તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 15th April 2026
રાજકોટમાં કોંગ્રેસના 'કિલ્લેબંધી' રાજકારણનો અંત : તોડજોડના ડરથી છુપાવાયેલા 72 ઉમેદવારો મેદાનમાં પરત : ભાજપ પર દબાણના ગંભીર આક્ષેપ
ઉમેદવારી પાછી ખેંચવાનો સમય પૂરો થતા જ કોંગ્રેસના તમામ યોદ્ધાઓ રાજકોટ પરત ફર્યા : શહેર પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ OBC અને SC ઉમેદવારોને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા હોવાનો કર્યો ધડાકો

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના પક્ષ પલટાની આશંકા અને ભાજપના સંભવિત 'ઓપરેશન લોટસ' સામે કોંગ્રેસે રચેલી અભેદ્ય કિલ્લેબંધીનો આજે સત્તાવાર અંત આવ્યો છે. ફોર્મ ખેંચવાની મુદત પૂર્ણ થતાં જ કોંગ્રેસે સલામતીના કારણોસર અજ્ઞાત સ્થળે મોકલેલા પોતાના તમામ 72 ઉમેદવારોને ફરી રાજકોટના રાજકીય મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવારો પરત ફરતા જ ચૂંટણી પ્રચારમાં નવો પ્રાણ ફૂંકાયો છે.
ભાજપ ડરના કારણે તોડજોડની રાજનીતિ કરે છે - શહેર કોંગ્રેસ પ્રમુખ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચારી શાસનને લોકો હવે ઓળખી ગયા છે. ચૂંટણીમાં પરાજયના ડરથી ભાજપ લોકશાહી ઢબે લડવાને બદલે તોડજોડ અને દબાણની રાજનીતિ પર ઉતરી આવ્યું છે. અમારા ઉમેદવારોને ડરાવવા અને દબાવવા માટે પરિવારજનો તથા સગા-સંબંધીઓ મારફતે સંપર્ક કરી માનસિક દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને OBC અને SC બેઠક પરના ઉમેદવારોને ભાજપે સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા હતા, પરંતુ કોંગ્રેસની મજબૂત રણનીતિને કારણે ભાજપના ઈરાદાઓ બર આવ્યા નથી.
6 ગ્રુપ અને 6 મુખ્ય આગેવાનોની દેખરેખ:
કોંગ્રેસની રણનીતિ મુજબ, 72 ઉમેદવારોને અલગ-અલગ સ્થળોએ રાખવામાં આવ્યા હતા અને દરેક ગ્રુપ સાથે પક્ષના એક મુખ્ય આગેવાન સતત સંપર્કમાં રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવામાં આવી હતી. જોકે, આ દરમિયાન સંગઠનના અન્ય કાર્યકરો અને આગેવાનોએ પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું હતું અને અત્યાર સુધીમાં 18 પૈકી 12 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો પણ ધમધમતા કરી દેવામાં આવ્યા છે.
લોકશાહી ઢબે લડવા પડકાર:
ડો. રાજદિપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપે સત્તાના જોરે ઉમેદવારોને છેડવાનું બંધ કરી મજબૂતાઈથી લોકશાહી ઢબે ચૂંટણી લડવી જોઈએ. જનતા જે પણ જનાદેશ આપશે તે અમને શિરોમાન્ય રહેશે અને ભાજપે પણ તે સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. જો આગામી દિવસોમાં પણ ભાજપ દ્વારા અમારા ઉમેદવારોને કોઈ પણ પ્રકારે પરેશાન કરવામાં આવશે, તો કોંગ્રેસ એ જ ભાષામાં જવાબ આપવા સક્ષમ છે. હવે જ્યારે તમામ ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે કોંગ્રેસ રાજકોટની જનતા વચ્ચે જઈને ભાજપના શાસન વિરુદ્ધ આક્રમક પ્રચાર કરશે.
(10:10 PM IST)










