તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
દાંડીયા રાસ રમીને જઇ રહેલા બીબીએના છાત્રની કારની ઠોકરે વૃધ્ધા જશુબા તલાટીયાનું મોત : પુત્રને ગંભીર ઇજા
યુનિવર્સિટી રોડ સાધુ વાસવાણી રોડ ટી-પોઇન્ટ પાસે શની-રવિની મોડી રાતે ઘટના : અજંતા પાર્કના ચિરાગસિંહ તલાટીયા અને માતા જશુબા તલાટીયા માઇ મંદિરે દર્શન કરીને જતાં હતાં ત્યારે એક્ટીવા સહિત ઠોકરે ચડી ગયાઃ યુનિવર્સિટી પોલીસે કારચાલકની અટકાત કરી

રાજકોટ તા. ૧૨: શહેરના યુનિવર્સિટી રોડ પર સાધુ વાસવાણી ટી-પોઈન્ટ પાસે શની-રવિની મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંમાઈ મંદિરે દર્શન કરીને ઘર તરફ જઈ રહેલા માતા-પુત્રને એક્ટીવા સહિત કારની ઠોકરે ચડી ફૂટબોલની જેમ ઉછળી જતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જેમાં માતાનું મૃત્યુ થયું છે અને પુત્ર સારવાર હેઠળ છે. ડિસ્કો દાંડીયા રમીને કાર મારફત પરત ઘરે જઇ રહેલા બીબીએના છાત્રએ આ અકસ્માત સર્જ્યો હોવાનું ખુલ્યું છે. આ છાત્ર સાથે અન્ય મિત્રો, યુવતિઓ પણ કારમાં હતાં. પોલીસે છાત્ર સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રહેતા ચિરાગસિંહ વિજયસિંહ તલાટીયા (ઉ.વ.૩૭) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીસીડીસી વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. શનિવારે રાત્રીના તે પોતાના માતા જશુબા વિજયસિંહ તલાટીયા (ઉ.વ.૭૦) અને બનેવી વિપુલસિંહ ભાવસિંહ ચાવડા (ઉ.વ.૪૬) (રહે. મેનોર એપાર્ટમેન્ટ, સાધુવાસવાણી રોડ) સાથે મનહરપ્લોટમાં આવેલા માઇ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં બનેવી વિપુલસિંહ રોકાઈ ગયા બાદ ચિરાગસિંહ માતાને એકટીવા પાછળ બેસાડી ઘરે જતાં હતાં ત્યારે સાધુવાસવાણી ટી પોઈન્ટ પર પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર નં. જીજે૧આરએ-૬૩૨૮ના ચાલકે હેડફેટે લેતા બંને ફૂટબોલની માફક ઉછળીને દૂર સુધી ફેંકાઇ ગયા હતાં.
બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. બંનેને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં જશુબાએ સારવારમાં દમ તોડી દીધો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ચિરાગસિંહના બનેવી વિપુલસિંહની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર ચાલક રિષી જીતેન્દ્રભાઈ રૂપારેલીયા (ઉ.વ. ૨૦ રહે. શિવાલિક એપાર્ટમેન્ટ કેકકેવી હોલ પાસે)ની અટકાયત કરી હતી. પોલીસના કહેવા મુજબ કારચાલક રિષી બીબીએમાં અભ્યાસ કરે છે તે તથા તેના મિત્ર અને ત્રણ યુવતી મળી પાંચ વ્યક્તિ અવધ પાસેની હોટલમાં ડિસ્કો દાંડિયા રમી ઘરે પરત જતા હતા. દરમિયાન તેમણે આકાશવાણી ચોક નજીક સાધુ વાસવાણી ટી પોઇન્ટ પાસે અકસ્માત સર્જાયો હતો. આ બનાવના સીસીટીવી ફૂટેજ વહેતા થયા હતા.
(3:00 PM IST)










