<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ન્‍યારી-ર ડેમને ઉંડો કરવાનું ભગીરથી કામ કરતા ખેડૂતોની વ્‍યથાઃ સિંચાઇની મંજુરી છતા ખાણ-ખનીજે સાધનો જપ્ત કર્યા

૩૩ જેટલા ખેડૂતો અને ૧૦૦ ટકા લોકફાળો દ્વારા ડેમની સંગ્રહ ક્ષમતા વધારાઇ રહી છે : ખંઢેરીના સરપંચ અને પાંચ ગામના ખેડૂતોનું આવેદનઃ આ કોઇ ધંધાદારી ખનન નથી

રાજકોટ, તા. ર૦: રાજકોટ જિલ્લાના ખંઢેરી ગામ અને આજુબાજુના પાંચ ગામના ખેડૂતો દ્વારા પોતાની મહેનત અને ખર્ચે ન્‍યારી-૨ ડેમને ઊંડો કરવાનું ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્‍યું છે. જોકે, આ સેવાકાર્યમાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા મશીનો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવતા ખેડૂતોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે ખંઢેરી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રાજકોટ કલેક્‍ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

 ‘જનભાગીદારી' મંત્રથી પ્રેરાઈને ૩૩ જેટલા ખેડૂતો અને ગ્રામજનોએ ૧૦૦% લોકફાળો (પોતાના ખર્ચે) એકઠો કરી ડેમની સંગ્રહ ક્ષમતા વધારવાનું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા ૧૩ વર્ષ બાદ આ ડેમ ખાલી થયો હોવાથી, તેને ૨૦-૨૫ ફૂટ ઊંડો કરવાથી આજીવન પાણીની સમસ્‍યા હલ થઈ શકે તેમ છે. આનાથી રાજકોટની નર્મદા પરની નિર્ભરતા પણ ઘટશે. ખેડૂતોનો દાવો છે કે તેઓ કોઈ વ્‍યવસાયિક ખનન નથી કરી રહ્યા, છતાં ફેલાયેલી ગેરસમજને કારણે ખાણ-ખનિજ વિભાગે ત્રણ-ચાર દિવસ પહેલા ચાલુ કામગીરીમાંથી ખેડૂતોના સાધનો જપ્ત કર્યા છે.

ઉમદા કાર્ય કરી રહેલા ખેડૂતો કે મશીન ચાલકોને તંત્ર દ્વારા હેરાન કરવામાં ન આવે અને પૂરતો સહકાર આપવામાં આવે. જપ્ત કરવામાં આવેલા સાધનો કોઈપણ શરત વિના તાત્‍કાલિક પરત કરવામાં આવે. ‘અમે કોઈ ખનન નથી કરી રહ્યા, માત્ર લોકહિતનું કાર્ય કરીએ છીએ. જો આ ડેમ ઊંડો થશે તો આ વિસ્‍તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.', આવેદનમાં સિંચાઇ ખાતાની મંજુરી છતા સાંધનો જપ્ત કરાયાનું ઉમેરાયું હતું.

 

(3:04 PM IST)