<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

બાંધકામ સાઇટના ફલેટ્‍સમાંથી ૮ લાખનો ઇલેક્‍ટ્રીક કેબલ ચોરાયોઃ તાલુકા પોલીસે બે શકમંદને દબોચ્‍યા

જીવરાજ પાર્ક નજીક શરણમ સેફ્રોનની છ વીંગની સાઇટ પર બનાવ કોન્‍ટ્રાકટર ઉર્મિતભાઇ મોરીધરાની ફરિયાદ પરથી પીઆઇ એસ. આર. મેઘાણી, ડી. સ્‍ટાફ પીએસઆઇ પીએસઆઇ બી. આર. ભરવાડ અને ટીમે બે શખ્‍સને સકજામાં લીધાઃ મુદ્દામાલ કબ્‍જે કરવા તજવીજ

 

 

રાજકોટ તા. ૩:  શહેરમાં બાંધકામ હેઠળની સાઇટોને લક્ષ્ય બનાવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાનો વધુ એક બનાવ સામે આવ્‍યો છે. નાના મવા મેઇન રોડ નજીક આવેલી નિર્માણાધીન સોસાયટીની સાઇટમાંથી અલગ-અલગ બિલ્‍ડિંગો અને ફ્‌લેટોમાંથી રૂ. ૮ લાખની કિંમતના ઇલેક્‍ટ્રિક વાયરના બંડલો તેમજ ઇન્‍સ્‍ટોલ કરેલા વાયરોની ચોરી થઈ જતાં તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બે શકમંદને ઉઠાવી લઇ મુદ્દામાલ કબ્‍જે કરવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા મેઇન રોડ પીજીવીસીએલ પાછળ આનંદમય સ્‍કૂલ સામે વૃજવિલા ખાતે રહેતાં અને કન્‍સ્‍ટ્રકશનનું કામ કરતાં ઉર્મિતભાઇ અનીલભાઇ મોરીધરા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ચોરનો ગુનો દાખલ કરાયો છે.  ફરિયાદની વિગત મુજબ હાલમાં ઉર્મિતભાઇની શરણમ શેફ્રોન નામની સાઇટ જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશિપ રોડ પર નામે ચાલી રહી છે. અહિ છ વિંગનું બાંધકામ છે. તારીખ ૩૦/૦૭ના રોજ ઉર્મિતભાઈ સાઇટ પર હાજર હતા ત્‍યારે તેમના ઇલેક્‍ટ્રિશિયન પ્રકાશભાઈ અને હિમાંશુભાઈએ જાણ કરી હતી કે ડી-વિંગના ૧૦મા માળે ફ્‌લેટ નં-૧૦૦૨માં રાખેલા હેવેલ્‍સ કંપનીના ૭ બંડલ અને કેઇઆઇ કંપનીના ૪ બંડલ તેમજ ૭મા માળે ફ્‌લેટ નં-૭૦૪માં રાખેલા હેવેલ્‍સના ૮ બંડલ અને કેઇઆઇના ૬ બંડલ વાયર ગાયબ છે.

આ પછી તપાસ આગળ વધારતાં માલૂમ પડ્‍યું હતું કે, છેલ્લા એક મહિના દરમિયાન સાઇટના સી-વિંગ અને ડી-વિંગના કુલ ૪૪ જેટલા ફ્‌લેટોમાં ઇલેક્‍ટ્રિક કામ થઈ ગયેલું હતું તેમાંથી પણ ઇલેક્‍ટ્રિક વાયરો કાપીને, ખેંચીને ચોરી લેવાયા હતા. આ ઉપરાંત સી વિંગની ઇલેક્‍ટ્રિક ડક્‍ટમાંથી પસાર થતાં વાયરો પણ ગાયબ મળ્‍યા હતા. સાઇટના તમામ ફ્‌લેટ અને વિંગમાં તપાસ કર્યા બાદ ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી. ચોરાયેલા માલસામાનમાં હેવેલ્‍સ કંપનીના ૧૫ બંડલ વાયર કિંમત રૂ. ૧,૫૦,૦૦૦, કેઇઆઇ કંપનીના ૧૦ બંડલ કિંમત રૂ. ૧,૫૦,૦૦૦ અને ૪૪ ફ્‌લેટ તેમજ ઇલેક્‍ટ્રિક ડક્‍ટમાંથી ખેંચાયેલા વાયરો કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૮,૦૦,૦૦૦ના વાયર સામેલ છે.

આ સાઇટ પર તા. ૦૧/૦૭ થી તા. ૩૦/૦૭ દરમિયાન તસ્‍કરો આ ચોરીને અંજામ આપી ગયાનું જણાયુ હતું. પ્રાથમિક તબક્કે આસપાસમાં તથા મજૂરો અને ચોકીદારોની પૂછપરછ બાદ કોઈ પત્તો ન લાગતાં આખરે ઉર્મિતભાઈ મોરીધરાએ તાલુકા પોલીસ મથકે રૂબરૂ પહોંચી પીઆઇ એસ. આર. મેઘાણી સમક્ષ વિગતો જણાવતાં તેમની સુચનાથી હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ પીએસઆઇ બી.અ ાર. ભરવાડ અને ટીમે હાથ ધરી હતી. આ દરમિયાન બે શકમંદ પોલીસના હાથમાં આવી જતાં ભેદ ઉકેલાઇ જવાની અણી પર છે. મુદ્દામાલ રીકવર કરવાની તજવીજ થઇ રહી છે.

(2:59 PM IST)