News of Friday, 29th May 2026
સોની બજારની દિયા ગોલ્ડ દૂકાનમાં એલપીજી બાટલાના ધડાકા સાથે આગઃ મોટી નુકસાની
દેરાસર શેરી પેટા ગલીમાં આવેલા કોમ્પલેક્ષમાં બીજા-ત્રીજા માળે આગઃ ચાર લોકો હેમખેમ બચી ગયા : ચાર ફાયર સ્ટેશનની ટીમોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધીઃ લોકોના ટોળા ઉમટી પડયા

એલપીજીનો બાટલો ધડાક સાથે ફાટયો અને આગે મોટુ સ્વરૂપ પકડી લીધું હતું તે દ્રશ્ય અને ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનો, લોકોના ટોળા જોઇ શકાય છે. બારીમાંથી પણ આગનું દ્રશ્ય જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૯: શહેરની સોની બજારમાં દેરાસરવાળી શેરીમાં યુનિયન બેંક નજીક પેટા ગલીમાં દિયા ગોલ્ડ નામની ઇમિટેશનની દુકાનમાં રાતે આગ ભભૂકતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો પાંચ ફાયર ફાઇટર સાથે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. એ પહેલા કોમ્પલેક્ષના બીજા, ત્રીજા માળે આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધુ હતું. બીજા માળે એલપીજીનો બાટલો હોઇ તે ધડાકા સાથે ફાટતાં છત અને દિવાલોમાં ભારે નુકસાની થઇ હતી.
જાણવા મળ્યા મુજબ સોની બજારમાં રાતે દિયા ગોલ્ડ પોલીશીંગ નામની દુકાનમાં રાતે આગ ભભૂક્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના સાત ફાયર ફાઇટર પહોંચી ગયા હતાં. આગ કોમ્પલેક્ષના બીજા-ત્રીજા માળે લાગી હતી. બીજા માળે એક એલપીજી સિલીન્ડર ધડાકા સાથે ફાટતાં આગ વધુ ફેલાઇ ગઇ હતી. આ વખતે પહેલા માળે ત્રણેક લોકો હતાં અને ત્રીજા માળે એક વ્યક્તિ કામ કરતી હતી. જો કે આ ત્રણેય સદ્દનસિબે સમયસર બહાર આવી જતાં જાનહાની અટકી હતી.
ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગને કારણે પોલીશીંગ મશીન અલ્ટ્રાસોનીક મશીન, ડ્રમ, ફર્નિચર બળી ગયા હતાં. તેમજ એલપીજી બાટલાના ધડાકાને કારણે છત, દિવાલો, પતરાનું બાંધકામ ઉપર હોઇ તેમાં અને ઇલેક્ટ્રીક વાયરીંગ સહિતમાં ભારે નુકસાની થઇ હતી. દોઢથી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગનું કારણ જાણવા મળ્યું નહોતું. ઘટના સ્થળે દુકાન માલિક સંજયભાઇ નિુભાઇ લુવા હાજર હતાં. આગની ઘટનાની જાણ થતાં મુખ્ય ફાયર સ્ટેશન, બેડીપરા ફાયર સ્ટેશન તેમજ અન્ય ફાયર સ્ટેશનથી પાંચ ફાયર ફાઇટરો પહોંચ્યા હતાં અને આગ કાબુમાં લીધી હતી.
આગની ઘટનાને પગલે સોની બજારમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ગેસનો બાટલો લિક થવાથી આગ લાગી કે અન્ય કારણોસર તેની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની જાણ થતાં પોલીસ, ૧૦૮ પણ પહોંચ્યા હતાં. ફાયર બ્રિગેડના અધિકારીઓ, કર્મચારીઓ અમિતભાઇ દવે, અશોકસિંહ ઝાલા, મુબારકભાઇ જુણેજા, ગોપીભાઇ, સંજયભાઇ નાગલાણી, ભીખુભાઇ, શક્તિસિંહ, રાકેશભાઇ, ચંદુભાઇ, કેતનભાઇ, દિલીપભાઇ, સુનિલભાઇ, પ્રદિપભાઇ, રાજશેભાઇ, તુલસીભાઇ, નરોત્તમભાઇ, મનોજભાઇ, અજયભાઇ, બ્રિજરાજસિંહ, યશદિપસિંહ, ઉમેશભાઇ, શૈલેષભાઇ, દિલીપભાઇ, રમેશભાઇ, વિકાસભાઇ, વાઘાભાઇ, વિપુલભાઇ, ઇમરાનભાઇ, જીજ્ઞેશભાઇ, દિવ્યેશભાઇ, વિજયભાઇ, નિમેષભાઇ, મહિપાલસિંહ, દર્પણભાઇ, હરેશભાઇ, શાંતુભા, શક્તિસિંહ, રાજેશભાઇ, નિર્મળસિંહ સહિતે આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
(2:30 PM IST)










