડીયન પેટ્રોલ પંપ નજીક રાજનગર ચોકમાં તેના વાહન સાથે એક બાઇક અથડાતાં પોતે રોડ પર ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં હરસુખભાઇને ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ તેમનું વહેલી સવારે મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર હરસુખભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાંએક દિકરી અને એક દિકરો છે. દિકરી સાસરે છે અને દિકરો વડોદરા રહે છે. પોતે રેલનગરમાં એકલા રહેતાં હતાં અને એસ્‍ટ્રોન ચોકમાં ચોકીદારી કરતાં હતાં. રાતે કોઇ કામ માટે નીકળ્‍યા બાદ રાજનગર ચોકમાં બનાવ બન્‍યો હતો. પોલીસે અકસ્‍માત સર્જનાર બાઇકચાલકની શોધખોળ હાથ ધરી છે.

(2:32 PM IST)