તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 2nd June 2026
રાજકોટમાં બાળકો માટેની એક્સપાયરી 200 કિલો અખાદ્ય ચોકલેટ,વેફલ્સ, પેપ્સી વગેરે ચીજોનો જથ્થો ઝડપી નાશ કરતું ફુડ વિભાગ
લાતી પ્લોટના “ડાયમંડ સ્ટોર”માં ફૂડ વિભાગની કાર્યવાહી; ફૂડ લાઇસન્સ અને GST વગર હોલસેલ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું

રાજકોટ : આજે બપોરના રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લાતી પ્લોટ, સદ્દગુરુ નગર શેરી નં.4, કુવાડવા રોડ, રાજકોટ મુકામે આવેલ "ડાયમંડ સ્ટોર" પેઢીની તપાસ કરતા પેઢીમાં ચોકલેટ, વેફલ્સ, હાર્ડ કન્ફેક્ક્ષ્નરી, સોફ્ટ કન્ફેક્ક્ષ્નરી, પ્લાસ્ટિકની લાંબી થેલીમાં પેપ્સી તરીકે વેચાતી સિરપ, ફેન્સી રમકડાની પેકિંગમાં આવતી પીપરમેંટ વિગેરે કે જે મોટા ભાગે બાળકો વપરાશ કરતાં હોય તેવી ખાદ્યચિજોનું હોલસેલ વેચાણ થતું જોવા મળેલ. જે વેચાણ માટે સંગ્રહ કરેલ ઉક્ત ખાદ્યચીજોમાં એક્સપાયરી ડેટ ચકાસતા એક મહિના પહેલાથી માંડીને એક વર્ષ પહેલા એક્સપાયર ડેટ વીતેલ હોય તેવી ચોકલેટ, વેફલ્સ, કન્ફેક્ક્ષ્નરી, લિક્વિડ પેપ્સી વિગેરે કુલ આશરે 200 કી.ગ્રા. સ્થળ પર જોવા મળેલ. સદર પેઢીના માલિક નિલેષભાઈ જગદીશભાઇ પોપટને સ્થળ પર પૂછપરછ કરતાં તેઓ ફૂડ લાઇસન્સ કે GST સર્ટિ. ધરાવતા ન હોવાનું જણાવેલ. જે અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. પેઢી દ્વારા સદર ખાદ્યચીજો રાજકોટ આસપાસના સ્લમ વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં કરિયાણાની દુકાન વિગેરે જેવા સ્થળે હોલસેલ વેચાણ કરતા હોવાનું જણાવેલ. વેંચાણ માટે રાખેલ જથ્થામાથી ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ અલગ અલગ 4 પ્રકારની ચોકલેટ/કન્ફેક્ક્ષ્નરીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ.
ઉપરાંત સદરહુ એક્સપાયર ડેટ વીતેલ હોય તેવી ચોકલેટ, વેફલ્સ, કન્ફેક્ક્ષ્નરી, લિક્વિડ પેપ્સી વિગેરે કુલ આશરે 200 કી.ગ્રા. જથ્થો માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તમામ આશરે 200 કી.ગ્રા જથ્થો સ્થળ પર SWM શાખાના વાહન દ્વારા નાશ કરવામાં આવેલ.
(6:59 PM IST)










