તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં રાણપુરના પિતા-પુત્ર-ભત્રીજાના મોતઃ એક સાથે અરથી ઉઠતાં કાળો કલ્પાંત
દસ દિવસ રંગેચંગે પુજાપાઠ કર્યા બાદ સાંજે વિસર્જન માટે કુવાડવા-વાંકાનેર રોડ પરના તળાવે ગયા અને કરૂણ ઘટના બનીઃ ધીરૂભાઇ ચોૈહાણ-કોળી (ઉ.વ.૫૦), પુત્ર નયન (ઉ.વ.૨૩), ભત્રીજો નરેન્દ્ર મગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦)ના મૃત્યુથી પરિવારમાં અને ગામમાં ગમગીની કુવાડવા નજીકના રાણપુરની શિવધારા રેસીડેન્સીમાં રહેતાં ધીરૂભાઇ ચોૈહાણ સાથે પત્નિ મીનાબેન, દિકરી આશા તેમજ દિકરો નયન, ભત્રીજો નરેન્દ્ર સહિતના પરિવારજનો સામેલ હતાં: ત્રણનો સદ્દનસિબે બચાવઃ ફાયર બ્રિગેડની ટીમ તુરંત પહોંચી પણ કમનસિબે મૃતદેહ જ હાથ આવ્યાઃ એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી : ધીરૂભાઇ અને સાથે દિકરા નયનનું પણ મોત થતાં પરિવાર પર આભ ફાટયું: નયન ત્રણ બહેનનો એક જ ભાઇ હતો કાકા-પિત્રાઇ સાથે કાળનો કોળીયો બનેલો નરેન્દ્ર બે ભાઇ, એક બહેનમાં વચેટ હતોઃ બે દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૪: કુવાડવા નજીકના રાણપુર ગામની શિવધારા રેસિડેન્સીની શેરી નંબર ૬માં રહેતા કોળી પરિવારના પિતા-પુત્ર અને ભત્રીજાના કુવાડવા વાંકાનેર રોડ પર અજય વે બ્રીજ સામે ખોડીયાર માતાના મંદિર નજીક તળાવમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં મૃત્યુ થતાં પરિવારમાં અને ગામમાં કલ્પાંત સર્જાયો છે. રાતે જ એક સાથે ત્રણેયની અરથી ઉઠતાં ગામ હીબકે ચડયું હતું. સદ્દનસીબે અન્ય ત્રણને લોકોએ બચાવી લીધા હતાં. દસ દિવસ સુધી ભાવભેર પૂજા-અર્ચના કર્યા બાદ સાંજે ગણપતિ દાદાને વિદાય આપવાની વેળા આવી હતી. ત્યારે આ કરૂણ દૂર્ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ રાણપુર ગામે શિવધારા સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક ધીરૂભાઇ ભલાભાઇ ચોૈહાણ -કોળી (ઉ.વ.૫૦)ના ઘરે દસ દિવસના ગણપતીજી બેસાડાયા હતાં. ગત સાંજે આરતી બાદ રંગેચંગે ધીરૂભાઇ ચોૈહાણ સહિત પરિવારના ૭થી ૮ લોકો વિસર્જના માટે ગયા હતાં. જેમાં ધીરૂભાઇ સાથે તેમના પત્નિ મીનાબેન, પુત્ર નયન ધીરૂભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૩), પુત્રી આશા (ઉ.વ.૧૬), ભત્રીજો નરેન્દ્ર મગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) તેમજ બીજા સદસ્યો સામેલ હતાં. ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી જયઘોષ સાથે આ પરિવાર કુવાડવા-વાંકનેર રોડ પર આવેલા ખોડિયાર માતાજીના મંદિર નજીકના ચેકડેમ પર પહોંચ્યો હતો. પરંતુ કોઇને ક્યાં ખબર હતી કે ગજાજનને વિદાય આપતી વેળો એક જ પરિવારના ત્રણ સભ્યો પણ વસમી વિદાય લઇ લેશે!?
તળાવામાં ગણપતિદાદાની મુર્તિનું વિસર્જન કરતી વખતે ધીરૂભાઇ અને પુત્ર નયનભાઇ અચાનક ઉંડા પાણીમાં ડુબવા માંડતા તેમને બચાવવા માટે ભત્રીજા નયન ચોૈહાણ, ધીરૂભાઇના પત્નિ મીનાબેન, પુત્રી આશા, ભત્રીજી માહી એમ બધાએ પ્રયાસ આદર્યો હતો. જો કે ધીરૂભાઇની સાથે તેમનો દિકરો નયન અને ભત્રીજ નરેન્દ્ર એમ બંને પણ ડુબી ગયા હતાં. જ્યારે ધીરૂભાઇના પત્નિ, દિકરી, ભત્રીજી બચી ગયા હતા.
બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમના જવાનો શાહબુદ્દીન, કીરીટભાઈ ગાંગડીયા, મનોજ ડાભી, ચેતનભાઈ, પરેશ રાઠોડ, ધનરાજ મેતલિયા અને મહીપાલસિંહ રાણાએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. દસથી બાર મિનિટની શ્વાસ થંભાવી દે તેવી શોધખોળ બાદ, આ જવાનોએ એક પછી એક ત્રણેયના નિષ્પ્રાણ દેહને પાણીમાંથી બહાર કાઢયા હતાં. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે. પી. તરેટીયા, પીએસઆઇ સરવૈયા, પીએસઆઇ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. રાણપુર ગામના સરપંચ લાલાભાઈ, મૃતક ધીરૂભાઇના ભત્રીજા જેપુર શાળાના પ્રિન્સીપાલ દિલીપભાઇ ચોૈહાણ અને અન્ય કુટુંબીજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
પોલીસે કાર્યવાહી કરી ત્રણેય મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકના કુવાડવા પીએચસી સેન્ટર ખાતે ખસેડ્યા હતા. બાદમાં રાતે જ એક સાથે ત્રણેયની અંતિમવિધી કરવામાં આવી હતી. પિતા-પુત્ર-ભત્રીજાની એક સાથે અરથી ઉઠતાં ચોૈહાણ પરિવાર, ગામમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામનાર ધીરૂભાઇ છ ભાઇ અને છ બહેનમાં નાના હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. ઘરના બંને આધારસ્તંભ પિતા-પુત્રના એક સાથે મૃત્યુ થયા હતાં. પિતા સાથે મૃત્યુ પામનાર નયન રાજકોટ કારખાનામાં કામ કરતો હતો.
જ્યારે કાકા-પિત્રાઇ સાથે મૃત્યુ પામનાર નરેન્દ્ર મગનભાઇ ચોૈહાણ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને તે નયન સાથે જ રાજકોટના કારખાનામાં કામ કરતો હતો. તે માતા-પિતા-પરિવાર સાથે રહેતો હતો. તેના મૃત્યુથી બે દિકરી સંજના (ઉ.વ.૮), અંકિતા (ઉ.વ.૪)એ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. તેના પત્નિનું નામ કિરણબેન અને માતાનું નામ મધુબેન છે. નરેન્દ્ર એકલો જ કાકા ધીરૂભાઇ સહિતની સાથે વિસર્જનમાં જોડાયો હતો. ધીરૂભાઇના ભત્રીજા શાળાના પ્રિન્સીપાલ દિલીપભાઇ ચોૈહાણના કહેવા મુજબ પોતે દર વર્ષે વિર્સજનમાં સાથે જાય છે અને પોતે જ વિસર્જન કરે છે. આ વખતે જઇ શક્યા નહોતાં. આ બનાવથી રાણપુર ગામમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૫)
ગણપતિ વિર્સજન વખતે ચોૈહાણ પરિવારના ત્રણ સ્વજનોની ‘વસમી વિદાય'
કુવાડવાના રાણપુરગામે રહેતાં કોળી પરિવારના ધીરૂભાઇ ચોૈહાણ તેમના પરિવારજનો સાથે ગણપતિ વિર્સજન માટે ગયા ત્યારે કુવાડવા-વાંકાનેર રોડ પર આવેલા તળાવમાં વિસર્જન વખતે ધીરૂભાઇ તેમજ તેમના દિકરા નયન અને ભત્રીજા નરેન્દ્રના ડુબી જવાથી મૃત્યુ થતાં પરિવાર અને ગામમાં ગમગીની વ્યાપી ગઇ છે. એક સાથે ત્રણ ત્રણ સ્વજનો ગુમાવનારા ચોૈહાણ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ત્રણેયની રાતે જ એક સાથે અંતિમવિધી થઇ હતી. તસ્વીરમાં હતભાગી મૃતકો ધીરૂભાઇ ચોૈહાણ, તેમના પુત્ર નયન ચોૈહાણ અને ભત્રીજા નરેન્દ્ર ચાોૈહાણના ફાઇલ ફોટો અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા તળાવમાંથી નિષ્પ્રાણ દેહો બહાર કાઢવામાં આવ્યા તે દ્રશ્યો જોઇ શકાય છે. (૧૪.૬)
ધીરૂભાઇના એક ભત્રીજા દિલીપભાઇ ચોૈહાણ શાળામાં પ્રિન્સીપાલ
ઞ્જપુત્ર-ભત્રીજા સાથે મૃત્યુ પામનાર ધીરૂભાઇ ચોૈહાણના એક ભત્રીજા દિલીપભાઇ ચોૈહાણ જેપુર પ્રાથમિક શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે રાતે જ ત્રણેય સ્વજનોની એક સાથે કુવાડવા સ્મશાન ખાતે અંતિમવિધી કરવામાં આવી હતી. દિલીપભાઇ પોતે પણ દર વર્ષે વિસર્જનમાં જાય છે અને પોતાના હાથે જ વિસર્જન કરે છે. પણ આ વખતે તેઓ જઇ શક્યા નહોતાં. (૧૪.૫)
નયન અને નરેન્દ્ર સાથે જ કામ કરતાં, સાથે જ અંતિમ વિદાય લીધી!
ઞ્જ આ કરૂણ દુર્ઘટનામાં મોતને ભેટેલા બે પિત્રાઇ ભાઇઓ નયન ધીરૂભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૩) અને નરેન્દ્ર મગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) વચ્ચે ભાઇ કરતાં વિશેષ ભાઇબંધ જેવા સંબંધ હતાં. બંને રાજકોટમા એક સાથે જ કારખાનામાં કામ કરતાં હતાં. કમનસિબે બંનેની અંતિમવિદાય પણ તળાવમાં ડૂબી જવાથી એક સાથે થઇ હતી.
ધીરૂભાઇ ચોૈહાણ
છ ભાઇ, છ બહેનમાં વચેટ
હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં
(2:48 PM IST)










