તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
કાફેની ઇવેન્ટમાં બોલીવૂડના કોપીરાઇટ ગીતો વગાડવામાં આવતાં એફઆઇઆર દાખલ થઇ
ન્યુ ૧૫૦ રીંગ રોડના ક્યુરે કાફે બાય મસાલા ડાયરીઝ ખાતે યોજાઇ હતી ઇવેન્ટ્સઃ ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ કંપનીના અધિકારી સંજયસિંહ ઝાલાની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ શહેરમાં કોપીરાઈટ એક્ટના ભંગનો એક મામલો પોલીસ ચોપડે ચડયો છે. જેમાં ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ લિમિટેડ (પીપીએલ) કંપનીના સિનિયર ઓફિસર લાયસન્સિંગ ૧૫૦ રીંગ રોડ બીગ બાઝાર પાછળ ચંદ્ર પાર્ક સોસાયટીમાં રહેતાં સંજયસિંહ કાળુસિંહ ઝાલા દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ રોડ પર આવેલા ક્યુરે કેફે બાય મસાલા ડાયરીઝમાં લાયસન્સ વગર બોલીવૂડ ફિલ્મોના ગીતો વગાડવા મામલે ગુનો દાખલ કરાયો છે.
આ કંપનીની મુખ્ય ઓફિસ વેસ્ટ મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલી છે અને તેમની પાસે ટી-સીરીઝ, સોની મ્યુઝિક, યુનિવર્સલ મ્યુઝિક, વીનસ રેકોર્ડ્સ સહિત ૭૫૦થી વધુ મ્યુઝિક લેબલ્સના કોપીરાઈટ અધિકાર છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તા. ૧૫/૧૦/૨૦૨૬ના રોજ ફરિયાદી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ, કોકોનટ કાઉન્ટી પાર્ટી લોન્સ સામે આવેલા કયુરે કેફે બાય મસાલા ડાયરીઝ નામના કેફેમાં ગત તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ‘હેલોઇન નાઇટ' નામના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હોવાની અને તેમાં ડી.જે. પાર્ટી યોજાઈ હોવાની રીલ જોવા મળી હતી.
ત્યારબાદ તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યે સંજયસિંહ પોતાના મિત્રો હીમાંશુભાઈ મુંગલપરા સાથે ઉપરોક્ત કેફે ખાતે રૂબરૂ તપાસ અર્થે ગયા હતા. રાત્રિના સાડા નવથી દસ વાગ્યા દરમિયાન ત્યાં આયોજિત ઇવેન્ટમાં મૈં શરાબી, વારી જાવાં, અંગ્રેજી બીટ, દીવાનીયત, સુરજ ડુબા, શીલા કી જવાની, બમ ડીગી ડીગી બમ, કમરીયા, છોગાડા, સુબહ હોને ના દે રીમીક્સ, તુમ હી હો બંધુ, કેરેકટર ઢીલા, અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ સહિતના ગીતો વગાડવામાં આવ્યા હતાં.
આ તમામ ગીતોના વિડિયો ફરિયાદી સંજયસિંહે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યા હતા અને કંપનીના નિયમો મુજબ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કેફેના સંચાલકો કે આયોજકો દ્વારા કંપનીનું કાયદેસરનું લાયસન્સ મેળવ્યા વગર જ આ કોપીરાઈટવાળા સાઉન્ડ રેર્કોડિંગ્સ સરેઆમ વગાડવામાં આવ્યા હતા. કોપીરાઈટ એક્ટ-૧૯૫૭ ના નિયમોનું ઉલ્લંઘન કરી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતા અમદાવાદ ખાતે આવેલી ઓફિસના ડેપ્યુટી મેનેજર પળથ્વીરાજસિંહ વનરાજસિંહ જાડેજાની સાથે રહીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એચ. જે. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(3:40 PM IST)










