તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
કાલે નવા શાસકોની પ્રથમ સામાન્ય સભાઃ સંભવત ‘બાઉન્ડ્રી' વિના ૪પ પ્રશ્નોની ફટકાબાજી
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના બોર્ડ બેઠકમાં સેક્રેટરી સહિતની નિમણુંકની દરખાસ્ત અને કોર્પોરેટરના પ્રશ્નો ભાજપના ૧૯ નગરસેવકોએ ૪૩ તથા કોંગ્રેસના માત્ર ૧ સભ્યએ ર પ્રશ્ન રજૂ કર્યા

રાજકોટ, તા.૨૪: મ્યુનિ. કોર્પોરેશનની આગામી સાધારણ સભા આવતીકાલે તા.૨૫ના ગુરુવારે સવારે ૧૧.૧૫ કલાકે બોલાવવા મેયર ડો. નેહલ શુક્લની સુચનાથી સેક્રેટરીએ એજન્ડા બહાર પાડ્યો હતો. જેમાં પ્રશ્નોત્તરી મુકવા તમામ કોર્પોરેટરોને હવે પાર્ટીએ ખુલ્લી છુટ આપી હોય સાંજના ૬ વાગ્યા સુધીમાં જ ૨૫ કોર્પોરેટરોએ ૮૫ પ્રશ્નો રજુ કર્યા હતા.બોર્ડ શાસકોના પ્રશ્નોથી જ ગરમા ગરમ રહે તેવું લાગી રહ્યું છે.
આવતીકાલે તા.૨૫ના સવારે ૧૧ કલાકે મેયર નેહલ શુકલના અધ્યક્ષસ્થાને બોર્ડ યોજાશે. આ બોર્ડમાં ભાજપના ૧૯ નગરસેવકો ૪૩ પ્રશ્નો તથા કોંગ્રેસના ૧ સભ્યે સહિત કુલ ૨૦ સભ્યોએ ૪૫ પ્રશ્નો રજુ કર્યા છે.
આ સામાન્ય સભાનો પ્રારંભ વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતન પટેલે બે પ્રશ્નો રજુ કર્યા હતા. આવાસ યોજના વિભાગે એક વર્ષમાં કરેલી કામગીરી, ટીપી શાખાના સેટઅપ અને એક વર્ષમાં કરવામાં આવેલી કામગીરીનો તેમણે રીપોર્ટ માંગ્યો છે. આ પ્રથમ પ્રશ્નની ચર્ચા લાંબી થાય તેવું લાગી રહ્યું છે.
કોર્પોરેશનની ચૂંટણી બાદ મેયર સહિતના પદાધિકારીઓની વરણી માટે એક મહિને બોર્ડ મળ્યું હતું. હવે કાલે કામકાજ સાથેની પ્રથમ સામાન્ય સભા મળવા જઇ રહી છે તેમાં કોર્પોરેટરોએ પ્રશ્નોના ઢગલા કર્યા છે.
ચીઠ્ઠી પ્રથા બંધ
ચર્ચાની સમયમર્યાદા બાદ
વર્ષોથી કોર્પો.માં પ્રશ્નોમુકવા એક સાથે પહોંચી જતાં સભ્યો વચ્ચે કોઇ વિવાદ ન થાય તે માટે નામ સાથેની ચિઠ્ઠી ખેંચવાની પરંપરા શરુ કરવામાં આવી હતી. ક્રમ મુજબ નામ નીકળે તેમના પ્રશ્નો અગ્ર ક્રમે આવતા હતા. પરંતુ આ ચીઠ્ઠી પ્રથા પણ નીકળી ગયાનું લાગ્યું છે. ગત સપ્તાહે સવારે સૌ પહેલા કેતન પટેલ પ્રશ્ન મુકવા પહોંચ્યા હતા. આથી તેમનો ક્રમ પ્રથમ આવી ગયો છે. આ બાદ વારાફરતી જે-જે કોર્પોરેટરો પ્રશ્ન મુકતા ગયા તેમનો ક્રમ આવતો ગયો હતો. આવતા બોર્ડથી આ રીતે પ્રશ્ન મુકવામાં પણ હરિફાઇ થાય તેવું લાગી રહ્યું છે. તેમજ બોર્ડમાં સભ્યોના પ્રશ્નોથી ચર્ચાનો સમય બાદ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ૧ કલાકનું બોર્ડ યોજાયુ હતું. હવે મેયરે સમયમર્યાદા દુર કરી નગરસેવકોને પ્રશ્ન ચર્ચાનો છુટો દોર આપ્યો છે. કાલે મળનાર બોર્ડમાં કેટલો સમય ચાલશે તે જોવાનું રહયું.
સમિતિઓની લાંબા સમયથી અટકેલી રચના કાલે થશે?
રાજકોટ, તા. ર૪: મહાનગરપાલિકાના મેયર અને ડે.મેયરની ચૂંટણી ર૮ મીએ પુરી થઇ ગઇ. સ્ટેન્ડિંગ સિવાઇની વિવિધ ૧પ સમિતિઓની રચના અને અધ્યક્ષની વરણી પ્રદેશ ભાજપની સૂચના મુજબ અટકેલી છે. કાલે ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા છે. જો પ્રદેશમાંથી મંજુરી આવે તો કાલે સામાન્ય સભામાં સમિતિઓની રચનાની દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી આવે તેવી શકયતા છે.
(3:24 PM IST)










