News of Monday, 14th September 2026
પડધરી પંથકની યુવતિને બ્લેકમઇલ કરનારા ફેસબૂક ફ્રેન્ડ અફઝલને જયપુરથી ઝડપી લેવાયો
ફેકબૂક ફ્રેન્ડ બનાવી યુવતિના ફોટા-૭ સેકન્ડનો વિડીયો મેળવી અશ્લીલ ચેટ કરવા દબાણ કરતો હતો : એસપી વિજયસિંહ ગુર્જરની રાહબરીમાં ગ્રામ્ય સાયબર ક્રાઇમ પીઆઇ આર. જે. ગોધમ, પડધરી પીઆઇ એમ. જી. ચોૈહાણ અને ટીમની કામગીરીઃ હાલ જયપુર રહેતો આરોપી મુળ યુપીનો વતની : યુવતિનો પાસવર્ડ મેળવી તેણીના ૩૦ સગાનું ગ્રુપ બનાવી તેમાં યુવતિનો અને અન્ય શખ્સનો ફોટો મુકી અશ્લીલ લખાણ વહેતુ કરી દીધુ હતું

રાજકોટ તા. ૧૪: ગ્રામ્ય સાયબર ક્રાઇમ અને પડધરી પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત કામગીરી કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને બ્લેકમેઇલ કરવાના અને તેના એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરવાના ગંભીર ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પડધરી પંથકની યુવતિને આરૂશ ઇદ્રીશીના નામથી ફેસબૂક ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ફ્રેન્ડ બનાવી બાદમાં તેણી સાથે વાતો કરી તેના ફોટા અને સાતેક સેકન્ડનો વિડીયો મેળવી લઇ તેણીને અશ્લીલ ચેટ કરવા દબાણ કરી બ્લેકમેઇલ કરી તેણીના સગા સંબંધીઓનું એક ગ્રુપ બનાવી તેમાં ફોટા અને બીભત્સ લખાણ વાયરલ કરી દેવાયુ હતું. આ ગુનામાં આરોપીને જયપુરથી ઝડપી લેવાયો છે. જે મુળ યુપીનો વતની છે.
પડધરી પોલીસમાં ભોગ બનનાર યુવતિના ભાઇની ફરિયાદ પરથી ગુનો દાખલ થયા બાદ પોલીસે ટેકનિકલ તપાસના આધારે આરોપી અફઝલ અહેમદ શાહબુદીન ઇદ્રીસીને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે.
આરોપી મૂળ ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના ભીમગામ તાલુકાના ગુરૂવાહ ગામનો વતની છે.
આ ઘટનાની વિગત મુજબ આશરે સાત મહિના અગાઉ આરોપીએ ફેસબુક પર આરૂશ ઇદ્રીશીૅ નામના આઇડી પરથી ફરિયાદી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.
યુવતીએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ આરોપીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ દ્વારા સંપર્ક કેળવીને વાતો શરૂ કરી હતી. ત્યારબાદ તેણે યુવતીના ફોટા અને ૭ સેકન્ડનો વીડિયો મેળવી લીધો હતો અને અશ્લીલ ચેટ કરવા માટે દબાણ કર્યું હતું.
યુવતીએ ઇનકાર કરતા આરોપીએ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.
આટલેથી તે ન અટકતાં યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ મેળવી પોતાના ફોનમાં લોગિન કર્યું હતું અને તેના ૩૦ જેટલા સંબંધીઓનું ગ્રુપ બનાવી તેમાં અશ્લીલ તથા અપમાનજનક લખાણ અને ફોટા મૂકીને માનસિક ત્રાસ આપ્યો હતો. આ મામલે પડધરી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ તથા આઇટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતા ધ્યાને લઇ નાયબ પોલીસ મહાનિરીક્ષક (રાજકોટ રેન્જ) નિલિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પી.આઇ. આર. જે. ગોધમ, પી.એસ.આઇ. એ. એન. કામળીયા, હેડ કોન્સ્ટેબલ રવીભાઇ ચાવડા અને વૈભવભાઇ ગોહેલ તેમજ પડધરી પી.આઇ. એમ. જી. ચૌહાણ, કોન્સ્ટેબલ અરવીંદભાઇ બારૈયા, સંજયભાઇ ઓતરાજીયા, નિકુંજભાઇ વૈષ્ણવ અને વિજયભાઇ સરવૈયાની ટીમે ડિજિટલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી આરોપીને જયપુરથી દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.
(3:07 PM IST)










