તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
કોઠારીયામાં ૨૫ લાખની ઉઘરાણી મામલે ખેડુત, તેમના દિકરા, ભાઇ પર છરી-ધોકા-પાઇપથી હુમલો
નિલેષભાઇ પરસાણાએ ૫૫ લાખમાં ૬ પ્લોટ વેંચ્યા'તા તેના ૩૦ લાખ ચુકવાયા હતાં બાકીની રકમ ખરીદનાર દ્વારા અપાતી ન હોઇ વારંવાર ઉઘરાણી કરતાં ડખ્ખો યોગેશ રાજગોર, અજય રાજગોર, ચિરાગ વાઘેલા, નિલદીપ તૂટી પડયાઃ આજીડેમ પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૧: શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં પ્લોટ વેચાણના બાકી નીકળતા ૨૫ લાખ રૂપિયાની ઉઘરાણી કરતાં ખેડુત, તેમના દિકરા અને ભાઇ પર ચાર શખ્સોએ છરી-ધોકા-પાઇપથી હુમલો કરી માર મારી તેમજ તેના આખા ખાનદાનને સાફ કરી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા ગામ ગેઇટની બાજુમાં રાધેશ્યામ સોસાયટી-૩માં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં નિલેષભાઇ બાબુભાઇ પરસાણા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી યોગેશ રાજગોર, ચિરાગ વાઘેલા, નિલદીપ અને અજય રાજગોર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ નિલેશભાઇ પરસાણાઅએકાદ વર્ષ પહેલા યોગેશભાઈ રાજગોર નામના શખ્સને પોતાની માલિકીનો એક પ્લોટ ૫૫,૦૦,૦૦૦માં વેચ્યો હતો. જેમાંથી આરોપી યોગેશે છ મહિના પહેલા ૨૫,૦૦,૦૦૦ આપ્યા હતા, પરંતુ બાકીના ૩૦,૦૦,૦૦૦ રૂપિયા લાંબા સમયથી ચૂકવ્યા ન હતા. આ બાકી રકમ અંગે નિલેશભાઈના ભાઈ કિરીટભાઈએ આરોપી યોગેશ પાસે અવારનવાર પળચ્છા કરી પૈસાની માંગણી કરી હતી. જેનો ખાર આરોપીએ મનમાં રાખ્યો હતો.
રવિવારે ૩૧/૫ના રાત્રિના આશરે સાડા દસ વાગ્યાની આસપાસ નિલેશભાઈ ઘર નજીક આવેલી ગોપાલ ડેરી પાસે બેસવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં મોટરસાઇકલ પર બેઠેલા યોગેશ રાજગોર અને ચિરાગ વાઘેલા નામના શખ્સોએ તેમને આંતર્યા હતા અને તારો ભાઈ ફોન ઉપાડતો નથી, તેને મારે પૈસા આપવાના છે તેમ કહી ઝપાઝપી કરી-તમને બહુ હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર તમારા આખા ખાનદાનને સાફ કરી નાખીશ તેવી ધમકી આપી હતી.
ઝપાઝપી જોઈને નિલેશભાઈએ પોતાના દીકરા સત્યજીત (ઉ.વ. ૨૧), ભાઈ કિરીટભાઈ અને ભત્રીજા વિવેકને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. બીજી તરફ આરોપી યોગેશે પણ પોતાના સાગરીતો નીલદીપ, અજય રાજગોર અને ચિરાગને બોલાવી લીધા હતા. ચિરાગના હાથમાં લાકડાનો ધોકો અને નીલદીપના હાથમાં લોખંડનો પાઇપ હતો. આ ચારેયએ ગાળાગાળી કરી, ઢીકાપાટુનો માર મારવાનું ચાલુ કર્યુ હતું. ે નિલેશભાઈના ભાઈ અને દીકરો તેમને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપી યોગેશે વધુ ઉશ્કેરાઈને પોતાના પેન્ટના ખિસ્સામાંથી તીક્ષ્ણ છરી કાઢી હતી અને નિલેશભાઈના દીકરા સત્યજીતને ઘા ઝીંકયા હતા.
આ હુમલામાં સત્યજીતને જમણા હાથના અંગૂઠાના ભાગે તેમજ અંગૂઠા પાસેની બંને આંગળીઓમાં છરીના ગંભીર ઘા વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલા બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થવા લાગતા તમામ આરોપીઓ નાસી છૂટયા હતા. લોહીલુહાણ હાલતમાં સત્યજીતને તાત્કાલિક તેનો પિતરાઈ ભાઈ વિવેક પોતાની કારમાં સારવાર અર્થે મધુરમ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. જ્યારે હુમલામાં મુંઢ મારનો ભોગ બનેલા ફરિયાદી નિલેશભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ તેજપાલસિંહ જે. સરવૈયાએ ગુનો દાખલ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:43 PM IST)










