<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

એડવોકેટ ભવ્‍ય ગરસોંદીયા સાથે શેરબજારમાં રોકાણના નામે કુટુંબી ભાઇ પ્રિન્‍સ ભૂતની ૬૨.૭૮ લાખની ઠગાઇ

કુવાડવા રોડ પર શ્રીનાથ પાર્કમાં રહેતાં યુવાનની જમ્‍મુ કાશ્‍મીરના પ્રવાસ વખતે કુટુંબી મામાના દિકરા પ્રિન્‍સ સાથે મુલાકાત થતાં પ્રિન્‍સે રોકાણ પર નફાની લાલચ આપી કટકે કટકે નાણા ઉસેડી લીધા : ૬૪.૬૦ લાખનું રોકાણ કર્યુ તેની સામે માત્ર ૧,૮૨,૦૦૦ પાછા દીધાઃ બાકીની રકમ ન ચુકવી દુબઇ ભાગી ગયોઃ ઇઓડબલ્‍યુ પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઇ

રાજકોટ તા. ૧૬: શહેરમાં રહેતા અને વકીલાતનો વ્‍યવસાય કરતા એક યુવાન સાથે તેના જ કૌટુંબિક મામાના દિકરાએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂા. ૬૨,૭૮,૦૦૦ની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ બનાવમાં ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં કુવાડવા રોડ રામ પાર્કની પાછળ શ્રીનાથ પાર્ક-૨માં રહેતાં અને વકીલાત કરી ગુજરાન ચલાવતાં ભવ્‍યભાઇ જયેશભાઇ ગરસોંદીયા (ઉ.વ.૨૫) નામના યુવાનની ફરિયાદ પરથી મોરબી રોડ એચપી પેટ્રોલ પંપ પાસે પંચવટી સોસાયટી-૨માં રહેતાં તેના કુટુંબી મામાના દિકરા પ્રિન્‍સ લાલજીભાઇ ભૂત વિરૂધ્‍ધ રૂા. ૬૨,૭૮,૦૦૦ની છેતરપીંડીનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. પ્રિન્‍સે શેર બજારમાં રોકાણ કરવાનું કહી સારા વળતરની લાલચ આપી રકમ મેળવી લીધી હતી અને બાદમાં વિદેશ ભાગી ગયો હતો. 

ફરિયાદની વિગત મુજબ ફરિયાદી ભવ્‍યભાઇ જયેશભાઇ ગરસોંદીયા જૂન ૨૦૨૪માં મિત્રો સાથે જમ્‍મુ-કાશ્‍મીર ફરવા ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમના સંપર્કમાં તેમના કૌટુંબિક મામાનો દીકરો પ્રિન્‍સ લાલજીભાઈ ભુત આવ્‍યો હતો. પ્રિન્‍સે ભવ્‍યભાઈને જણાવ્‍યું હતું કે તે શેરબજારનું કામ કરે છે અને તેમાં રોકાણ કરવાથી ખૂબ જ સારું વળતર મળે છે. સગો ભાઈ થતો હોવાથી ભવ્‍યભાઈએ તેના પર વિશ્વાસ મૂકયો હતો.

આરોપી પ્રિન્‍સ ભુતે નાના મૌવા સર્કલ પાસે શ્રી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ નામે ઓફિસ ખોલી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવી જુલાઈ ૨૦૨૪ થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ તારીખે પોતાના ખાતામાંથી ગુગલ-પે મારફતે રૂપિયા ૭,૫૫,૦૦૦, દાદા દિનેશભાઈના ખાતામાંથી રૂા. ૮૦,૦૦૦, ભાઈ હિતભાઈના ખાતામાંથી રૂા. ૧૫,૦૦૦ તેમજ વિવિધ સ્‍થળોએ રોકડા સ્‍વરૂપ ૫૬,૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૪,૬૦,૦૦૦ ની માતબર રકમ પ્રિન્‍સને સોંપી હતી.

આ પછી પ્રિન્‍સે ફરિયાદી ભવ્‍યભાઇનો વિશ્વાસ જળવાઈ રહે તે માટ શરૂઆતમાં કટકે-કટકે ૧,૮૨,૦૦૦ પરત આપ્‍યા હતા. ભવ્‍યભાઈએ મોટી રકમ આપી હોવાથી સીકયુરીટી માંગતા તેની સામે પ્રિન્‍સે પોતાના ખાતાનો રૂપિયા ૨૬ લાખનો અને તેના સગા સુધાબેન ભુતના ખાતાનો રૂા. ૩૫ લાખનો ચેક આપ્‍યો હતો. મે ૨૦૨૫માં અચાનક પ્રિન્‍સ ભુતે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. ભવ્‍યભાઈએ તપાસ કરતા જાણવા મળ્‍યું કે પ્રિન્‍સ ભારત છોડીને દુબઈ જતો રહ્યો છે. લાંબો સમય રાહ જોયા બાદ અને નાણાં પરત ન મળતા આખરે ભવ્‍યભાઈએ બેંક સ્‍ટેટમેન્‍ટ, વોટ્‍સએપ ચેટ અને ગુગલ-પેના સ્‍ક્રીનશોટ જેવા પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં રાજકોટ આર્થિક ગુન્‍હા નિવારણ શાખાના એ.એસ.આઇ અજયભાઈ જીવકુભાઈએ આ મામલે ગુનો દાખલ કરતાં પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં વિશેષ તપાસ શરૂ થઇ છે.

(3:36 PM IST)