News of Thursday, 9th July 2026
શહેરમાં ફટાકડા માફક ભડાકા થાય છે, કાયદો વ્યવસ્થા કડક બનાવો : ક્ષત્રિય ગિરાસદાર સેના

રાજકોટ તા. ૯ : ક્ષત્રિય ગિરાસદાર સેનાના ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), એડવોકેટ ઈન્દુભા રાઓલ (લાખણકા), વીરભદ્રસિંહ જાડેજા (ઘનશ્યામપુર ખોખરી), પૂર્વ ફોજી નટુભા ઝાલા (વનાળા)ની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ બની છે. શહેરમાં ફટાકડાની માફક ભડાકા થઇ રહ્યા છે. ગઈકાલે રાત્રે નાના મૌવા ખાતે નજીવા ઝઘડમાં અંધાધુંધ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી ગરાસીયા યુવાનની હત્યાની ઘટના અને શાપર પાસે તાજેતરમાં થયેલી લૂંટ અને ધાડની ઘટનાને ક્ષત્રિય ગિરાસદાર સેના સખત શબ્દોમાં વખોડે છે.
વધુમાં આક્રોશભેર જણાવ્યુ છે કે રાજકોટમાં ખાખીનો ખોફ ઓસરી ગયો છે. શહેરમાં ચણા મમરાની જેમ દેશી તમંચાઓ અને હથિયારો વેચાતા રહે છે અને સપ્લાયર થતા રહે છે. દેશી તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને આધુનિક હથિયારો સાથે લુખ્ખાઓ પોલીસના હાથે પકડાતા રહે છે. જે રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ તંત્રના રેકોર્ડ પર મૌજુદ છે. આ હથિયારો કોણ સપ્લાય કરે છે અને કયાંથી આવે છે. તેની ઊંડી તપાસ કરવામાં પોલીસ ઉણી ઉતરી હોવાના પગલે આ પ્રકારની ઘટનાઓ શહેર અને જિલ્લામાં બનતી રહે છે. નજીવી બાબતે ટોળા સાથે હુમલો કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. રાજકોટમાં ચાલી રહેલા ગુંડારાજ અને લુખ્ખાઓના આતંક સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ કશું બોલતા નથી તેવા સવાલો ક્ષત્રિય ગિરાસદાર સેના (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ના આગેવાનોએ સંયુકત યાદીના માધ્યમથી ઉઠાવ્યા છે.
(2:57 PM IST)










