News of Thursday, 7th May 2026
કાવાદાવા અને વિશ્વાસઘાત ઉપર પ્રકાશ પાડતી ફિલ્મ ‘‘લક્ષ્યવેધ'' કાલથી રીલીઝઃ આકાર ઇવેન્ટસનું નજરાણું

રાજકોટઃતા.૭, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મોએ પોતાની પરંપરાગત શૈલી બદલીને આધુનિક અને ‘અર્બન' કલેવર ધારણ કર્યું છે. આ બદલાતા પ્રવાહમાં વધુ એક સોનેરી પીંછું ઉમેરવા માટે ‘આકાર ઇન્વેસ્ટસ' પ્રસ્તુત ફિલ્મ ‘લક્ષ્યવેધ' સજજ થઇ ગઇ છે. કાલે તા. ૮ ના સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં, પણ ગુજરાતી સિનેમામાં ગુણવતા અને વાર્તાના સ્તરે એક નવો માપદંડ સ્થાપિત કરશે તેવી પૂરી શકતા દેખાઇ રહી છે.
‘‘ અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સ્ટારકાસ્ટ ટીમે જણાવ્યું હતું કે પ્રોપર્ટીના કાવાદાવાની વાર્તા ઉપર આગળ વધતી આ ફિલ્મ સંપૂર્ણ ડ્રામેટીકલ અને ઇમોશનલ છે. ‘હિતેચ્છુ જ જયારે હિતશત્રુ બને ત્યારે શું ? ' પોતાના નાનકડા સ્વાર્થ માટે જયારે કોઇ સંબૈધોની હોળી કરી નૈતિક મૂલ્યોને નેવે મૂકી દે છે, ત્યારે સર્જાતી પરિસ્થિતિ આ ફિલ્મનો મુખ્ય આધાર છે, એક હસતા-રમતા સુખી કુટુંબમાં જયારે અંગત લાલચ માટે કાવાદાવા શરૂ થાય અને ઘરના સભ્યો જ એકબીજાની સામે રમત રમવા લાગે, ત્યારે કોના પર ભરોસો રાખવો એ મોટો સવાલ છે.
ટૂંકમા દગાબાજ અને વિશ્વાસઘાતીને પકડીને તેને યોગ્ય સજા અપાવવા માટે રમાતી ‘રમત સામેની વળતી રમત' ઉપર પ્રકાશ પાડવા ફિલ્મ ‘‘લક્ષ્યવેધ'' સરસ પ્રયાસો થયો છે.
આ સામાજિક રહસ્યકથા યોગેશ મહેતા લિખિત કથા-પટકથા અને સંવાદો પર રચાયેલી છે. ફિલ્મને કર્ણપ્રિય સંગીતથી મઢવામાં આવી છે, જેનું શ્રેય ભારતના જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટને જાય છે. દિગ્દર્શક નયન ભટ્ટે આ અટપટા રહસ્યના તાણાવાવાણાને ખૂબ જ જકડી રાખે તેવી રીતે પડદા પર ઉતાર્યા છે. ફિલ્મમાં નિર્માતા નયન ભટ્ટઅને મૃણાલિની ભટ્ટ છે, જયારે સહ-નિર્માતા તરીકે નિલેશ ચોવટીયા આર્ટ કોર્પોરેશન જોડાયેલા છે.
ફિલ્મનું મોટાભાગનું શુટીંગ રાજકોટ અને જૂનાગઢમાં થયું છે ત્રણેક ગીતો જમાવટ કરે છે જેને ગોપાલ સાધુ, રોહન અજાણી અને દેવ્યાની ચક્રવર્તીએ સ્વર આપ્યા છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા ‘‘લક્ષ્યવેધ'' ના કલાકારો અને ટીમના આરતી સુથાર, મહેશ ગુપ્તા, અરવિંદ રાવલ, મૈત્રી પીલોજપરા, ધ્રુમીલ બારડ, મૃણાલીની ભટ્ટ, નયનભાઇ ભટ્ટ નજરે પડે છે.
(2:17 PM IST)










