<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

વેરામાં વ્‍યાજ માફીના ઠરાવ મુદ્દે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ સામસામે

મુદ્દલથી વધુ વ્‍યાજ નહીં વસૂલવાના અધ્‍યક્ષ સ્‍થાનેથી થયેલા ઠરાવનો અમલ અધ્‍ધરતાલઃ યોજનાની મુદ્દત પૂર્ણ છતાં વ્‍યાજ માફી યથાવત્‌ રાખતાં સેંકડો કરદાતાઓમાં મૂંઝવણ

રાજકોટ, તા.૭: રાજકોટ મહાનગરપાલિકાના મિલકતવેરા અને પાણીવેરામાં પાંચ-પાંચ હજાર રૂપિયા મળી કુલ રૂ.૧૦ હજાર સુધીની વ્‍યાજમાફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ત્‍યારબાદ અધ્‍યક્ષસ્‍થાનેથી મહત્ત્વપૂર્ણ ઠરાવ કરીને બાકી વેરાની મુદ્દલ રકમ કરતાં વ્‍યાજની રકમ વધુ હોય તો મુદ્દલ જેટલું જ વ્‍યાજ વસૂલવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું. જોકે, આ ઠરાવનો આજદિન સુધી અમલ શરૂ નહીં થતાં સેંકડો કરદાતાઓ મુશ્‍કેલીમાં મુકાયા છે. આ મુદ્દે શાસકો અને અધિકારીઓ વચ્‍ચે મતભેદ સર્જાયાનું મ્‍યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું બાકી લેણું વસૂલ થાય અને વર્ષોથી બાકી વેરો ધરાવતા કરદાતાઓને રાહત મળે તેવા હેતુથી પદાધિકારીઓ દ્વારા મુદ્દલ કરતાં વધુ વ્‍યાજ નહીં વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. આમ છતાં, આ નિર્ણયને અમલમાં મૂકવા માટે જરૂરી વ્‍યાજની ગણતરીની ફોર્મ્‍યુલા કે સોફ્‌ટવેરમાં જરૂરી જોગવાઈ હજુ સુધી કરવામાં આવી નથી. પરિણામે અનેક કરદાતાઓ ઇચ્‍છા હોવા છતાં સંપૂર્ણ બાકી વેરો ભરપાઈ કરી યોજનાનો લાભ લઈ શકતા નથી.

મ્‍યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, ઉચ્‍ચ અધિકારીઓ સાથે પૂરતી ચર્ચા કે પરામર્શ કર્યા વિના અધ્‍યક્ષસ્‍થાનેથી આ ઠરાવ કરવામાં આવ્‍યો હોવાના કારણે અધિકારી વર્ગમાં નારાજગી પ્રવર્તી રહી છે. તેના પરિણામે ઠરાવના અમલની પ્રક્રિયા આગળ વધી નથી. બીજી તરફ, પદાધિકારીઓ દ્વારા કરદાતાઓને લાભ આપવાના હેતુથી કરવામાં આવેલા ઠરાવનો અમલ કેમ થતો નથી તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

શહેરના અનેક કરદાતાઓ મુદ્દલ કરતાં વધુ વ્‍યાજ માફ થાય તો એકસાથે સંપૂર્ણ બાકી વેરો ભરવા તૈયાર હોવાનું જાણવા મળે છે. પરંતુ નવી ગણતરીની વ્‍યવસ્‍થા અમલમાં નહીં આવતા આવા કરદાતાઓને હજુ રાહ જોવી પડી રહી છે. તેના કારણે મહાનગરપાલિકાને થનારી બાકી વેરાની આવક પણ અટવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ, વ્‍યાજમાફી યોજનાની સત્તાવાર મુદ્દત તા.૩૦ સપ્‍ટેમ્‍બરે પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં તેની અમલવારી હાલ પણ ચાલુ રાખવામાં આવી છે. યોજનાની મુદ્દત લંબાવવાની પૂર્વમંજૂરીની અપેક્ષાએ કરદાતાઓને વ્‍યાજમાફીનો લાભ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં યોજનાની મુદ્દત સત્તાવાર રીતે લંબાવવા માટે સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ દરખાસ્‍ત રજૂ કરવામાં આવે તેવી શકયતા છે.

એક તરફ મુદ્દત પૂર્ણ થયેલી વ્‍યાજમાફી યોજનાની અમલવારી ચાલુ રાખવામાં આવી છે, જ્‍યારે બીજી તરફ અધ્‍યક્ષસ્‍થાનેથી થયેલા મુદ્દલ જેટલું જ વ્‍યાજ વસૂલવાના ઠરાવનો અમલ કરવામાં આવ્‍યો નથી. આ વિરોધાભાસી સ્‍થિતિને કારણે સેંકડો કરદાતાઓમાં ભારે મૂંઝવણ અને નારાજગી જોવા મળી રહી છે. હવે મહાનગરપાલિકાનું તંત્ર જરૂરી કેલ્‍કયુલેશન ફોર્મ્‍યુલા અને સોફ્‌ટવેરની જોગવાઈ કરીને ઠરાવનો અમલ કયારે શરૂ કરે છે તેના પર કરદાતાઓની નજર મંડાઈ છે.

(3:22 PM IST)