તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
શહેરમાં રોગચાળાનો ભરડોઃ એક જ અઠવાડિયામાં તાવ-શરદીના ૧૩૦૦થી વધુ કેસ
સાત દિવસમાં શરદી-ઉધરસના ૬૭૪, સામાન્ય તાવના ૬૩૩ અને ઝાડા-ઉલટીના ૧૯૮ કેસ નોંધાયાઃ ડેન્ગ્યુના વધુ ૨ કેસ સાથે વર્ષનો આંક ૨૬એ પહોંચ્યોઃ મચ્છર ઉત્પત્તિ બદલ ૩૨૨ ને નોટિસ

રાજકોટ તા.૧૪: શહેરમાં બદલાતા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય અને અન્ય રોગચાળાએ ચિંતા વધારી છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના તા. ૭ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીના આંકડા મુજબ માત્ર એક અઠવાડિયામાં શરદી-ઉધરસના ૬૭૪ અને સામાન્ય તાવના ૬૩૩ મળી કુલ ૧,૩૦૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઉલટીના ૧૯૮ કેસ, ટાઈફોઈડના ૩ અને કમળાનો ૧ કેસ સામે આવ્યો છે.
મચ્છરજન્ય રોગોમાં પણ ડેન્ગ્યુનો ડંખ યથાવત રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુના ૨ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધી ડેન્ગ્યુના કુલ ૨૬ કેસ, મેલેરિયાના ૧૦ કેસ અને ચિકુનગુનિયાનો ૧ કેસ નોંધાયો છે. જોકે આ અઠવાડિયામાં મેલેરિયા અને ચિકુનગુનિયાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. તા. ૭થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ફિલ્ડ વર્કર, અર્બન આશા અને MPHW દ્વારા શહેરના ૮૬,૦૩૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી, જ્યારે ૬૧૪ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેડ ફોગિંગ મશીન દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે.
મચ્છરના પોરા અને ઉત્પત્તિસ્થાન સામેની તપાસમાં આરોગ્ય તંત્રએ રહેણાંક ઉપરાંત ૪૧૯ જેટલા બાંધકામ સ્થળો, શાળા, હોસ્પિટલ, હોટેલ, ઉદ્યોગ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિતના પ્રિમાઇસીસની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન મચ્છર ઉત્પત્તિ મળી આવતાં ૨૫૧ રહેણાંક આસામીઓ તથા ૭૧ કોમર્શિયલ આસામીઓ મળી કુલ ૩૨૨ ને નોટિસ ફટકારવામાં આવી છે. બાયલોઝ અંતર્ગત જવાબદાર આસામીઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા સર્વેલન્સ અંતર્ગત અઠવાડિયા દરમિયાન ૨,૭૫,૭૭૩ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ૬,૨૦૨ ક્લોરીન ટેબ્લેટ અને ૧,૧૨૨ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા પાણીની ગુણવત્તા ચકાસવા ૨,૭૯૬ આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષના કુલ આંકડા પર નજર કરીએ તો શહેરમાં અત્યાર સુધીમાં શરદી-ઉધરસના ૨૮,૪૨૩, સામાન્ય તાવના ૨૬,૯૭૯ અને ઝાડા-ઉલટીના ૧૦,૧૭૦ કેસ નોંધાઈ ચૂકયા છે. આ ઉપરાંત ટાઈફોઈડના ૩૫ અને કમળાના ૩૯ કેસ નોંધાયા છે. મરડો અને કોલેરાનો અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી.
શહેરમાં રોગચાળાના વધતા કેસ વચ્ચે મહાનગરપાલિકાએ નાગરિકોને ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા, પાણીના પાત્રો નિયમિત સાફ કરવા અને મચ્છર ઉત્પત્તિના સ્થળો ન સર્જાય તે માટે સાવચેતી રાખવા અપીલ કરી છે.(૨.૧૪)
(3:02 PM IST)










