તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 5th September 2026
રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી 'એરફોર્સ'ના બોગસ અધિકારીએ યુવતી સાથે ૧.૯૫ લાખની ઠગાઈ આચરી
સૂર્યકિરણ ટુકડીના સ્ક્વોડ્રન લીડર તરીકે ઓળખ આપી ગાંધીનગરના સિસ્ટમ એન્જિનિયર યુવતી પાસેથી રૂપિયા પડાવ્યા: રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો

રાજકોટ: શહેરના માધાપર ચોક નજીક આવેલી અવધ રેસિડેન્સીમાં રહેતી અને ગાંધીનગર ખાતે સિસ્ટમ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય યુવતી દિશાબા પ્રવિણસિંહ પરમાર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્ડિયન એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી ૧,૯૫,૦૦૦ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે યુવતીએ અગાઉ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ કર્યા બાદ હવે ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
વિગતો મુજબ ફરિયાદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર prateek7539 નામની આઈડી ધરાવતા પ્રતિક ભાદ્રવાજ નામના શખ્સને ફોલો કરતા હતા. આરોપી પ્રતિક ભાદ્રવાજે પોતાની ઓળખ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમમાં ફ્લાઈંગ બ્રાન્ચમાં સ્ક્વોડ્રન લીડર તરીકે કર્ણાટક ખાતે ફરજ બજાવતા હોવાનું જણાવી મિત્રતા કેળવી હતી. દિશાબાને વાયુસેનામાં જોડાવવાનો શોખ હોવાથી આરોપીએ ઈન્ટરનલ સેટિંગ કરીને નોકરી અપાવી દેવાની ખાતરી આપી હતી અને વોટ્સએપ મારફતે ફરિયાદીના ઓળખ પુરાવા, માર્કશીટ તથા ફોટો સહિતના શૈક્ષણિક અને વ્યક્તિગત દસ્તાવેજો મંગાવી લીધા હતા. ત્યારબાદ નોકરીની પ્રોસેસિંગ ફી તથા બેકગ્રાઉન્ડ ચેક ફેલ થવાનું બહાનું બતાવી ઉપરી અધિકારીઓને નાણાં આપવાના નામે તબક્કાવાર રકમની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ પોતાના પેટીએમ, એમેઝોન પે અને બેંક ટ્રાન્સફર મારફતે મે-૨૦૨૬ થી જુલાઈ-૨૦૨૬ દરમિયાન કટકે કટકે કુલ ૧,૯૫,૦૦૦ રૂપિયા રાજકોટ નાગરીક સહકારી બેંકના એક ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.
રૂપિયા ચૂકવ્યા છતાં નોકરી અંગેનો કોઈ જ અધિકૃત એપોઈન્ટમેન્ટ લેટર ન મળતા અને સામે પક્ષેથી વધુ નાણાંની માંગણી ચાલુ જ રહેતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્ટાગ્રામ આઈડી ધારક આરોપી પ્રતિક ભાદ્રવાજ સામે આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એએસઆઈ એસ.જે. ઠાકરે પીઆઇ કે.કે. ગોહિલની રાહબરીમાં તપાસ હાથ ધરી છે.
(8:40 PM IST)










