<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ગોંડલના ફરીદ, મહેબુબ, હસમુખને આઇશરમાં ૧૦.૯૪ લાખના ગાંજા સાથે ડીસીબીએ દબોચ્‍યા

બામણબોર પાસે બાતમીને આધારે કાર્યવાહીઃ મગફળી, સીંગદાણાના બાચકા પાછળ ૧૧ પાર્સલમાં ગાંજો છુપાવ્‍યો હતો : મુળ ગોંડલના જાવિદ અને સલમાને સુરતના વ્‍યારાથી ગોંડલ પહોંચાડવા ગાંજો આપ્‍યો હતોઃ આ ટ્રીપનું ૩૦ હજાર ભાડુ નક્કી થયું હતું: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઇ એમ. એસ. રાણા, વી. ડી. ડોડીયા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૩૧: શહેરમાં વધુ એક વખત માદક દ્રવ્‍યોની હેરાફેરીની પર્દાફાશ થયો છે. તાજેતરમાં એસઓજીની ટીમે અને પ્ર.નગર પોલીસની ટીમે હાઇબ્રીડ ગાંજાના કેસ કર્યા હતાં. દરમિયાન હવે ક્રાઇમ બ્રાંચે ગાંજા સાથે ગોંડલના ત્રણ શખ્‍સોને બામણબોર પાસે દબોચી લીધા છે. જેમાં સુરતના યારાથી ગાંજાનો આ જથ્‍થો આપી જનારા મુળ ગોંડલના બે શખ્‍સોના પેડલર તરીકે નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાંં આવી છે. ડીસીબીની ટીમે બામણબોર પાસે બાતમીને આધારે વોચ રાખી આઇશર ટ્રકમાં ૧૦.૯૪ લાખના ગાંજા સાથે આવી રહેલા ગોંડલના ત્રણ શખ્‍સોને પકડી લઇ કુલ રૂા. ૨૭.૩૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં યુવાધન માદક દ્રવ્‍યોના દુષણથી દુર રહે અને આવા પદાર્થોનું વેંચાણ, સેવન, હેરાફેરી ન થાય તે માટે સે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ અંતર્ગત ડીસીબી (ક્રાઇમ બ્રાંચ)ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ પીએસઆઇ એસ. એમ. રાણા, કોન્‍સ. નિકુંજભાઇ મારવીયાને બાતમી મળી હતી કે હસમુખ અગ્રાવત, મહેબૂબ દોઢડીયા અને ફરીદ બ્‍લોચ નામના ત્રણ શખ્‍સો સફેદ રંગના આઇશરમાં ગાંજો છુપાવીને અમદાવાદ રાજકોટ હાઇવે પરથી ચોટીલા તરફ આવી રહ્યા છે.

આ બાતમીને આધારે ટીમે બામણબોર   ચેક પોસ્‍ટ પર વોચ રાખી હતી. એ દરમિયાન જીજે૦૬એવી-૩૦૦૦ નંબરની આઇશર આવતાં તેને આંતરી લેઇ તપાસ કરતાં  અંદર ત્રણ શખ્‍સો બેઠેલા હતાં. તેના નામ પુછતાં ડ્રાઇવીંગ સીટ પર બેઠેલા શખ્‍સે પોતે ફરીદ મેરાજભાઇ બ્‍લોચ (ઉ.વ.૨૭-ધંધો ડ્રાઇવીંગ, રહે. બરકતી પરા, ખેતલાબાપા ચોક, ઘોઘાવદર રોડ, ગોંડલ) હોવાનું કહ્યું હતું. તેની સાથે અન્‍ય બે શખ્‍સો હોઇ તેની પુછતાછ કરતાં પોતાના નામ મહેબુબ આદમભાઇ દોઢીયા (ઉ.વ.૫૮-ધંધો ડ્રાઇવીંગ, રહે. વોરા કોટડા રોડ, પંજપીરની ધાર પાસે કેજીએન મસ્‍જીદ નજીક ગોંડલ) તથા હસમુખ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ.૪૬, ધંધો ડ્રાઇવીંગ, રહે. રૈયાણીનગર, સમર્પણ સ્‍કૂલ પાસે, વોરા કોટડા રોડ, અવધ મકાન, ગોંડલ) જણાવ્‍યા હતાં.

આ શખ્‍સો પાસે ગાંજો હોવાની બાતમી હોઇ પોલીસે ઠાઠામાં તપાસ કરતાં શણના કોથળા ભરેલા હતાં. જેમાં મગફળી, સીંગદાણા હતાં. આ બોરીઓ હટાવીને જોતાં વચ્‍ચે સફેદ કલર અને પીળા કલરના બાચકા દેખાયા હતાં. જેને સેલોટેપથી પેક કરેલા હતાં. આવા ૧૧ પાર્સલ ખોલીને જોતાં અંદરથી માદક પદાર્થ ગાંજો મળી આવ્‍યો હતો. એફએસઅલ અધિકારીએ તે ગાંજો હોવાનો અભિપ્રાય આપ્‍યો હતો. પોલીસે કુલ રૂા. ૧૦,૯૪,૬૦૦નો ૨૧.૮૯૨ કિલોગ્રામ ગાંજો, ૩ મોબાઇલ ફોન, રોકડા ૧૦૦૦, ૭ લાખનું આઇશર, ૯,૬૫,૧૬૦ના મગફળી-સીંગદાણા મળી કુલ ૨૭,૭૨,૭૬૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

ઝડપાયેલાઓની પુછતાછ થતાં મહેબુબ અને હસમુખે કહ્યું હતું કે ગોંડલના જાવીદ મકરાણી અને સલમાન બ્‍લોચે તેમને સુરતના વ્‍યારા ખાતે કાઠીયાવાડી હોટેલ નજીકથી આ ગાંજાનો જથ્‍થો આપ્‍યો છે અને એક ટ્રીપ બદલ રૂા. ૩૦ હજાર ભાડુ આપશે તેમ કહ્યું હતું. ગોડલના માર્કેટ યાર્ડ પહેલા જાવીદ નામનો શખ્‍સ કોન્‍ટેક્‍ટ કરી આ પાર્સલ લઇ જશે તેમ કહ્યું હતુ. પોલીસે હાલ ફરીદ, મહેબુબ, હસમુખને પકડી લઇ ગોંડલના જાવીદ અને સલમાન બ્‍લોચની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને પીએસઆઇ એમ. એસ. રાણા, પીએસઆઇ વી. ડી. ડોડીયા, ઘનશ્‍યામભાઇ મેણીયા, ભરતભાઇ વનાણી, અમીતભાઇ ટુંડીયા, ધારાભાઇ વાનરીયા, વિજુભા જાડજા, કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજા, પોપટભાઇ ગમારા, રઘુવીરસિંહ જાડેજા, ડ્રા.કોન્‍સ. રામશીભાઇ કળોતરા સહિતની ટીમે આ કામગીરી કરી છે.

(3:49 PM IST)